Sat Oct 03 2026

Logo

આ તે કેવાં સંતાન?

2026-09-10 08:06:57
Author: Neela Sanghvi
આ તે કેવાં સંતાન?

નીલા સંઘવી

ભારતમાં વૈદ્યકીય સારવાર અને સ્વસ્થ જીવનશૈલીને કારણે પ્રજાની આવરદા વધી છે. જેમ મનુષ્યનું આયુષ્ય વધે તેમ તેની તંદુરસ્તી પર અસર થતી જાય. જેવી રીતે જૂનું મશીન ખોટકાય અને રીપેરિંગની જરૂર પડે તેવી જ રીતે વૃદ્ધાવસ્થામાં વિવિધ અંગ શિથિલ બને તેને રીપેરિંગની જરૂર પડે. ક્યારેક રીપેરિંગ કામ આવે નહીં તો એ ખોડખાંપણથી જ ચલાવી લેવું પડે. આવી રીતે વૃદ્ધ જ્યારે અશક્ત થઈ જાય, પોતાનું કામ પોતે કરી ન શકે, પરવશ થઈ જાય ત્યારે બહુ મુસીબત થઈ જાય છે. સંતાનો પાસે તેમની સારસંભાળ લેવાનો સમય નથી યા તો પછી તેમને પોતાનાં વૃદ્ધ માતા-પિતાની સેવાચાકરીમાં કોઈ રસ નથી. 

અહીં વિરોધાભાસ એ છે કે વૃદ્ધ માતા-પિતાની સેવાચાકરીમાં રસ નથી, પણ તેમની મિલકત તો જોઈએ જ છે. તાજેતરમાં એક દિલ દ્રવી જાય તેવો બનાવ બન્યો. 

હરિપ્રસાદને બે દીકરા અને ત્રણ દીકરી. સુખી કુટુંબ. હરિપ્રસાદે વ્યવસાયમાં નામ-ઈજજત-પૈસા બધું જ કમાયું હતું. પાંચેય સંતાનને સારી રીતે ભણાવી, ગણાવી, કામ ધંધે લગાડી અને વરાવ્યાં-પરણાવ્યાં. હરિપ્રસાદ અને તેમનાં પત્ની મોટા દીકરા સાથે રહેતાં હતાં. હજુ તો હરિપ્રસાદ કામધંધો કરતા હતા અને પત્ની પણ કડેધડે હોવાને કારણે વહુને ઘરના કામમાં મદદ કરતી હતી. સંસાર સારી રીતે ચાલતો હતો. 

દીકરાનાં બાળકો દાદા-દાદીની નિશ્રામાં ઉછરી રહ્યાં હતાં. પુત્રવધૂને બહાર જવું હોય તો ઘરની બિલકુલ ચિંતા રહેતી ન હતી, કારણ કે હરિપ્રસાદની પત્ની ઘરનું બધું જ કામ પુત્રવધૂના ગયા સંભાળી  લેતી હતી. બાળકોને સંભાળી લેતી હતી. પુત્રવધૂ બહારથી પાછી આવે ત્યારે બાળકો ગરમાગરમ રસોઈ જમતાં હોય. હરિપ્રસાદ અને પોતાના પુત્રને જમવા બેસાડીને પુત્રવધૂને પણ ગરમાગરમ જમવા બેસાડી દેતી.    

આવી કામઢી સાસુ અને કમાતો સસરો હોય તો પુત્રવધૂને કે પછી પુત્રને શો વાંધો હોય? ચાલે જને? પણ કાળને કરવું તે હરિપ્રસાદની પત્નીને કૅન્સર ડિટક્ટ થયું. તેની શરીર અને શક્તિ બંને ક્ષીણ થવા લાગ્યાં. હવે તે ઘરમાં કોઈ કામ કરી શકતાં ન હતાં. પોતાનું કામ કરવા માટે પણ તેમને કોઈની મદદની જરૂર રહેતી હતી.

હરિપ્રસાદ પત્નીની બરાબર સંભાળ રાખતા હતા. હરિપ્રસાદે અત્યાર સુધી જોયું હતું કે પત્નીએ પોતાનું અને પરિવારની કેટલી કાળજી લીધી છે. ક્યારેય પોતાની વિશે નથી વિચાર્યું, પરિવાર માટે જ વિચાર્યું છે આ પત્નીને આજે જ્યારે જરૂર છે ત્યારે તેને સંભાળી લેવાની પોતાની ફરજ છે એ હરિપ્રસાદ સારી રીતે સમજતા હતા. તેથી તેમણે વ્યવસાય પુત્રને સોંપી દીધો અને પત્નીની સેવા-ચાકરી કરવા માંડી, પરંતુ કૅન્સર એટલે કૅન્સલ. પત્નીના અવસાન પછી હરિપ્રસાદ એકલા પડી ગયા. જીવનમાં ખાલીપો આવી ગયો. દીકરાનો પરિવાર પોતાની મોજમસ્તીમાં વ્યસ્ત હતો. 

પિતા સાથે વાત કરવાનો ન કોઈની પાસે સમય હતો, ન ઇચ્છા. હરિપ્રસાદ એકલા એકલા હિજરાતા હતા. આમને આમ સમય પસાર થતો રહ્યો એમાં અચાનક હરિપ્રસાદને બ્રેન સ્ટ્રોક આવ્યો. એ સાવ પરવશ થઈ ગયા, પણ સેવા સુશ્રુષા કરવાવાળું કોઈ ન હતું. હરિપ્રસાદ પાસે પૈસા હોવાને કારણે એક કૅરટેકર રાખવામાં આવ્યો, પણ ભાડાનો માણસ શું ધ્યાન રાખે? 

પિતાની બીમારીની જાણ થતાં ત્રણે દીકરી વારાફરતી પિતાને મળવા આવતી. વાઘ જેવા પિતા સાવ અસહાય હાલતમાં જે રીતે જીવી રહ્યા હતા. તે વચલી દીકરીથી જોવાયું નહીં અને તે પિતાને પોતાને ત્યાં લઈ ગઈ. દીકરીના ઘેર હરિપ્રસાદની સરસ સંભાળ લેવાતી હતી. પિતા આગળ બેસીને ભજન ગાતી. હરિપ્રસાદને ગમતું હતું, પણ ધીરે ધીરે તેમનાં એક એક અંગ પર અસર થવા લાગી અને છેલ્લે તેઓ મૃત્યુ સામેનો જંગ હારી ગયા. હરિપ્રસાદનું અવસાન થયું એટલે દીકરી અને તેનો પરિવાર પિતાના શબને લઈને પિતાને ગામ ગયાં તેમની અંતિમક્રિયા કરવા માટે, પણ તેના બન્ને ભાઈઓએ પિતાના અગ્નિસંસ્કાર કરવાની ના પાડી દીધી.

વાત એમ બની હતી કે હરિપ્રસાદ પાસે પાંચ વીઘા જમીન હતી. હરિપ્રસાદના દીકરા-વહુએ તો તેનું ધ્યાન બરાબર રાખ્યું નહીં, સાચવ્યા નહીં. જ્યારે આ દીકરીએ પિતાની બહુ જ સારસંભાળ લીધી એટલે હરિપ્રસાદે ખુશ થઈને બે વીઘા જમીન આ દીકરીના નામે કરી દીધી. ભાઈઓને આ ગમ્યું નહીં તેથી તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી બહેન બે વીઘા જમીન પાછી નહીં આપે ત્યાં સુધી પિતાના અગ્નિસંસ્કાર નહીં થવા દઈએ.’ 

ઝઘડાને કારણે બીચારી બહેને નમતું જોખ્યું અને બે વીઘા જમીન પાછી આપવા માટે રાજી થઈ ગઈ. પણ આ નફ્ફટ ભાઈઓને બહેનના બોલવા પર વિશ્ર્વાસ ન હતો, પહેલાં જમીનનું રજિસ્ટ્રેશન પોતાના નામે થાય પછી જ પિતાના પાર્થિવદેહને અગ્નિદાહ અપાશે એવો આગ્રહ તેમણે રાખ્યો. ભાઈઓની આ શરતને માન્ય રાખીને પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન માટે બધાં કાર્યાલય પર ગયાં. પરંતુ ત્યાં ટેક્નિકલ ખામીના કારણે રજિસ્ટ્રેશન ન થઈ શકયું. 

બીજા દિવસે ફરીથી બંને રજિસ્ટ્રેશન માટે બહેનને લઈને ગયા. એ દિવસે પણ સર્વર ડાઉન હોવાને કારણે કલાકો રાહ જોયા પછી સાંજે છેક કામ થયું અને તેઓ ઘેર પહોંચ્યા ત્યાં સુધીમાં ધોધમાર વરસાદ તૂટી પડયો. હવે પિતાના પાર્થિવદેહને ગામથી દૂર આવેલા મુક્તિધામમાં કઈ રીતે લઈ જવો એ મુશ્કેલી આવી. આખરે સ્થાનિક પોલીસની મદદથી છેક મોડી રાતે હરિપ્રસાદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સ્વાર્થી દીકરાઓની મિલકત માટેની લાલચને કારણે પિતાનો પાર્થિવદેહ બે દિવસ સુધી સડતો રહ્યો. જીવતા બાપની દરકાર તો ન કરી, મર્યા પછી પણ ચેન ન લેવા દીધું. આ તે કેવા દીકરા?