Wed Jul 15 2026

Logo

અમેરિકાનો ઈરાનના ચાબહાર બંદર પર મોટો મિસાઈલ હુમલોઃ કંટ્રોલ ટાવર જમીનદોસ્ત, 260થી વધુ ઘાયલ

Tehran   2026-07-15 20:58:59
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર પર ભારે બોમ્બમારો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકન સૈન્યએ ઈરાનના મહત્વપૂર્ણ ચાબહાર બંદર પર દરિયાઈ ટ્રાફિક કંન્ટ્રોલ ટાવર પર મિસાઈલ હુમલો કર્યો છે, જેમાં ટાવર સંપૂર્ણપણે જમીનદોસ્ત થયો છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ સુવિધા પર આ બીજો સીધો હુમલો છે.

વૉચટાવર પર અમેરિકાનો આ બીજો હુમલો 

અમેરિકાએ બંદર શહેર ચાબહારમાં શહીદ કલંતરી બંદર પર એક વૉચટાવરને નિશાન બનાવ્યો હતો. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ઓમાનના અખાતના કિનારે સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાન્તમાં સ્થિત ચાબહારનો વૉચટાવર પર પણ હુમલો કરાયો હતો. ચાબહાર વૉચટાવર પર અમેરિકાનો આ બીજો હુમલો હતો, જે દરિયાઇ સુરક્ષા અને માછીમારોની શોધ અને બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી નાગરિક સુવિધા છે.

બચાવ એજન્સીઓ હાલમાં સાવધાન

અધિકારીઓએ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં ભારે હુમલાઓની પણ જાણકારી આપી હતી. ઇરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના હુમલાઓ રાત ભર ચાલ્યા હતા. હુમલાઓમાં 260થી વધુ લોકો ઘાયલ થયા છે. 

બુશહરના ગવર્નર મોહમ્મદ મુઝફરીએ જણાવ્યું હતું કે મંગળવારે અમેરિકાની સેનાએ પશ્ચિમી બંદર શહેરમાં ચાર સ્થળોએ હુમલો કર્યો હતો. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી આઈઆએનએના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. બચાવ એજન્સીઓ હાલમાં સતર્ક છે અને શહેરમાં શાંતિ છે."

હુમલામાં સાત કર્મચારી માર્યાં ગયાં

ઈરાનની સેનાએ અમેરિકા પર આજે વહેલી સવારે ઈરાનશહર નજીક બાંપુરમાં એક લશ્કરી બેરેક પર 13 મિસાઈલ છોડવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ હુમલામાં રહેઠાણની ઇમારતો અને ચોકીઓ પર હુમલો થયો હોવાના અહેવાલ છે, જેમાં સાત લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા.

હુમલાનો નિર્ણાયક અપાશે જવાબ

બદલો લેવાની ચેતવણી આપતા ઈરાની સેનાએ કહ્યું હતું કે, "આ શહીદોના લોહીનો બદલો ચોક્કસ લેવામાં આવશે. તે હુમલાનો "નિર્ણાયક જવાબ" આપશે. સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહાજેરાનીએ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે દક્ષિણ ઈરાનમાં તાજેતરના હુમલાઓમાં 30થી વધુ નાગરિકો માર્યા ગયા છે.