Fri Sep 04 2026

Logo

યશસ્વી-ફર્નાન્ડો ચકમકના વિવાદમાં નવા વળાંકો: નામાંકિતોની આ ટિપ્પણીઓથી પણ મામલો ઉગ્ર બન્યો

Delhi   2026-08-24 13:12:00
Author: Ajay Motiwala
યશસ્વી-ફર્નાન્ડો ચકમકના વિવાદમાં નવા વળાંકો: નામાંકિતોની આ ટિપ્પણીઓથી પણ મામલો ઉગ્ર બન્યો

કોલંબો/નવી દિલ્હી: રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મૅચમાં ઓપનર યશસ્વી જયસ્વાલ 45 રનના તેના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો એને પગલે બોલર અસિથા ફર્નાન્ડોએ અપમાનજનક કમેન્ટ કરીને તેને ઉશ્કેર્યો અને પછી જે ઘટના બની એ પ્રકરણમાં નવા અને ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે.

મૅચરેફરી શું યશસ્વી સામે પગલાં ભરશે?

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી પાયક્રોફ્ટ આ સીરિઝના મૅચરેફરી છે  અને તેઓ આઈસીસીની આચારસંહિતા મુજબ યશસ્વી વિરુધ્ધ કડક પગલાં ભરશે એવી અટકળ ફેલાઈ છે. કહેવાય છે કે યશસ્વીને માત્ર ઠપકો મળશે અથવા થોડો દંડ પણ કરવામાં આવશે અને તેના નામે ડીમેરિટ પોઇન્ટ પણ લખાશે.

 શું ઘટના બની હતી?

રવિવારે યશસ્વી આઉટ થયા બાદ પાછો જઇ રહ્યો હતો ત્યારે આક્રમક ફાસ્ટ બોલર ફર્નાન્ડો સાથીઓ જોડે વિકેટ સેલિબ્રેટ કરી રહ્યો હતો ત્યારે કંઈક અજુગતું બોલ્યો હતો. આ સાંભળીને યશસ્વી અટકીને શ્રીલંકન ખેલાડીઓ તરફ પાછો આવ્યો અને ફર્નાન્ડો સાથે દલીલ કરી હતી તેમ જ પોતાની હેલ્મેટ તેના કપાળ પર જરાક મારી હતી. ખેલાડીઓ અને અમ્પાયરોએ બંનેને છોડાવ્યા હતા અને યશસ્વી કંઈક બોલીને પાછો જતો રહ્યો હતો.

આ ભારત લડશે અને જવાબ પણ આપશે: યશસ્વી

યશસ્વી (Yashasvi)એ એક પ્રતિક્રિયામાં સંકેત આપ્યો હતો કે ફર્નાન્ડો (FERNANDO)એ ઉશ્કેરણીજનક અને અપમાનજનક કમેન્ટ કરી હતી. યશસ્વીએ એક પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ‘આ ભારત લડશે અને જવાબ પણ આપી દેશે.'

હર્ષા ભોગલેએ શું ટિપ્પણી કરી?

ક્રિકેટની એક જાણીતી વેબસાઇટે ‘શું જયસ્વાલે હદ વટાવી હતી?' એવા ટાઈટલ સાથે એક વીડિયો બનાવ્યો હતો જેમાં જાણીતા કૉમેન્ટેટર અને વિશ્લેષક હર્ષા ભોગલેએ યશસ્વીની ટીકા કરતા કહ્યું હતું કે ‘યશસ્વીએ પાછા આવવાને બદલે સીધા ડગઆઉટ તરફ જ જતા રહેવું જોઈતું હતું.'

 

તમને કંઈ ખબર ન હોય તો કમેન્ટ નહીં કરવાની: યશસ્વી

હર્ષા ભોગલેએ યશસ્વીની ટીકા કરી ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં તરત જ યશસ્વીની સામી કમેન્ટ આવી હતી જેમાં તેણે કહ્યું હતું કે ‘તમને ખબર નથી કે એ (ફર્નાન્ડો) શું બોલ્યો હતો. જાણ ન હોય તો પ્લીઝ, કોઈ જજમેન્ટ પર નહીં આપવાનું. (ફર્નાન્ડો વિશે) જો કોઈ વ્યક્તિ હદ વટાવે તો તેણે વળતા જવાબની પણ તૈયારી રાખવી પડે. તેમણે (હરીફ ખેલાડીઓએ) આટલું તો જાણી જ લેવું જોઈએ કે ભારતીય ખેલાડીઓ મેદાન પર (મૅચમાં) લડવા માટે અને જવાબ આપવા માટે ઊતરતા હોય છે.'
 

યશસ્વી સાથે ગૉલની મજાકનો બદલો લીધો?

યશસ્વીએ રવિવારે બાવન બૉલમાં નવ ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. તેનો 53મો બૉલ ફર્નાન્ડોની ઓવરનો આખરી બૉલ હતો જેમાં તે ક્લીન બોલ્ડ થયો હતો. ગૉલની પ્રથમ ટેસ્ટમાં નિરોશન ડિકવેલા સાથે યશસ્વીએ જે મજાક કરી હતી એ શ્રીલંકનોને બરાબર યાદ હશે અને એટલે તેમણે રવિવારે કોલંબોમાં એનો બદલો લીધો હશે. એમાં એવું બન્યું કે યશસ્વીએ ફીલ્ડિંગ દરમ્યાન ડિકવેલા પાસે જઈને એક સ્ટૅન્ડ તરફ હાથ બતાવીને તેને કહ્યું કે `મારે તારા ફેમસ શૉટ જોવા છે. પેલા સ્ટૅન્ડ તરફ બૉલ મોકલી દે તો માનું.' ડિકવેલાએ તેને સામું મજાકમાં કહ્યું, `મને આઇપીએલમાં લઈજા, એમાં રમવાની ખૂબ ઇચ્છા છે.' યશસ્વીએ તેને આઇપીએલમાં તક અપાવવાની ખાતરી આપી હતી. યશસ્વીએ આ ધ્યાનભંગ કરાવ્યા પછી થોડી જ વારમાં ડિકવેલા વિકેટ ગુમાવી બેઠો હતો અને પછી યશસ્વી સાથીઓ વચ્ચે જઈને ખૂબ હસ્યો હતો.

અજય જાડેજા એ પણ ઝંપલાવ્યું, જાણો શું કહ્યું...

ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અજય જાડેજાએ એક જાણીતી ચેનલને મુલાકાતમાં યશસ્વીના અભિગમને વખોડતાં કહ્યું કે ‘ગૉલની ટેસ્ટમાં યશસ્વીએ ફીલ્ડિંગ દરમ્યાન ડિકવેલા સાથે હળવી મજાક-મસ્તી કરી હતી. ત્યારે બધાએ કહ્યું હતું કે હરીફો વચ્ચે આવી હળવી રમૂજ (ખરાબ ભાષા ન વપરાય ત્યાં સુધી) ઠીક છે. જોકે હવે કોલંબોમાં સામા પક્ષેથી એવું બન્યું. આપણા પર કોઈ હસે એ જો ન ગમતું હોય તો આપણે પણ કોઈના પર હસવું ન જોઈએ. કોઈ કંઈ બોલે એ સહન ન થઈ શકતું હોય તો તમારે પણ કોઈના વિશે ન બોલવું જોઈએ.'