Sat Sep 05 2026

Logo

લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી જાહેર કરી નિવૃત્તિ: આર્જેન્ટિના માટે નહીં રમે...

Rosario   2026-08-31 21:38:39
Author: Mumbai Samachar Team
લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી જાહેર કરી નિવૃત્તિ: આર્જેન્ટિના માટે નહીં રમે...

Lionel Messi Retirement


દુનિયાના સૌથી મહાન ફૂટબોલર લિયોનલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ફૂટબોલ પ્રેમીઓને જોરદાર આંચકો આપ્યો છે. જુલાઈમાં વર્લ્ડકપની રોમાંચક ફાઈનલ મેચમાં સ્પેનથી હાર્યા પછી મેસીની કારકિર્દીનો અંત જ આવી ગયો હતો, જે પછી આજે અચાનક ભાવુક પોસ્ટ લખીને સંન્યાસની જાહેરાત કરી છે.

39 વર્ષીય મેસીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાવુક સંદેશ શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની જર્સીમાં તેમની બે દાયકાની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે, જે હવે આર્જેન્ટિના માટે નહીં રમે.

મેસીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે ફાઇનલ બાદ ઘણો સમય પસાર થયો અને આ નિર્ણય અંગે મેં ઘણું વિચાર્યું. હવે હું કહેવા માગું છું કે હું રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ નિર્ણયથી મને ખૂબ દુઃખ થયું છે અને આજે પણ અંદરથી દુઃખ થાય છે, પરંતુ મને લાગે છે કે આ યોગ્ય સમય છે." તેમણે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય ટીમનો ભાગ બનવું તેમને હંમેશા ગમ્યું છે અને તેમણે ટીમ માટે પોતાનું સર્વસ્વ આપ્યું છે. હવે તેમની પાસે આપવા માટે વધુ કંઈ બચ્યું નથી.

મેસીએ આર્જેન્ટિનાની ટીમમાં ઊભરી રહેલા યુવા ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે ટીમમાં ઘણા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ આવી રહ્યા છે, જેઓ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે લાયક છે. 

મેસીએ છેલ્લા 20 વર્ષ દરમિયાન મળેલા પ્રેમ અને સમર્થન બદલ પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે પોતાના પરિવાર, કોચ, સાથી ખેલાડીઓ અને ટીમ સાથે જોડાયેલા તમામ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ સફર સુંદર હોવા છતાં મુશ્કેલ પણ રહી હતી અને તેમાંથી મળેલી ઘણી યાદો તેઓ હંમેશાં પોતાની સાથે રાખશે.

મેસીએ પોતાના નિવેદનમાં તેમના પિતા જોર્જ મેસ્સીના નિધનનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોર્જ મેસીનું 8 ઓગસ્ટના 68 વર્ષની વયે અવસાન થયું હતું. મેસીએ જણાવ્યું કે તેમણે નિવૃત્તિ અંગેનો સંદેશ 21 જુલાઈના 2026ના વર્લ્ડ કપ ફાઇનલના બે દિવસ બાદ જ લખી લીધો હતો. જોકે, તેમના પિતાના નિધન બાદ તેઓ પોતાના આ નિર્ણય અંગે વધુ મક્કમ બન્યા હતા.

મેસીએ 2026ના ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા. જોકે, ફાઇનલમાં આર્જેન્ટિનાને સ્પેન સામે 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપ બાદ મેસીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે અંતિમ નિર્ણય લીધો છે. 

નોંધનીય છે કે મેસીએ બીજી વખત આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ પહેલાં 2016માં કોપા અમેરિકા ફાઇનલમાં ચિલી સામે હાર્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેમણે વાપસી કરી હતી અને આર્જેન્ટિનાને 2021ની કોપા અમેરિકા તથા 2022નો ફિફા વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Reuters

મેસીની આ જાહેરાત સાથે આર્જેન્ટિનાના ફૂટબોલના એક ઐતિહાસિક યુગનો અંત આવ્યો છે. બે દાયકાથી વધુ સમય સુધી આર્જેન્ટિનાની જર્સીમાં મેદાન પર પોતાની પ્રતિભા, નેતૃત્વ અને ગોલ કરવાની ક્ષમતાથી વિશ્વભરના કરોડો ચાહકોના દિલ જીતનાર મેસી હવે રાષ્ટ્રીય ટીમને મેદાનની બહારથી સમર્થન આપતા જોવા મળશે.