(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની એફસીએનઆર (ફોરેન કરન્સી નોન રેસિડૅન્ટ (બૅન્ક) સ્કીમ અંતર્ગત 127.23 અબજ ડૉલરનું ભંડોળ એકત્રિત થવાથી વિદેશી ચલણની પ્રવાહિતામાં સુધારો થવાની સાથે ચુકવણી તુલામાં પણ સુધારો આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ બાવીસ પૈસાનો સુધારો આવ્યો હતો અને રૂપિયો 94.51ના મથાળે બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી અનુસાર દરિયાપારના ફોરેન કરન્સી બોરોઈંગ અને એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઈંગ સહિતનું ભંડોળ કુલ 136.377 અબજ ડૉલરના સ્તરે પહોંચ્યું છે.
આજે સ્થનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.73ના બંધ સામે મજબૂત અન્ડરટોને 94.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.66 અને ઉપરમાં 94.26 સુધી વધી આવ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે બાવીસ પૈસાના સુધારા સાથે 94.51ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે પણ ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે એફસીએનઆર ડિપોઝીટ્સના આંતરપ્રવાહમાં તીવ્ર વધારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીમાં વધારો તથા યૅનમાં જોવા મળેલી મજબૂતાઈને કારણે રૂપિયાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે. તેમ છતાં ક્રૂડતેલના વધતા ભાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ સુધારો મર્યાદિત રાખી શકે છે.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ 0.38 ટકાના ઘટાડા સાથે 99.22 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.85 ટકા વધીને બેરલદીઠ 96.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 417.49 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 41 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 6688.37 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.