સુરતઃ ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ચઢી રહ્યો છે. શહેરના જાણીતા મુસ્લિમ બિલ્ડરને 4 યુવકે છરીના 19 ઘા મારી પતાવી દીધો હતો. છરીના ઘાના કારણે રોડ પર લોહી જ લોહી દેખાતું હતું.
જાણો શું છે સમગ્ર મામલો
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મોડી રાત્રે જાહેરમાં હત્યાનો વધુ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જાણીતા મુસ્લિમ બિલ્ડર અને જમીન દલાલ ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તા(ઉ.વ.55)ને 4 અજાણ્યા શખ્સોએ જાહેરમાં આંતરી છરીના ઉપરાઉપરી 19 ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ચોકબજાર પોલીસ અને ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, હત્યારાઓ અગાઉથી પ્લાનિંગ કરીને મુસ્લિમ બિલ્ડરનો પીછો કરી રહ્યા હતા. બ્રિજ પર જતા પહેલાં પીછો કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે. બ્રિજ પર નિર્જન જગ્યા જોતાં જ આરોપીઓએ મુસ્લિમ બિલ્ડરને ઘેરી લીધો હતો અને જીવલેણ હુમલો કરી પેટ તેમજ છાતીના ભાગે છરીના 19 ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ફૈસલ ઘટનાસ્થળે જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. હત્યા કર્યા બાદ ચારેય આરોપીઓ બે મોપેડ પર સવાર થઈ રોંગ સાઇડ પંડોળ તરફ નાસી છૂટ્યા હતા.
સીસીટીવી ફૂટેજમાં દેખાતી મોપેડના નંબરના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેક નામના બે શખ્સોની સંડોવણી હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે વાહનના માલિક એવા અભિષેકના સંબંધી સુધી પહોંચીને પૂછપરછ કરતાં વાહન અભિષેક લઈ ગયો હોવાની પુષ્ટિ થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન વિવાદ કે મોટા નાણાકીય વ્યવહારને પગલે સોપારી આપી હત્યા કરાવાઈ હોવાની પ્રબળ આશંકા છે. મૃતક ફૈસલ જમીન દલાલી, કન્સ્ટ્રક્શન ઉપરાંત મોટા પાયે ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલો હતો અને દુબઈ અવારનવાર આવ-જા કરતો હતો. હાલ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.