Mon Jul 13 2026

Logo

દુશ્મનોના છક્કા છોડાવી દેશે ભારતની રશિયા સાથેની આ ભાગીદારી! S-500 ટેકનોલોજીથી ડિફેન્સ સેક્ટરમાં મોટી છલાંગ

2026-07-13 16:46:21
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભારત માટે તેના પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સામે સતત સુરક્ષાના મુદ્દાઓની ચિંતા રહે છે અને આથી જ ભારત તેના સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને પોતાના સંરક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ દિશામાં રશિયાએ ભારતના મહત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ સુદર્શન ચક્ર’ માટે અત્યંત આધુનિક  S-500 એર ડિફેન્સ સિસ્ટમ આધારિત ટેકનોલોજી વિકસાવવા માટે ભારતને સંયુક્ત રીતે કામ કરવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે યુક્રેન યુદ્ધના કારણે રશિયાએ તાત્કાલિક S-500 સિસ્ટમ ભારતને વેચવાની મનાઈ કરી હતી, પરંતુ હવે તે સંયુક્ત વિકાસ અને ટેકનોલોજી હસ્તાંતરણ દ્વારા ભારતની ક્ષમતા વધારવા તૈયાર છે.

આ અંગે મળતી વિગતો અનુસાર, પ્રોજેક્ટ સુદર્શન ચક્ર એ ભારતનું એક સંકલિત, મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ નેટવર્ક હશે, જે રશિયન S-400 સિસ્ટમ અને સ્વદેશી પ્રોજેક્ટ કુશા સાથે મળીને કામ કરશે. આ યુનિફાઈડ આર્કિટેક્ચરમાં સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ, બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ, સેન્સર અને રડાર નેટવર્કનો સમાવેશ થાય છે. રશિયાનો પ્રસ્તાવ છે કે S-500 ની અદ્યતન ક્ષમતાઓને ભારતના હાલના અને ભાવિ એર ડિફેન્સ આર્કિટેક્ચરમાં સામેલ કરવામાં આવે, જેનાથી ભારતની સંરક્ષણ ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

ડિફેન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, S-500 ટેકનોલોજી ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે તે દુશ્મનના અત્યાધુનિક એરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઈલ, હાઈપરસોનિક હથિયારો અને સ્ટીલ્થ ફાઈટર જેટ્સને સેંકડો કિલોમીટર દૂરથી જ તોડી પાડવામાં સક્ષમ છે. આ સિસ્ટમ ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલોને રોકવા માટે પણ સક્ષમ છે, જે ભારતના બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ફેઝ-I ને વધુ મજબૂતી આપશે. ભારત પહેલેથી જ બેલેસ્ટિક મિસાઈલોને રોકવા માટે એક્સો-એટમોસ્ફેરિક અને એન્ડો-એટમોસ્ફેરિક ક્ષમતાઓ ધરાવે છે.

જો કે રશિયાનો આ પ્રસ્તાવ માત્ર હથિયારની ખરીદી પૂરતો જ સીમિત નથી, પરંતુ તે ભારત અને રશિયા વચ્ચેના ગાઢ અને વ્યૂહાત્મક સંબંધોમાં નવા અધ્યાય સમાન છે. ટેકનોલોજી ટ્રાન્સફર પર આપવામાં આવેલો આ ભાર સૂચવે છે કે રશિયા હવે ભારતને માત્ર એક ગ્રાહક તરીકે નહીં, પરંતુ સંરક્ષણ ક્ષેત્રમાં ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. આ સહયોગ ભારતને પોતાનું ઈન્ટિગ્રેટેડ એર અને મિસાઈલ ડિફેન્સ આર્કિટેક્ચર તૈયાર કરવામાં મદદરૂપ થશે, જે દેશની સુરક્ષા માટે એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ગણાશે.