Wed Sep 09 2026

Logo

નાશિકમાં ધરતીકંપના હળવા આંચકા: કોઈ જખમી નહી

2026-08-17 21:07:00
Author: Sapna Desai
નાશિકમાં ધરતીકંપના હળવા આંચકા: કોઈ જખમી નહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નાશિક જિલ્લામાં સોમવારે ધરતીકંપના બે હળવા આંચકા આવ્યા હોવાનું સ્થાનિક અધિકારી જણાવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં ધરતીકંપને કારણે કોઈ જખમી થયું નહોતું. તેમ જ કોઈ નુકસાન પણ થયું ન હોવાનો અહેવાલ છે. રાજ્યની રાજધાની મુંબઈથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલા નાશિકમાં સોમવારે વહેલી સવારના ૫.૦૬ વાગે અને ત્યારબાદ બપોરના   ૧૨.૪૦ વાગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ૨.૫ અને ત્રણ મેગ્નિટ્યુટના આંચકા નોંધાયા હતા. જમીનથી નીચે પાંચ કિલોમીટરની ઊંડાઈએ આંચકા નોંધાયા હતા.

જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાના પેઠ, સુરગાના અને દિંડોરી તાલુકામાં છેલ્લા  અનેક દિવસોથી ધરતીકંપના આંચકા આવી રહ્યા છે. આ અગાઉ નાશિકમાં ૨૫થી ૨૮ જુલાઈની  વચ્ચે હળવા આંચકા આવ્યા હતા. એ બાદ ૬,૮,૧૦ અને ૧૪ ઑગસ્ટના હળવા આંચકા આવ્યા હતા. સુરગાના તાલુકાના ભાદર અને દિંડોરીના નાન્શીમાં ધરતીકંપને કારણે ઘરોમાં તિરાડો પણ પડી હતી.

મુખ્ય પ્રધાને ગયા અઠવાડિયામાં સ્થાનિક અધિકારીઓને નાશિક અને પાલઘર જિલ્લામાં ધરતીકંપની ઘટનાઓનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમ જ સ્થાનિક નાગરિકોમાં ધરતીકંપને લઈને જનજાગૃતિ લાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.