નવી દિલ્હીઃ દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ વિદાય લેતા પહેલાં પણ હવામાન વિભાગે ભારે વરસાદ અને ચક્રવાતી પવનનું એલર્ટ જારી કરીને ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, આજથી આગામી સમયમાં દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા જેવા માહોલને કારણે માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં જવાથી બચવાની ખાસ સલાહ આપવામાં આવી છે.
ચોમાસાની વિદાય રેખા અને હવામાનની સ્થિતિ
IMDના રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર અને ગુજરાતના નલિયા પરથી પસાર થઈ રહી છે. આ સાથે જ ઉત્તર-પૂર્વ અસમ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં નીચલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે પૂર્વ અને ઉત્તર ભારત તેમજ પહાડી રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે.
આ 15 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ
હવામાન વિભાગે આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને નાગાલેન્ડમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે.
दैनिक मौसम परिचर्चा (02-10-2026)
— India Meteorological Department (@Indiametdept) October 2, 2026
अगले 24 घंटों के दौरान पंजाब, हरियाणा, राजस्थान, उत्तर प्रदेश के बाकी हिस्सों; गुजरात और मध्य प्रदेश के ज़्यादातर हिस्सों; पूरे जम्मू-कश्मीर, हिमाचल प्रदेश, उत्तराखंड; और बिहार, झारखंड, छत्तीसगढ़ व महाराष्ट्र के कुछ हिस्सों से दक्षिण-पश्चिम…
પશ્ચિમ અને મધ્ય ભારતની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 35 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આશંકા છે. આ સાથે બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવે છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરી આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની ચતવણી આપવામાં આવી છે. જ્યારે કેરળ અને લક્ષદ્વીપમાં પણ આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.