Sat Aug 29 2026

Logo

એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની 2.5 ટકા આયાત જકાત દૂર કરવા ઉદ્યોગની માગ

2026-07-13 20:11:59
Author: Ramesh Gohil
એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની 2.5 ટકા આયાત જકાત દૂર કરવા ઉદ્યોગની માગ

નવી દિલ્હીઃ સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત સામે લાદવામાં આવેલી 2.50 ટકા જકાત દૂર કરવા માટે ઉદ્યોગે માગણી કરી છે. 

મટિરિયલ રિસાઈકલિંગ એસોસિયેશન ઑફ ઈન્ડિયા (એમઆરએઆઈ)એ એક યાદીમાં જણાવ્યું હતું કે ડ્યૂટી દૂર કરવામાં આવે તો રિસાઈકલરો અને નાના ઉત્પાદકોના ઈનપૂટ ખર્ચમાં ઘટાડો થશે અને તેઓની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધશે. નોંધનીય બાબત એ છે કે સ્થાનિક ઔદ્યોગિક માગ સંતોષવા માટે ભારત એલ્યુમિનિયમ સ્ક્રેપની આયાત પર નિર્ભર છે. 

એસોસિયેશને વડા પ્રધાનની કાર્યાલયને પાઠવેલા આવેદનપત્રમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ પર લાદવામાં આવેલી 2.50 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં ભારત તેની કુલ એલ્યુમિનિયમ સ્ક્રેપની આવશ્યકતા સામે 80થી 85 ટકા આયાત પર નિર્ભર છે. તેમ જ સ્થાનિકમાં ઉત્પાદન અને રિસાઈકલિંગ ઉદ્યોગના વિકાસને ટકાવી રાખવા માટે આયાતી સ્ક્રેપનો નિયમિત પુરવઠો જળવાઈ રહે તે આવશ્યક છે. 

વધુમાં આંકડાકીય માહિતી આપતા એસોસિયેશને જણાવ્યું હતું કે ભારતમાં સેક્નડરી એલ્યુમિનિયમનું ઉત્પાદન જે નાણાકીય વર્ષ 2016માં 85,000 ટનનું હતું તે નાણાકીય વર્ષ 2026માં વધીને 22 લાખ ટનની સપાટીએ પહોંચ્યું છે અને તે હવે એલ્યુમિનિયમની કુલ વપરાશી માગના 35 ટકા જેટલું છે. નોંધનીય બાબત એ છે કે આ ક્ષેત્રમાં સીધી અને આડકતરી રીતે મહિલાઓ સહિત કુલ સાત લાખ લોકો સંકળાયેલા છે. તેમ જ સેગ્રીગેશન (તારવણી) અને પ્રોસેસિંગમાં 46 ટકા જેટલા કુશાગ્ર કામદારોનો સમાવેશ થાય છે. 

એસોસિયેશનના પ્રમુખ સંજય મહેતાએ જણાવ્યું હતું કે જો એલ્યુમિનિયમ સ્ક્રેપ પરની 2.50 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરવામાં આવે તો હજારો એમએસએમઈ એકમોની સ્થિતિ મજબૂત થશે, રોજગારોનું સર્જન થશે, સ્રોતની સલામતીમાં સુધારો થશે, ઉત્પાદન કરતાં નાના એકમોની સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને દેશનાં સર્ક્યુલર અર્થતંત્રને ટેકો મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એલ્યુમિનિયમ સ્ક્રેપને એક ભંગાર તરીકે નહીં, પરંતુ ઉદ્યોગના એક વ્યૂહાત્મક કાચા માલ તરીકે ઓળખવામાં આવે છે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં કોપર, ઝિન્ક અને લીડ સ્ક્રેપ પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી માફ કરવામાં આવી છે અને હવે એકમાત્ર એલ્યુમિનિયમ સ્ક્રેપ પર જ ડ્યૂટી લાદવામાં આવે છે. આ ઉપરાંત થાઈલેન્ડ, મલયેશિયા, ઈન્ડોનેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ એલ્યુમિનિયમ સ્ક્રેપની ડ્યૂટીમુક્ત ધોરણે આયાત થાય છે અને રિસાઈકલિંગ ઉદ્યોગને ખર્ચમાં ઘટાડાનો લાભ મળે છે.