નેધરલેન્ડ્સનાં ઘરોનાં બારી- બારણાં અને છતની ખાસિયત જોવા જેવી છે.
કામિની શ્રોફ
નેધરલેન્ડ્સમાં લોકો માટે `મારે પણ એક ઘર હોય'ની ભાવના માત્ર રહેવા માટે ઓટલો મળે એટલા પૂરતી નથી હોતી. ઘરની બાંધણી અને સજાવટને લઈને ચોકસાઈ જાળવવામાં માહેર વત્તા ખૂબ ઉત્સાહી હોય છે. તેમના માટે ઘર એ માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ તેમની જીવનશૈલી, વ્યક્તિત્વ અને સામાજિક મૂલ્યોનું પ્રતીક છે. આ ખાસિયત પાછળ સદીઓ જૂનો ઇતિહાસ, સામાજિક માનસિકતા અને ભૌગોલિક પરિસ્થિતિઓ જવાબદાર છે.
ત્રિકોણાકાર ઢાળવાળી છત
ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડાઓમાં ફર્યા હશો તો માટીના દેશી નળિયાનો ઉપયોગ કરીને ઢાળવાળી છત ઘરના માથે જરૂર જોઈ હશે. ભારતીય ગામડાંમાં ત્રિકોણાકાર ઢાળવાળી છત પરંપરાગત સ્થાપત્યની ઓળખ છે. નેધરલેન્ડ્સમાં તો મોટા શહેરોમાં સુધ્ધાં `ગેબલ રૂફ' તરીકે ઓળખાતી ત્રિકોણાકાર ઢાળવાળી છત જોવા મળે છે. આ છત વરસાદ અને હવામાનથી રક્ષણ આપવાની સાથે મકાનના દેખાવને વિશિષ્ટ બનાવે છે. ડચ ગેબલ છતની અનેક શૈલીઓ વિકસિત થઈ, જેમાં પરંપરા, કારીગરી અને વ્યવહારિકતાનો સુંદર સમન્વય જોવા મળે છે.
આ ડચ ગેબલ છે શું? ગેબલ એટલે મકાનની છતનો ત્રિકોણાકાર ભાગ. ડચ ગેબલમાં આ રચના સાદા ત્રિકોણને બદલે સ્થાપત્યથી આકર્ષક બનાવવામાં આવે છે. ડચ ગેબલ છત ડચ સ્થાપત્યની સૌંદર્યદૃષ્ટિ, કારીગરી અને વ્યવહારિકતાનું અનોખું ઉદાહરણ છે. આ ગેબલમાં પણ સ્ટેપ્ડ, નેક, બેલ અને સ્પાઉટ જેવી વિવિધ શૈલીઓ દ્વારા ડચ સ્થાપત્યે એક જ મૂળભૂત રચનાને અનેક સ્વરૂપોમાં રજૂ કરી છે. આજે પણ આ ગેબલ્સ નેધરલેન્ડ્સના ઐતિહાસિક શહેરોનાં દૃશ્યને વિશિષ્ટ બનાવે છે અને સ્થાપત્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.
ડચ દરવાજાની વિશેષતા
નેધરલેન્ડ્સના રહેવાસીઓના ઘરના દરવાજાની રચના એકદમ અલગ તરી આવે છે. એની પાછળનું કારણ કલાત્મકતા કરતાં વ્યવહારુ વધારે છે. આ દરવાજો આડી રીતે બે ભાગમાં વહેંચાયેલો હોય છે. આવી રચનાને કારણે ઉપરનો અને નીચેનો ભાગ એકબીજાથી સ્વતંત્ર રીતે ખોલી કે બંધ કરી શકાય છે. આવો દરવાજો રાખવાની શરૂઆત 17મી સદીમાં નેધરલેન્ડ્સના ગ્રામીણ વિસ્તારોમાં થઈ હતી. આ `ડચ ડોર' અંગ્રેજીમાં `સ્ટેબલ ડોર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે 500 વર્ષ પછી પણ જૂની ડિઝાઈન લોકોમાં પ્રિય છે. હેરત થાય એવી વાત એ છે કે યુએસમાં આવા દરવાજા માટેની ઘેલછા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
17મી સદીમાં નેધરલેન્ડ્સના ગ્રામીણ વિસ્તારોમાં મરઘાં - મરઘી, ઘેટાં અને ડુક્કર છૂટથી હરતાંફરતાં જોવા મળતાં હતાં. આ પ્રાણીઓ ઘરમાં ઘૂસી ઘર ગંદું કે ખેદાનમેદાન ન કરી નાખે એ સાટુ આ સ્પ્લિટ ડોર - બે ભાગમાં વહેંચાયેલા દરવાજાની કલ્પનાએ આકાર લીધો. નીચલો હિસ્સો બંધ રાખી નાના બાળકો કે પાળેલા શ્વાન - બિલાડી બહાર નીકળી જશે એની ફિકરમાંથી મુક્તિ મળે અને પ્રાણીઓ ઘરમાં ઘૂસી જશે એની ચિંતા પણ દૂર થઈ જાય. ઉપલો ભાગ ખુલ્લો રાખવાથી ઘરમાં પ્રકાશ તેમ જ તાજી હવાની અવરજવર વધારી શકાય છે. બીજો એક લાભ એ થાય છે કે કોઈ અજાણી વ્યક્તિ આવી હોય ત્યારે કે કુરિયરનું પાર્સલ લેતી વખતે આખો દરવાજો ખોલવાની જરૂર નથી પડતી. આને કારણે ઘરની સુરક્ષા જળવાઈ રહે છે. આજની તારીખમાં આ ડચ ડોરની વ્યવસ્થા કેવળ મુખ્ય પ્રવેશદ્વાર પૂરતી માર્યાદિત નથી રહી. રસોડામાં હવાની અવરજવર તેમ જ બાળકોના રૂમમાં પણ એમના પર સતત નજર ન રાખવી પડે એ માટે આ સગવડ જોવા મળે છે. આ ડચ ડિઝાઈન લોકોના મનમાં એ હદે વસી ગઈ કે ડચ વસાહતીઓ અમેરિકાના ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી જેવા વિસ્તારોમાં સ્થાયી થયા ત્યારે આ શૈલીના દરવાજા ત્યાં બનાવ્યા. અમેરિકન લોકોને આ શૈલી બેહદ પસંદ પડી ગઈ.
ડચ વિન્ડોની વરાયટી
સાંસારિક જીવનમાં માતપિતામાં જેમ માનું સ્થાન પહેલું હોય છે એમ ઘર રચનામાં બારી બારણામાં બારી પહેલા આવે છે. ઘરની બારી કેવળ સુંદરતા નથી વધારતી, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. ભૌતિક રીતે બારી એ ઘરનો એક નાનો ભાગ છે, પણ ઉઘાડી બારી હવા કે પ્રકાશને જ અંદર નથી લાવતી, પરંતુ માણસના વિચારો અને દ્રષ્ટિકોણને એક નવો આયામ આપે છે. ડચ વિન્ડો પ્રકાશ અને હવાના આવનજાવન માટે નિમિત્ત બની ડચ સ્થાપત્યની ઓળખ, પરંપરા અને જીવનશૈલીને પણ વ્યક્ત કરે છે. નેધરલેન્ડ્સમાં જગ્યાના મહત્તમ વપરાશને પ્રાધાન્ય હોવાથી મોટાભાગનાં ઘર એકબીજાને અડીને લગોલગ આવેલાં હોય છે. પરિણામે ઘરની બાજુની ભીંત પાડોશીની ભીંત સાથે જોડાયેલી હોય છે. આ કારણસર ઘરમાં મોટી બારીઓ જોવા મળે છે જેને લીધે આખા ઘરને પૂરતો પ્રકાશ મળી રહે છે. મોટી બારી ભૌતિક જરૂરિયાત સંતોષી સાથે તાત્વિક દર્શન પણ કરાવે છે.
નેધરલેન્ડ્સનાં ઘરોમાં મોટી બારીઓ રાખવાની પરંપરા પાછળ ખ્રિસ્તી ધર્મના એક વિશેષ સંપ્રદાય કેલ્વિનિઝમ સાથે ઊંડો ઐતિહાસિક અને સાંસ્કૃતિક નાતો છે. સોળમી સદીમાં ડચ લોકો કેલ્વિનિઝમ (પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મની શાખા) પ્રત્યે આકર્ષાયા. કેલ્વિનિઝમમાં નૈતિકતા, પ્રમાણિકતા અને પારદર્શિતાને પ્રાથમિકતા છે અને એટલે મોટી બારીઓ રાખવાની પરંપરા શરૂ થઈ એવું માનવામાં આવે છે. વિશ્વ સમસ્તમાં પ્રાઈવસીના નામે ઘરને બને એટલું બહારની આંખોથી ગુપ્ત રાખવાની કોશિશ થાય છે જ્યારે ડચ લોકો જાણે એમ કહેવા માગે છે કે `જોઈ લ્યો, અમારા ઘર.'