લંડન/મુંબઈઃ અમેરિકાના રોજગારીનાં ડેટાની મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જોકે, આજે સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન ગાંધી જયંતીની જાહેર રજાને કારણે બંધ રહ્યું હોવાથી સોના અને ચાંદીના હાજર ભાવની સત્તાવાર જાહેરાત ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભમાં રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 4182.44 ડૉલરના મથાળે ટકેલાં રહ્યા હતાં અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને 4212.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી 0.3 ટકા વધીને આૈંસદીઠ 61.01 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના ફુગાવાના ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ઑક્ટોબરમાં વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા નબળી પડી હતી અને આજે નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોનાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું જેફરીઝની માલિકીની ટ્રુડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝુબોરસે જણાવ્યું હતું.
અમેરિકામાં ગત ઑગસ્ટ મહિનાના ફુગાવામાં વૃદ્ધિ અપેક્ષા કરતાં ઓછી થઈ હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 26 ટકા શક્યતા મૂકી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે સપ્તાહના આરંભે ટ્રેડરો 70 ટકા શક્યતા મૂકી રહ્યા હતા. એકંદરે હવે અમેરિકી ફેડરલ રિઝર્વના નીતિ ઘડવૈયાઓ ભવિષ્યની નાણાનીતિનાં અંદાજ બાબતે વિભાજિત થઈ ગયા છે.
અમુક નીતિ ઘડવૈયાઓ વ્યાજદરમાં વધુ વધારાના નિર્ણય માટે વધુ ડેટાની આવશ્યકતા હોવાનું જણાવે છે, જ્યારે અમુકનું માનવું છે કે ફુગાવાની લક્ષ્યાંકિત સપાટી હાંસલ કરવા માટે વ્યાજદરમાં વધારાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષ પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો.
આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થનાર છે. જોકે, રૉઈટર્સનાં દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ગત ઑગસ્ટ મહિનામાં રોજગારોની સંખ્યામાં 1,62,000નો વધારો થયા બાદ ગત સપ્ટેમ્બરમાં 90,000નો ઉમેરો થવાની ધારણા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી હતી. એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સરકારી દેવાનાં બોજમાં વધારો થવાથી અમેરિકી ટ્રેઝરી બૉન્ડની યિલ્ડમાં વધારો થવાને કારણે વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોનો નિરુત્સાહ જોવા મળી રહ્યો હોવાનું સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હાસને જણાવ્યું હતું.