Mon Sep 07 2026

Logo

ચીફ સિલેક્ટર આગરકરે મુંબઈમાં બીસીસીઆઇની મહત્ત્વની મીટિંગમાં હાજરી ન આપી? કારણ જાણી લો...

2026-09-03 18:09:00
Author: Ajay Motiwala
ચીફ સિલેક્ટર આગરકરે મુંબઈમાં બીસીસીઆઇની મહત્ત્વની મીટિંગમાં હાજરી ન આપી? કારણ જાણી લો...

મુંબઈઃ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના મોવડીઓ ઘણા દિવસથી ભારતીય ક્રિકેટ ટીમના વિદેશી ધરતી પરના નિરાશાજનક દેખાવ વિશે ચર્ચા કરવા માગતા હતા અને એ દિવસ આવી પહોંચ્યો ત્યારે એક આંચકાજનક ખબર જાણવા મળી છે. ક્રિકેટ બોર્ડે હેડ-કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજિત આગરકર (AGARKAR) અને બેંગ્લૂરુ-સ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)ના વડા વીવીએસ લક્ષ્મણને ગુરુવાર, ત્રીજી સપ્ટેમ્બરે મુંબઈ આવી જવાનું કહ્યું હતું, પરંતુ કેટલાક અહેવાલો મુજબ આગરકરની આ મીટિંગમાં હાજરી નહોતી.

કહેવાય છે કે આગરકરે કેટલાક અંગત કમિટમેન્ટ્સને લીધે બીસીસીઆઇની આ મહત્ત્વની મીટિંગમાં હાજરી નહોતી આપી. જોકે ભારતના આ ભૂતપૂર્વ પેસ બોલિંગ ઑલરાઉન્ડરે આ અગત્યની બેઠકમાં અંગત કારણસર હાજરી ન આપી હોવાનું જણાવાયું એ સાથે એવું પણ એક અન્ય અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આગરકર વર્ચ્યુઅલી આ મીટિંગમાં બીસીસીઆઇના હોદેદારો અને અન્ય દિગ્ગજો સાથે જોડાયા હતા.

દક્ષિણ ભારતના એક જાણીતા અંગે્રજી દૈનિકના પત્રકાર અમોલ કર્હાડકરે ગુરુવારે સાંજે `એક્સ' પરની પોસ્ટ મારફત જાણકારી આપતા જણાવ્યું હતું કે `અજિત આગરકર પર્સનલ કમિટમેન્ટ્સને કારણે બીસીસીઆઇની રિવ્યૂ મીટિંગમાં હાજરી નથી આપી શક્યા.'

ભારત તાજેતરમાં આયરલૅન્ડમાં પહેલી વખત મૅચ અને સિરીઝ હાર્યું હતું. ભારતનો ત્યારે ટી-20 શ્રેણીમાં 0-2થી પરાજય થયો હતો. ત્યાર પછી ઇંગ્લૅન્ડમાં ભારતની ટી-20 સિરીઝમાં 0-4થી હાર થઈ હતી અને વન-ડે શ્રેણીમાં 1-2થી પરાજય થયો હતો. ત્યાર બાદ ઝિમ્બાબ્વેમાં અને શ્રીલંકામાં ભારતે વિવિધ પ્રકારની સિરીઝ જીતી લીધી, પરંતુ વિદેશી ધરતી પર ભારતના એકંદરે ખરાબ પર્ફોર્મન્સને કારણે બીસીસીઆઇની આ મીટિંગ અત્યંત મહત્ત્વની હોવાનું જણાવાયું હતું.