( મુંબઇ સમાચાર ટીમ)
અમદાવાદ: અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા માટે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર અને વહીવટી તંત્ર દ્વારા રથયાત્રાની તમામ પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
જગતનો નાથ નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે
દેશભરની બીજા ક્રમની સૌથી મોટી ગણાતી અમદાવાદ રથયાત્રા ગુરુવારના રોજ પરંપરાગત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક નીકળશે. અષાઢી બીજના આ પાવન પર્વે જગતનો નાથ નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે.
માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ 149મી શ્રી જગન્નાથ રથયાત્રા પૂર્વે શ્રી જગન્નાથ મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર આરતી કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
— update man (@Vijayma70555375) July 14, 2026
“જય જગન્નાથ” #JayJagannath #JagannathTemple#RathYatra2026 #HarshSanghavi#Ahmedabad149thRath Yatra pic.twitter.com/6F7GxqDmVu
ભગવાનના અલૌકિક સોનાવેશ દર્શન યોજાયા
રથયાત્રાની પૂર્વસંધ્યાએ સુપ્રસિદ્ધ જમાલપુર જગન્નાથ મંદિરે ભગવાનના અલૌકિક સોનાવેશ દર્શન યોજાયા હતા. ભગવાનને દિવ્ય સુવર્ણ વસ્ત્રો અને અલંકારોથી શણગારવામાં આવ્યા હતા, જેનો લાભ લેવા લાખો ભક્તો ઉમટ્યા હતા. કેન્દ્રીય અગ્રણીઓ, આઈસીસી ચેરમેન જય શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ મંદિરે હાજરી આપી ગજરાજો અને રથોનું પૂજન-આરતી સંપન્ન કરી હતી.
ત્રણેય પવિત્ર રથોની પૂજા કરી મંદિર પ્રાંગણમાં સ્થાપિત કરાયા
આજે ત્રણેય પવિત્ર રથોને શાસ્ત્રોક્ત વિધિથી મંદિરના પ્રાંગણમાં લાવી સજ્જ કરી દેવાયા હતા. રથયાત્રા ગુરૂવારે વહેલી સવારથી શરૂ થઈ મોડી રાત સુધી પરંપરાગત વિધિઓ સાથે આગળ વધશે.
ભગવાનની મંગળા આરતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે
સત્તાવાર સમયપત્રક મુજબ સવારે ૦૪:૦૦: ભગવાનની ભવ્ય મંગળા આરતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પરંપરાગત આરતી કરવામાં આવશે. ત્યાર બાદ સવારે ૦૪:૩૦: ભગવાનને પરંપરાગત ખીચડી અને ગવારફળીનો ભોગ અર્પણ કરવામાં આવશે, સવારે ૦૬:૦૦ વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનું રથારોહણ કરવામાં આવશે. સવારે ૦૬:૩૦ થી ૦૭:૦૦: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથની આગળ સફાઈ કરવાની પવિત્ર 'પહિંદ વિધિ' કરાશે.
સવારે ૦૭:૦૦: રથયાત્રાનું જમાલપુર નિજ મંદિરથી સત્તાવાર પ્રસ્થાન કરવામાં આવશે. બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦: ભગવાનના મોસાળ સરસપુર ખાતે આગમન થશે. ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે. સાંજે ૦૮:૩૦ આસપાસ ૧૬.૨ કિલોમીટર લાંબો રૂટ પૂર્ણ કરી રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે.
જૂના અમદાવાદના કોટ વિસ્તારના પરંપરાગત માર્ગો પરથી પસાર થશે
રથયાત્રાનો સંપૂર્ણ રૂટ ભગવાનના ત્રણેય રથ જૂના અમદાવાદના કોટ વિસ્તારના પરંપરાગત માર્ગો પરથી પસાર થશે, જેમ કે જમાલપુર નિજ મંદિર, ખાડિયા, કાલુપુર, સરસપુરથી પરત વળતી વખતે સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર, ઘીકાંટા, માણેક ચોક અને જમાલપુર નિજ મંદિરમાં પર ફરશે.
રથ ખેંચવા માટે ૧,૨૦૦ જેટલા ખલાસી ભાઈઓ જોડાશે.
ભવ્ય શોભાયાત્રાના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજ (હાથી), સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા અને ૧૮ ભજન મંડળીઓ જોડાશે. હજારો સાધુ-સંતો અને ખલાસીઓ ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા અને પુરીથી આવેલા ૨,૫૦૦ થી વધુ સાધુ-સંતો તેમજ રથ ખેંચવા માટે ૧,૨૦૦ જેટલા ખલાસી ભાઈઓ જોડાશે.
મોસાળ સરસપુરમાં 26 જેટલા રસોડા શરૂ
ભગવાનના મોસાળ સરસપુરમાં 26 જેટલા રસોડા (કમ્યુનિટી કિચન) શરૂ કરાયા છે, જેમાં એક જ પોળમાં ૩૦,૦૦૦ થી વધુ ભક્તો માટે મોહનથાળ-ફૂલવડીનો મહાપ્રસાદ અપાશે. વહેલી સવારથી જ બટેકાનું શાક, મિક્સ શાક, ગરમાગરમ પુરી અને દાળ-ભાત બનાવવાની કામગીરી શરૂ કરાશે.
જમણવાર માટે ૧૮૦૦ કિલો બુંદી, ૧૮૦૦ કિલો ફૂલવડી
આ વખતે જમણવાર માટે ૧૮૦૦ કિલો બુંદી, ૧૮૦૦ કિલો ફૂલવડી, ૧૫૦૦ કિલો જેટલા બટાકાનું શાક બનાવવામાં આવે છે. આ ભોજન માટે ૬૦ જેટલા ડબ્બા તેલનો વપરાશ થાય છે. જ્યારે ભોજન માટે પૂરી બનાવવા માટે ૨૫૦૦ કિલો જેટલા લોટનો વપરાશ થયો છે.