નિશીન: જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ધમાકેદાર શરૂઆત કરી છે.
આ હાઈ-વૉલ્ટેજ જંગમાં ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી વૈભવ સૂર્યવંશી (15 રન, નવ બૉલ, બે છગ્ગા) અને અભિષેક શર્મા (61 રન, 28 બૉલ, સાત છગ્ગા, ત્રણ ચોગ્ગા)એ એક પછી એક ધમાકા સાથે ટીમને રોમાંચક આરંભ અપાવ્યો હતો.
અગાઉ ઇંગ્લૅન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે રમી ચૂકેલો વૈભવ સૂર્યવંશી પહેલી જ વખત પાકિસ્તાન સામે મેદાન પર આવ્યો હતો.
ઑફ સ્પિનર સઇમ અયુબની પહેલી ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે કેપ્ટન સાહિબઝાદા ફરહાને બીજી ઓવર 21 વર્ષના નવા લેગ સ્પિનર સાદ મસૂદને આપવાની ભૂલ કરી હતી. મસૂદનો પહેલો બૉલ ડૉટ-બૉલ હતો, પરંતુ બીજા અને ત્રીજા બૉલમાં વૈભવે બે વખત બૉલને ટેક-ઑફ અપાવ્યા હતા. આઈપીએલ-2026ના આ સર્વોત્તમ સિક્સર સ્પેશિયાલિસ્ટે ઉપરાઉપરી બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનીઓનો જુસ્સો તોડી નાખ્યો હતો. મસૂદ એ ઓવરમાં દિશા જ ભૂલી ગયો હતો. તેનો એક બૉલ સીધો પિચની જ બહાર પડ્યો હતો. પરિણામે, અમ્પાયરે એ બૉલને વાઇડને બદલે નો-બૉલ જાહેર કર્યો હતો. અભિષેકે એ જ ઓવરમાં એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. મસૂદની આખી ઓવરમાં 24 રન બન્યા હતા અને ભારતનું ટોટલ 0/4થી 0/28 થઈ ગયું હતું.
Pataka knock once again from VS! 💥
— lightningspeed (@lightningspeedk) October 3, 2026
Short and quick — 15 off 9, including 2 sixes.🔥#INDvPAK #AsianGames #Japan #TeamIndia #T20I #AichiNagoya2026 #Nisshin #BackTheBoysInGreen #VaibhavSooryavanshipic.twitter.com/1r7rO3Duql
જોકે સઈમ અયુબની પછીની ઓવરના પહેલા જ બૉલમાં વૈભવ રિવર્સ સ્વીપના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
સઇમ અને બાકીના પાકિસ્તાનીઓએ જાણે જૅકપૉટ લાગી ગયો એવી રીતે સેલિબ્રેશન કર્યું હતું, પરંતુ અભિષેકે એ જ ઓવરના છેલ્લા ત્રણ બૉલમાં 14 રન બનાવીને પાકિસ્તાનને તાબડતોબ વળતો જવાબ આપી દીધો હતો.
વૈભવ (Vaibhav)ની વિકેટ ત્રીજી ઓવરમાં પડી ત્યાર પછી સંજુ સૅમસન (બે રન) ચોથી ઓવરમાં આઉટ થયો હતો અને અભિષેક આઠમી ઓવરમાં લેફ્ટ આર્મ સ્પિનર અરાફત મિન્હાસના નીચા બાઉન્સમાં બિગ શૉટ મારવા જતાં વિકેટકીપર ઉસમાન ખાનને કૅચ આપી બેઠો હતો. અભિષેકની વિકેટ વખતે ભારતનો સ્કોર 3/93 હતો અને ત્યાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને ઈશાન કિશને બાજી સંભાળી લીધી હતી.
15મી ઓવરની શરૂઆતમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે 133 રન હતો.