Wed Jul 15 2026

Logo

સરકાર કે મુખ્ય પ્રધાનની ટીકા ‘રાષ્ટ્રદ્રોહ’ નથી: કોર્ટે એનસીપી (એસપી)ના પદાધિકારીને જામીન આપ્યા

2026-07-15 20:27:12
Author: Yogesh C. Patel
Article Image

પુણે: સરકાર કે મુખ્ય પ્રધાનની ટીકા કરવી એ ‘રાષ્ટ્રદ્રોહ’ ગણી શકાય નહીં, એમ જણાવતાં પુણેની એક કોર્ટે એનસીપી (એસપી)ના પદાધિકારીને જામીન આપ્યા હતા.

એડિશનલ સેશન્સ જજ બી. ડી. કુલકર્ણીએ મંગળવારે એનસીપી (એસપી)ના પદાધિકારી મહાદેવ બાલગુડેની જામીન અરજી મંજૂર કરતી વખતે જણાવ્યું હતું કે દરેક નાગરિકને સરકારનાં કાર્યો પર ટિપ્પણી કરવાનો તેની પ્રશંસા કરવાનો અને તેની ટીકા કરવાનો અધિકાર છે.

શરદ પવારની એનસીપીના સોશિયલ મીડિયા વિંગના બાલગુડેની એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મોર્ફ કરેલી તસવીરો અને નક્સલવાદીઓ પ્રત્યે કથિત સહાનુભૂતિ દર્શાવતી સામગ્રી પોસ્ટ કરવાનો તેમના પર આરોપ હતો.

અન્ય કલમોની સાથે બાલગુડે સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 લગાવવામાં આવી હતી, જે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને ઇરાદાપૂર્વક જોખમમાં મૂકવા સંબંધી છે.

કોર્ટે નોંધ્યું હતું કે કેસ પેપર્સ દર્શાવે છે કે અરજદારે અમુક કેસોમાં તપાસ પ્રક્રિયા અને સરકારી યોજનાઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા, જે જાહેર ચર્ચાના દાયરામાં આવે છે.

કોર્ટે અવલોકન કર્યું હતું કે રેકોર્ડ પર એવું કંઈ નથી, જે દર્શાવે કે આરોપીએ રાજ્ય વિરુદ્ધ યુદ્ધ છેડવાની જાહેરાત કરી હોય કે તે માટે ઉશ્કેરણી કરી હોય. ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવું કોઈ કૃત્ય કર્યું હોવાનું જણાતું નથી.

આ કેસમાં બીએનએસની કલમ 152 લગાવવામાં આવી તે ચર્ચાપાત્ર છે, બાકીના ગુના જામીનપાત્ર છે, એવું પણ કોર્ટે નોંધ્યું હતું.

(પીટીઆઈ)