કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીએમસીના વરિષ્ઠ ધારાસભ્ય મદન મિત્રા બુધવારે વિપક્ષના નેતા રિતાબ્રતા બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથમાં જોડાઇ ગયા હતા. જો કે અનુભવી ધારાસભ્યએ તેમણે પાર્ટી છોડી ન હોવાનું જણાવ્યું હતું.
મમતા બેનર્જીના સૌથી જૂના રાજકીય સહયોગીઓ અને ટીએમસીના શરૂઆતના સમયના નેતાઓ પૈકીના એક મિત્રાએ જાહેરાત કરી હતી કે તેઓ મમતા બેનર્જી-ટીએમસી જૂથ હેઠળ કામ કરતી તમામ રાષ્ટ્રીય અને રાજ્ય સંગઠનાત્મક સમિતિઓમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમજ વિધાનસભામાં પાર્ટીના મુખ્ય દંડકનું પદ પણ છોડી રહ્યા છે.
વિધાનસભામાં તેમની ચેમ્બરમાં રિતાબ્રતા બેનર્જીને મળ્યા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું કે મેં માત્ર ઓરડો બદલ્યો છે, ઘર નહીં. હું હજુ પણ ટીએમસીમાં જ છું. તેમણે કહ્યું કે તેઓ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તમામ સંગઠનાત્મક જવાબદારી છોડી દેશે, પરંતુ ટીએમસી ધારાસભ્ય રહેશે.
તેમણે કહ્યું કે હું મમતા બેનર્જી ટીએમસીની તમામ રાષ્ટ્રીય અને રાજ્ય સમિતિઓમાંથી રાજીનામું આપી રહ્યો છું. હું મુખ્ય દંડકનું પદ પણ છોડી રહ્યો છું. હું તૃણમૂલમાં હતો અને તૃણમૂલમાં જ રહીશ.
મિત્રાએ તેની લાક્ષણિક શૈલીમાં વાત કરતાં જણાવ્યું કે કદાચ તે ઓરડામાં આરામદાયક પથારી હતી જ્યારે આ ઓરડામાં માત્ર એક ખાટલો છે. મે ખાટલો પસંદ કર્યો છે. મિત્રાએ કહ્યું કે છાવણી બદલતા પહેલા તેમણે મમતા બેનર્જીને તેમના નિર્ણય વિશે જણાવ્યું હતું.
કમરહાટીના ધારાસભ્યએ એવી પણ જાહેરાત કરી કે તેઓ રિતાબ્રતા બેનર્જી છાવણી દ્વારા આયોજિત ૨૧ જુલાઇના શહીદ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઘટનાક્રમ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ ટીએમસીમાં ભંગાણ પછી બળવાખોર છાવણીમાં સૌથી મોટા પક્ષપલટા પૈકીનો એક છે. જે મમતા બેનર્જીના જૂથને વધુ નબળું પાડે છે.