ગાંધીનગરઃ બોલિવૂડ એકટર અને ફિલ્મેમેકર દીપક તિજોરીએ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના થિયેટરોમાં ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને ઓછામાં ઓછી એક સ્ક્રીન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા ભાર મૂક્યો હતો, જેથી સ્થાનિક ફિલ્મો સરળતાથી દર્શકો સુધી પહોંચી શકે.
મહારાષ્ટ્ર મોડેલ લાગુ કરવાનો પ્રસ્તાવ
દીપક તિજોરીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મો માટે જે રીતે સ્ક્રીન ફાળવણીના ચોક્કસ નિયમો છે, તે જ તર્જ પર ગુજરાતમાં પણ નીતિ બનાવવાની રજૂઆત કરી હતી. આ નિયમ થિયેટર માલિકો અને ફિલ્મ નિર્માતાઓ બંનેના હિતને ધ્યાનમાં રાખીને બનાવવાનો ઉદ્દેશ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, સારો પ્રતિસાદ હોવા છતાં હિન્દી કે અન્ય ભાષાની મોટી ફિલ્મો આવતાં ગુજરાતી ફિલ્મોને અચાનક હટાવી દેવામાં આવે છે, જેનાથી સ્થાનિક નિર્માતાઓ અને કલાકારોને મોટું આર્થિક નુકસાન થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ બજેટનું રોકાણ થાય, કન્ટેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડ સુધરે તેમજ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સિનેમાની ઓળખ મજબૂત બને તે માટે સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.
કોણ છે દીપક તિજોરી
દીપક તિજોરીનો જન્મ 28 ઓગસ્ટ, 1961ના રોજ મુંબઈમાં થયો હતો. તે 90ના દાયકાનો સ્ટાર એક્ટર હતો. તેના દાદા તિજોરી બનાવવાનું કામ કરતાં હતા અને તેમની મૂળ અટક તિજોરીવાલા હતી જે બાદમાં તિજોરી થઈ હતી. દીપક તિજોરીના પિતા ગુજરાતી વૈષ્ણવ અને માતા પારસી ઈરાની હતાં. માતાને ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો, પરંતુ પરિવાર રૂઢિચુસ્ત હોવાના કારણે તેમનું આ સપનું અધૂરું રહી ગયું.
જોકે, તેમણે પોતાના પુત્ર દીપકને અભિનય ક્ષેત્રે આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહિત કર્યા. દીપકનો અભ્યાસ મુંબઈની નરસી મોનજી કૉલેજમાંથી થયો હતો, જ્યાંથી તેમને અભિનયમાં ઊંડો રસ જાગ્યો. કૉલેજના દિવસોમાં તેમણે થિયેટર ગ્રૂપ જોઈન કર્યું અને અહીં તેમની મુલાકાત આમિર ખાન, આશુતોષ ગોવારીકર, પરેશ રાવલ જેવા અનેક કલાકારો સાથે થઈ હતી. કૉલેજમાં દીપક દરેક નાટકમાં હીરોનો રોલ કરતા હતા અને તેમને પૂરો વિશ્વાસ હતો કે કૉલેજ પૂરી થતાં જ ફિલ્મોમાં પણ હીરો બનવાની તક મળી જશે, પરંતુ વાસ્તવિક દુનિયામાં પગ મૂકતાં જ તેમના આ વિચારને મોટો ઝટકો લાગ્યો હતો.
દીપકે રાત્રે બાંદ્રાની હોટલમાં કામ કર્યું
કૉલેજ પૂરી થયા પછી જ્યારે દીપકે ફિલ્મોમાં કામ શોધવાનું શરૂ કર્યું ત્યારે તેમને સમજાઈ ગયું કે અહીં કોઈ ઓળખાણ વગર આગળ વધવું સરળ નથી. ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. પિતાની આવક મર્યાદિત હતી અને મોટા ભાઈના ખભા પર પરિવારની જવાબદારી હતી. આવા સંજોગોમાં દીપકે રાત્રે બાંદ્રાની એક હોટલમાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરવાનું શરૂ કરી દીધું, જેથી દિવસ દરમિયાન તેઓ ફિલ્મ સ્ટુડિયો અને પ્રોડ્યુસર્સની ઑફિસોમાં જઈ શકે. આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ અને તેમને સૌથી મજબૂત બનાવનારો સમય હતો. આખો દિવસ સંઘર્ષ અને આખી રાત નોકરી—આ રીતે તેમણે પોતાના સપનાને જીવંત રાખ્યું.
ફિલ્મ 'આશિકી'માં મિત્રનો રોલ મળ્યો
ધીમે-ધીમે દીપકને નાના-મોટા મોડેલિંગ અસાઇનમેન્ટ મળવા લાગ્યા અને પછી એક દિવસ તેમને અભિનેતા અવતાર ગિલનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે મહેશ ભટ્ટ તેમને શોધી રહ્યા છે. દીપકે તરત જ તેમનો સંપર્ક કર્યો અને ત્યારે જઈને તેમને ફિલ્મ 'આશિકી'માં એક મિત્રનો રોલ મળ્યો. આ રોલ ભલે નાનો હતો, પરંતુ એટલો પ્રભાવશાળી હતો કે તેના પછી દીપકને એક પછી એક ફિલ્મો મળતી ગઈ. તેમણે 'સડક', 'દિલ હૈ કિ માનતા નહીં', 'ખિલાડી', 'જો જીતા વહી સિકંદર', 'કભી હાં કભી ના' અને 'અંજામ' જેવી સુપરહિટ ફિલ્મોમાં સહ-કલાકાર (કો-એક્ટર) તરીકે કામ કર્યું. આ ફિલ્મોમાં તેમની ભૂમિકાઓને આજે પણ યાદ કરવામાં આવે છે.