Sat Oct 03 2026

Logo

બેસ્ટના સોમવારથી આઠ રૂટમાં એસી બસ દોડશે: અમુક રૂટમાં ફેરફાર

2026-10-03 08:02:00
Author: Sapna Desai
બેસ્ટના સોમવારથી આઠ રૂટમાં એસી બસ દોડશે: અમુક રૂટમાં ફેરફાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા પાંચ ઑક્ટોબર, સોમવારથી તેના અમુક રૂટમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. આમાં વિવિધ બસ રૂટનું સુવ્યવસ્થિતકરણ, રૂટનું વિસ્તરણ, વધારાની ટ્રિપ અને સામાન્ય બસ રૂટને ઍર-કન્ડિશન્ડ બસ સેવાઓમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.

ત્રણ બસ રૂટ જેમાં એ-૨૨, એ-૩૫ અને એ-૩૯ હવેથી મજાસ ડેપોને બદલે સીપ્ઝ બસ સ્ટોપ પર સમાપ્ત થશે. રમાબાઈ નગર અને વિક્રોલી ડેપો વચ્ચે વિક્રોલી રેલવે સ્ટેશન ફ્લાયઓવર થઈને એ-૩૦ બસ રૂટ પર બસોનું સંચાલન રદ કરવામાં આવશે અને રમાબાઈ નગર-ઘાટકોપર બસ સ્ટેશન-નિત્યાનંદ નગર-શ્રેયસ સિનેમા જંકશન-લાલ બહાદુર શાસ્ત્રીથી વિક્રોલી ડેપો સુધી ચલાવવામાં આવશે.

એ-૬૨ રૂટનો રૂટ બદલતી વખતે, વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી)થી પંડિત પલુસ્કર ચોક સુધીનો રૂટ રદ કરવામાં આવશે અને વત્સલાબાઈ દેસાઈ ચોકથી મદન મોહન માલવિયા થઈને વસંતરાવ નાઈક ચોક (તાડદેવ) સુધી સેવા પૂરી પાડવામાં આવશે. હવેથી આ રૂટ વસંતરાવ નાઈક ચોકથી વિદ્યાવિહાર બસ સ્ટેન્ડ સુધીનો રહેશે. એ-૨૦૦નો રૂટ વડાલા ડેપોથી લંબાવવામાં આવશે અને બસ સેવા રફી અહેમદ કિડવાઈ માર્ગ, ઝકેરિયા બંદર માર્ગ અને શ્રીકાંત કેશવ હડકર થઈને શ્રવણ યશવંતે ચોક (કાલા ચોકી) સુધી વધારવામાં આવશે.

મુસાફરોની માગણીને ધ્યાનમાં રાખીને કેટલાક રૂટ પર વધારાની બસ સેવાઓ ઉમેરવામાં આવશે. એ-૪૨ રૂટ પર સેન્ડહર્સ્ટ રેલવે સ્ટેશન અને ગોલ દેઉલ વચ્ચે સવારે ૮.૩૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી વધારાની બસો ચલાવવામાં આવશે. આ ઉપરાંત, એ-૨૪૫ રૂટ પર બોરીવલી સ્ટેશન (પશ્ર્ચિમ) અને ગણપત પાટિલ નગર વચ્ચે સવારે ૭ થી બપોરે ૧૨ અને સાંજે ૪.૩૦ થી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી વધારાની બસો ચલાવવામાં આવશે. એ-૨૭૬ રૂટ પર કાંદિવલી સ્ટેશન (પશ્ર્ચિમ) અને ચારકોપ પોલીસ સ્ટેશન વચ્ચે સવારે ૭ થી બપોરે ૧૨ અને સાંજે ચાર થી રાત્રે નવ વાગ્યા સુધી વધારાની બસો ચલાવવામાં આવશે.

બેસ્ટ પ્રશાસને કેટલાક સામાન્ય બસ રૂટને એર-કન્ડિશન્ડ બસ સેવાઓમાં રૂપાંતરિત કરવાનો પણ નિર્ણય લીધો છે, જેમાં રૂટ ૧૫૩, ૨૨૩, ૨૪૨, ૨૪૯, ૨૬૬, ૩૧૨, ૪૨૩ અને સી-૫૦૫નો સમાવેશ થાય છે. આ રૂટ પરની બસોને હવે એર-કન્ડિશન્ડ સેવાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ઉપરાંત એ-૩૧૫ રૂટના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવશે. ગુરુ તેગ બહાદુર નગર રેલવે સ્ટેશન અને સમાજ મંદિર હોલ વચ્ચેની હાલની સેવા રદ કરવામાં આવશે અને રૂટને રાવલી કેમ્પ, કોકરી ડેપો, વડાલા રોડ રેલવે સ્ટેશન થઈને પ્રતિક્ષાનગર ડેપો સુધી લંબાવવામાં આવશે.

ઘાટકોપર સ્ટેશન પશ્ર્ચિમથી ઉપડતા બસ રૂટ એ-૪૧૯, એ-૪૨૭ હવે ઘાટકોપર ડેપોથી ઉપડશે. રૂટ એ-૪૩૩ની સેવામાં પણ ફેરફાર સૂચવવામાં આવશે અને ઘાટકોપર ડેપોથી ઉપડતી આ બસ હવે અંધેરી સ્ટેશન પશ્ર્ચિમથી બરફીવાલા ફ્લાયઓવરથી સીધા જુહુ વિલેપાર્લે બસ સ્ટેશન સુધી દોડશે. મુસાફરોનો ખૂબ જ ઓછો પ્રતિસાદ મળતાં બોરીવલી સ્ટેશન પૂર્વ અને ઘાટકોપર ડેપો વચ્ચે ચાલતા રૂટ એ-૪૭૧ની સેવા સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.