(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મુંબઈના તમામ દરિયાકિનારાને સ્વચ્છ કરવા માટે વ્યાપક સર્વેક્ષણ હાથ ધરવા અને અસરકારક અને સતત સફાઈ માટે જરૂરી મશીનરી, ટેકનોલોજી અને પૂરતા માનવબળનો તાત્કાલિક ઉપયોગ કરવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે.પાલિકા મુખ્યાલયમાં શુક્રવારે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમ, પાલિકાના એડિશનલ કમિશનર વિપિન શર્મા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં હાલ ચાલી રહેલા દરિયાકિનારાની સફાઈ ઝુંબેશનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને વ્યાપક પર્યાવરણીય ચિંતાઓને સંબોધવામાં આવી હતી.
આ બેઠકમાં જુહુ, ગોરાઈ, વર્સોવા, દાદર અને મુંબઈ શહેર અને ઉપનગરના તમામ દરિયાકિનારાની સ્વચ્છતાની ફરી વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. હાલની સફાઈ મશીનરી અને માનવબળના મૂલ્યાંકન પછી પોલ્યુશન બોર્ડે પાલિકા પ્રશાસનને જમીન પર નિરીક્ષણ કરવા અને જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક સંસાધનોને મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં ગટરમાંથી વહીને દરિયામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાના પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની હાકલ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર પોલ્યુશન બોર્ડે પાલિકાને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે કડક અમલ કરવા અને ગણેશોત્સવ દરમિયાન થર્મોકોલ અને પ્લાસ્ટિકના ફૂલો પરના પ્રતિબંધનો કડક અમલ સુનિશ્ર્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. ચર્ચામાં દેવનાર અને કાંજુરમાર્ગ ખાતે ઘન કચરાનું વ્યવસ્થાપન, ગટર સંબંધિત મુદ્દાઓ અને બાંધકામ અને તોડી પાડવાના કાટમાળના વૈજ્ઞાનિક નિકાલનો પણ સમાવેશ થયો હતો.
ચોમાસા દરમ્યાન મુંબઈના દરિયાકાંઠે કચરાના મોટા પ્રમાણમાં જમા થતા કચરાને તાત્કાલિક સાફ કરવાને મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ગયે મહિને હાથ ધરવામાં આવેલા એક ખાસ દરિયા કિનારાના સફાઈ અભિયાનમાં પાલિકાએ દરિયામાં ભરતીની પ્રવૃત્તિ દ્વારા કિનારે પાણી સાથે તણાઈ આવેલા ૨,૪૯૮.૬૬ મેટ્રિક ટન પ્લાસ્ટિક, થર્મોકોલ, લાકડાના કાટમાળ, જળચર વનસ્પતિ અને અન્ય કચરાને સાફ કર્યો હતો અને જમા થયેલા કચરા પર વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરીને નિકાલ કર્યો હતો.
જુહુમાં સૌથી વધુ ૧,૮૨૫ મેટ્રિક ટન કચરો એકત્ર થયો હતો, ત્યારબાદ વર્સોવા (૨૭૭.૬ મેટ્રિક ટન), દાદર-માહિમ (૧૫૨.૧ મેટ્રિક ટન), ચિંબાઈ-વારિંગપાડા (૧૨૭.૨ મેટ્રિક ટન), માધ-માર્વે (૪૪.૨૮ મેટ્રિક ટન), ગોરાઈ (૩૮.૮૨ મેટ્રિક ટન) અને ગિરગાંવ ચોપાટી (૩૩.૬૬ મેટ્રિક ટન)નો સમાવેશ થાય છે.