Sat Oct 03 2026

Logo

ગુજરાતમાં યુસીસીનો માર્ગ મોકળોઃ લગ્નની નોંધણી નહીં કરો તો થશે મોટો દંડ, જાણો ખાસ જોગવાઈઓ

2026-10-02 17:44:00
Author: Mayur Patel
ગુજરાતમાં યુસીસીનો માર્ગ મોકળોઃ લગ્નની નોંધણી નહીં કરો તો થશે મોટો દંડ, જાણો ખાસ જોગવાઈઓ

Chat GPT Image


અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપ્યા બાદ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડનું ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી કાયદાના અમલ અંગે ગેઝેટ બહાર પડ્યા બાદ, હવે કાયદાના પૂર્ણ અમલીકરણ માટેની આગળની તમામ કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓને ઝડપથી આગળ વધારવામાં આવશે. યુસીસીનો હેતુ લગ્ન, છૂટાછેડા, વારસો, ભરણપોષણ અને લિવ-ઇન સંબંધો જેવા વ્યક્તિગત નાગરિક મામલાઓ માટે ધર્મ આધારિત અલગ-અલગ જોગવાઈઓને બદલે એકસમાન કાનૂની માળખું ઊભું કરવાનો છે. ગુજરાત વિધાનસભાએ માર્ચ 2026માં બિલ પસાર કર્યું હતું.

આ નવો કાયદો રાજ્યમાં તેમજ રાજ્ય બહાર રહેતા નાગરિકોને લાગુ પડશે. બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ તથા બંધારણના ભાગ-21 હેઠળ રક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

1 ઑક્ટોબરના ગેઝેટમાં પ્રકાશિત યુનિફોર્મ સિવિલ કોડ લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઇન સંબંધો અને તેની સાથે જોડાયેલી બાબતોને નિયંત્રિત કરવા માટેનો કાયદો છે. મૂળ બિલમાં સ્પષ્ટ છે કે તેનું નામ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026 રહેશે અને તે રાજ્ય સરકાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નક્કી કરે તે તારીખથી અમલમાં આવશે. 

યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ જો કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર અવસાન પામે, તો તેની મિલકતની વહેંચણી માતા-પિતા, પત્ની અથવા પતિ અને બાળકો વચ્ચે સરખા ભાગે કરવામાં આવશે. જો મિલકતના માલિકનું અવસાન થાય અને તે સમયે બાળક ગર્ભમાં હોય, તો જન્મ પછી તે બાળકને પણ મિલકતમાં સમાન અધિકાર પ્રાપ્ત થશે. જો સીધા વારસદારો હયાત ન હોય તો મિલકત ભાઈ-બહેન વગેરેને મળશે. જો કોઈ પણ વારસદાર નહીં હોય તો સમગ્ર મિલકત સરકાર હસ્તક જશે.

આ ઉપરાંત લગ્ન સમયે બંને પક્ષકારો પૈકી કોઈનો પણ જીવનસાથી જીવિત ન હોવો જોઈએ, એટલે કે કાયદેસર રીતે એકસાથે બે લગ્ન કરી શકાશે નહીં. આમ દ્વિપતિ કે દ્વિપત્ની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
લગ્ન થયાના 60 દિવસની અંદર તેની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જો નિયત સમયમાં નોંધણી ન કરાવવામાં આવે તો રૂ 10,000 થી રૂ. 25,000 સુધીનો દંડ થઈ શકે છે. તેમજ લોહીનો સંબંધ હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરી શકાશે નહીં.