મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને રિયાલિટી શો 'બિગ બોસ' ની એક્સ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમી આજકાલ પોતાના અંગત જીવનને લઈને અત્યંત વ્યથિત છે. હાલ માં જ સોશિયલ મીડિયા દ્વારા તેણે ખુલાસો કર્યો છે કે તે છેલ્લા 6 વર્ષોથી સતત સાયબર બુલિંગ, ઓનલાઇન ઉત્પીડન અને સ્ટોકિંગનો શિકાર બની રહી છે. મંદાનાના મતે ભારત છોડીને દુબઈ ગયા બાદ પણ આ માનસિક ત્રાસ અટક્યો નથી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનેક વીડિયો અને સ્ક્રીન શોટ શેર કરી આરોપીઓ દ્વારા થતી છેડછાડ જાહેર કરી છે અને કહ્યું છે કે કઈ રીતે એક અજ્ઞાત શખ્સ તેમની કારકિર્દી અને અંગત જીવન બરબાદ કરવાના પ્રયાસોમાં લાગેલો છે.
લગ્ન તૂટ્યા બાદ શરૂ થયો ત્રાસ
મંદાના કરીમીએ કહ્યું હતું કે આ સમગ્ર મામલો વર્ષ 2018માં તેના પૂર્વ પતિ ગૌરવ ગુપ્તા સાથે અલગ થયા બાદ શરૂ થયો હતો. ત્યારથી કોઈ અજાણી વ્યક્તિ તેની પાછળ પડી ગઈ છે. આ વ્યક્તિ તેના વ્યવસાયિક જીવન સાથે જોડાયેલા લોકો અને અંગત મિત્રો સાથે સંપર્ક સાધે છે. આરોપી તેમને મંદાના વિરુદ્ધ ભડકાવવા માટે ખોટી વાતો જણાવે છે જેથી તેમની કારકિર્દી ઠપ થઈ જાય, એટલું જ નહીં તે અજાણ્યા એકાઉન્ટથી અનેકવાર પૈસાની માંગ પણ કરવામાં આવી છે. તેણે અત્યંત ભાવુક થઈ કહ્યું કે તેને સમજાતું નથી કે કોઈ તેનાથી આટલી નફરત કેમ કરે છે અને તેને બેઘર, બેરોજગાર જોવા કેમ આટલો તલપાપડછે.
જાસૂસી માટે હેકરની મદદ લીધી
અભિનેત્રીએ આ ચોંકાવનારા મામલામાં એક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે અમુક વર્ષ પહેલા તેણે આ સ્ટોકરની ભાળ મેળવવા માટે એક પ્રોફેશનલ જાસૂસની મદદ લીધી હતી. તપાસમાં જે વાત સામે આવી તેણે બધાને ચોંકાવી દીધા હતા. તપાસ કરનારે જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ગતિવિધિઓ પર ચોવીસ કલાક નજર રાખવા માટે એક 'પ્રોફેશનલ હેકર' ને પૈસા આપ્યા છે. આ હેકર મીનાક્ષી નામના એક ફેક ઈમેઇલ આઈડી દ્વારા મંદાનાના સંપર્કમાં આવનારા દરેક પ્રખ્યાત વ્યક્તિને ભ્રામક અને વિવાદિત સંદેશો મોકલતો હતો.
ભારત છોડ્યા પછીય મુશ્કેલીમાં
મંદાના કરીમીના જણાવ્યા અનુસાર તેણે આ માનસિક ત્રાસના લીધે ભારત છોડવાનો નિર્ણય લીધો હતો. તે લગભગ 16 વર્ષો સુધી ભારતમાં રહ્યા બાદ મે 2026માં દુબઇ શિફ્ટ થઈ હતી. જો કે દેશ બદલ્યા બાદ પણ આ સ્થિતિમાં કોઈ જ સુધારો ન આવ્યો, તેના મિત્રો અને નજીકના સગાઓને આજે પણ ફેક એકાઉન્ટથી ઈમેઈલ મળી રહ્યા છે. જો કે મંદાનાના શુભચિંતકો તે ઈમેઈલને સ્ક્રીનશોટ લઈને તેને મોકલી રહ્યા છે અને તેનો સાથ આપી રહ્યા છે. મંદાનાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે સાઇબર ક્રાઈમ માં ઘણીવાર ફરિયાદ કરવા છતાં પોલીસે ધ્યાન ન આપતા તેને હવે જનતા સામે આવવાની ફરજ પડી હતી.
'હવે હદ થઈ ગઈ'
સતત થઈ રહેલા સાઈબર હુમલાથી કંટાળીને તેણે પોતાના સોશિયલ મીડિયા પર 'હવે હદ થઈ ગઈ'નો નારો આપતા આ લડાઈને સાર્વજનિક રીતે લડવાનું જાહેરાત કરી છે. તેણે પોતાની પોસ્ટમાં પુરાવા તરીકે અનેક ઈમેલના સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને લોકોને અપીલ કરી હતી કે તેના નામથી મળેલા સંદિગ્ધ ઈમેલ મળે તો તેના પર વિશ્વાસ ન કરવો અને પૈસા ન મોકલવા તેમ જ આ સ્ક્રીનશોટ તેને મોકલી આપવા, જેથી કાયદેસર કાર્યવાહીને મજબૂત બનાવી શકાય.
16 વર્ષ બાદ છોડ્યું બીજું ઘર
મંદાના કરીમીએ મેમાં મુંબઈ છોડતી વખતે પોતાના આધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ભારતને પોતાનું બીજું ઘર કહેતા અલવિદા કહ્યું હતું. આ સિવાય મૂળ ઈરાનની મંદાના પોતાના દેશના સમકાલીન મુદ્દા અને માનવધિકારો પર સતત રોષ ઠાલવી રહી છે.
મંદાનાનું કરિયર અને બોલિવૂડ સફર
ઈરાનમાં જન્મેલી મંદાના કરીમીએ ભારતમાં એક મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને પોતાની ઓળખ 2015માં આવેલા રિયાલિટી શો 'બિગ બોસ 9' થી મળી, જ્યા તે સેકન્ડ રનર અપ રહી હતી. ત્યાર બાદ તેણે બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. જેમાં 'રોય', 'ભાગ જોની' અને 'મેન ઔર ચાર્લ્સ' તેમ જ 'ક્યાં કુલ હે હમ 3' જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2022માં તે કંગના રનૌતના ચર્ચિત રિયાલિટી શો 'લોક અપ' માં પણ જોવા મળી હતી. તે છેલ્લે ઓટીટી ફિલ્મ 'થાર'માં જોવા મળી હતી.