Thu Sep 10 2026

Logo

રાહુલ, પડિક્કલ, સિરાજને દુલીપની ફાઇનલમાં રમવાની સૂચનાઃ વૈભવ, તિલક, કિશનનો નિર્ણય આ દિગ્ગજ પર છોડવામાં આવ્યો

2026-09-03 21:25:31
Author: Ajay Motiwala
રાહુલ, પડિક્કલ, સિરાજને દુલીપની ફાઇનલમાં રમવાની સૂચનાઃ વૈભવ, તિલક, કિશનનો નિર્ણય આ દિગ્ગજ પર છોડવામાં આવ્યો

નવી દિલ્હીઃ છઠ્ઠી સપ્ટેમ્બરથી ચેન્નઈમાં ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની જે પાંચ-દિવસીય ફાઇનલ રમાવાની છે એમાં રમવાનું ઓપનર કે. એલ. રાહુલ, શ્રીલંકાની સિરીઝના હીરો દેવદત્ત પડિક્કલ અને પેસ બોલર મોહમ્મદ સિરાજ (Siraj)ને કહેવામાં આવ્યું છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઈસ્ટ ઝોનના વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશી, સાઉથ ઝોનના કૅપ્ટન તિલક વર્મા તેમ જ ઈસ્ટ ઝોનના સુકાની ઇશાન કિશને એમાં રમવું કે નહીં એનો નિર્ણય ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીર પર છોડવામાં આવ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે વૈભવ, તિલક અને કિશન ભારતની ટી-20 ટીમમાં છે અને તેમણે દુલીપ ટ્રોફી (Duleep trophy)ની ફાઇનલમાં રમવું કે નહીં એનો આધાર ગૌતમ ગંભીરની મંજૂરી પર રહેશે, કારણકે 13મી સપ્ટેમ્બરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝ માટેની ટીમમાં આ ત્રણેયનો સમાવેશ છે. દુલીપની ફાઇનલ 10મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યારે ટી-20 શ્રેણી માટે ભારતીય ખેલાડીઓ નવમી કે દસમી સપ્ટેમ્બરે દિલ્હીમાં ભેગા થશે.

જો ગૌતમ ગંભીર કહેશે કે વૈભવ, તિલક અને કિશને બધાની સાથે દિલ્હી પહોંચવું તો પછી ત્રણેયને દુલીપની ચેન્નઈની ફાઇનલમાં નહીં રમવા મળે. જો ગંભીર કહેશે કે આ ત્રણ ખેલાડી 10મી સપ્ટેમ્બરે મોડી સાંજ સુધીમાં દિલ્હી આવી શકશે તો તેઓ 10મી સુધીની ફાઇનલમાં રમી શકશે.

બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને ગુરુવારે મુંબઈની મીટિંગ બાદ કહ્યું, `રાહુલ, પડિક્કલ અને સિરાજે હજી થોડા અઠવાડિયા ભારત વતી નથી રમવાનું એટલે તેઓ દુલીપ ટ્રોફીની ફાઇનલ રમી શકશે. આ ત્રણેય ખેલાડી હવે છેક 27મી સપ્ટેમ્બરથી વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં રમવાના છે.'

દરમ્યાન ચીફ સિલેક્ટર અજિત આગરકર છઠ્ઠી સપ્ટેમ્બરે શરૂ થનારી દુલીપ ટ્રોફીની ફાઇનલ જોવા ચેન્નઈ જશે. આગરકરનો કૉન્ટ્રૅક્ટ ચોથી ઑક્ટોબરે પૂરો થશે.