Wed Jul 15 2026

Logo

અમેરિકાનો ભીષણ હવાઈ હુમલો; ઈરાનમાં સૈનિકો સહિત 30થી વધુના મોત, 260થી વધુ ઘાયલ

Tehran   2026-07-15 14:32:00
Author: Vimal Prajapati
Article Image

તહેરાનઃ પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોના તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ઈરાનને સંપૂર્ણપણે બરબાદ કરવાની નવી ધમકી આપ્યા બાદ, અમેરિકન વાયુસેનાએ ઈરાનના સૈન્ય મથકો પર ભીષણ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલાઓમાં મોટા પાયે જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

અમેરિકી હુમલામાં 30થી વધુના મોત થયાં

ઈરાન સરકારના સત્તાવાર પ્રવક્તાના બુધવારે જણાવ્યું હતું કે, તાજેતરમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાઓમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે માત્ર એક જ રાતમાં થયેલા અમેરિકી હુમલામાં 260થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે, સરકારના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું નથી કે 30 લોકોના મોતના આ આંકડા કયા ચોક્કસ સમયગાળાના છે. સામાન્ય રીતે ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ સાથેના સંઘર્ષમાં પોતાના સૈનિકો કે નાગરિકોના મોતના આંકડા ખૂબ જ મર્યાદિત અને મોડા જાહેર કરતું હોય છે.

ઈરાનના મિલિટરી બેઝ પર 13 મિસાઈલો દાગી 

આ ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાની સેનાએ સત્તાવાર નિવેદન બહાર પાડીને અમેરિકા સામે આક્રોશ ઠાલવ્યો છે. સેનાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પૂર્વી ઈરાનના ઈરાનશહર સ્થિત 'બમ્પૂર ગેરીસન' (Bampur Garrison) પર અમેરિકી સેનાએ એકસાથે 13 મિસાઈલો દાગી હતી. આ કાયરતાપૂર્ણ હુમલામાં ઈરાની સેનાની 388મી બ્રિગેડના 7 સૈનિકોના મોત થયા છે, જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે. સેનાએ દાવો કર્યો છે કે, જો મિલિટરી બેઝ પર એક્ટિવ પ્રીવેન્ટિવ ડિફેન્સ સિસ્ટમ સમયસર કાર્યરત ન થઈ હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત.

રહેણાંક વિસ્તારો અને ગેસ્ટ હાઉસને નિશાન બનાવાયાનો આરોપ

ઈરાની સેનાએ અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યો છે. કહ્યું કે, આ હુમલા પાછળ યુએસ આર્મીનો હેતુ વધુમાં વધુ માનવ સંહાર કરવાનો હતો. આ કાવતરાના ભાગરૂપે જ અમેરિકી મિસાઈલોએ લશ્કરી મથકની અંદર આવેલા ગેસ્ટ હાઉસ, સુરક્ષા ચોકીઓ અને સૈનિકોના પરિવારો માટેના રહેણાંક ક્વાર્ટર્સને સીધા નિશાન બનાવ્યા છે. જેના કારણે ઈરાનનો મોટું નુકસાન થયું છે. મૂળ વાત એ છે કે, હાલ ખાડી દેશોમાં વધી રહેલી સૈન્ય હિલચાલને કારણે આ યુદ્ધ આખા ક્ષેત્રમાં ફેલાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે.