ફિલ્મ `ધરમ કરમ'માં રણધીર કપૂર રાજ કપૂરને બોંગા સાહબ કહે છે. આ બોંગા અથવા લાઉડસ્પીકર પોતે તો નથી બોલતું, પણ બીજાનો અવાજ વધુ મોટો કરીને સંભળાવે છે. લાઉડ, લાઉડ કરતાં અવાજ ક્લાઉડ એટલે કે આકાશમાં પહોંચે તેટલો ફૂલ વોલ્યુમ રાખવાની આપણે ત્યાં પ્રથા બની ગઈ છે
- જ્યવંત પંડ્યા
ગાંધીજી: આઝાદીની લડત વખતે...
સ્વતંત્રતા પહેલાંના આંદોલનકાળમાં જ્યારે દેશવાસીઓમાં લડત માટેનું જોમ ચડાવવા આપણા મહાનાયકો ગાંધીજી, નહેરુજી અને સરદાર પટેલ દેશને સંબોધતા હતા. એ જમાનામાં એક કંપની હતી. તેનું નામ હતું `શિકાગો રેડિયો'. ભારતની સ્વતંત્રતા માટેની હાકલ `શિકાગો રેડિયો' પરથી થતી હતી, બોલો!
આપણા દેશમાં આ લાઉડસ્પીકરનો મહિમા પણ અજબ છે. આ નામનો ખરેખર અર્થ સમજવો હોય તો એના પરથી લોકસભા કે વિધાનસભાના `સ્પીકર' (ખરેખર તો અધ્યક્ષ/પ્રમુખ) યાદ આવી જાય. તેમને સ્પીકર કેમ કહે છે તે આજ દિન સુધી સમજાયું નથી, કારણ કે સંસદના સ્પીકરનું કામ પણ આ લાઉડસ્પીકર જેવું જ હોય છે! લાઉડસ્પીકર પોતે કંઈ બોલતું નથી. એ તો તેની સાથે જોડાયેલ રેકોર્ડ કે ટેપ અને આજના જમાનામાં પેનડ્રાઇવ/મોબાઇલ પર વાગતાં ગીતો કે જાહેરાત સંભળાવવાનું કામ કરે છે. આ જ રીતે સંસદના સ્પીકર સાહેબ પોતે કંઈ કાયદા નથી ઘડતા, પણ બીજાને ચૂપ કરાવવા માટે જ ખાસ મોટેથી બોલતા હોય છે. હવે તો તેમના પર વિપક્ષના નેતાનો અવાજ બંધ કરાવી દેવા માટે તેમનું માઇક બંધ કરવાનો આક્ષેપ થવા લાગ્યો છે. લાઉડસ્પીકર અને સ્પીકર બંને વચ્ચે વધુ એક સામ્યતા છે: બીજાને સંભળાવવું અને પોતાનો અવાજ ગળામાં જ દબાવી રાખવો!
ભારતમાં લાઉડસ્પીકરની આખી વ્યાખ્યા જ અલગ છે. અહીં લાઉડસ્પીકર બીજાને સાંભળવા માટે નથી હોતા, પણ બીજાને પરાણે `સંભળાવવા' માટે હોય છે! આપણે ત્યાં તો આનો ઉપયોગ પંથીય સ્થળો એટલે કે મંદિરો અને મસ્જિદોથી લઈને સોસાયટીના ગરબા અને લગ્નો સુધી ફૂલ વોલ્યુમમાં થાય છે.
ગુજરાતીમાં આ લાઉડસ્પીકરને ભૂંગળા પણ કહે છે. હિન્દીમાં તેને ભોંપુ અને બોંગા કહે છે. `ધરમ કરમ' ફિલ્મમાં નાનકડો રણધીર રાજકપૂરને `બોંગાસાહબ' કહે છે.
સવાર-સવારમાં વ્રત કે ઉત્સવ હોય કે જૈન મુનિનાં સામૈયાં હોય, ગણેશચતુર્થી કે વિસર્જન હોય કે પછી શનિવાર હોય, કે રોજેરોજ પાંચ વાર પોકારાતી અઝાન હોય, કે પછી શેરીમાંથી નીકળતા કૂકર રિપેરિગની રિક્ષાવાળા એવા અવાજો છૂટે કે આપણી ઊંઘ તો ભાગી જ જાય. આમ જુઓ તો લાઉડસ્પીકર આપણને જગાડવાનું કામ કરે છે, પણ જેમ કોઈ જગાડવાનું કામ કરે તો તેને ગાળો પડે તેમ આ લાઉડસ્પીકર પણ ગાળો ખાય છે. આપણે ત્યાં કોઈ અજાણી વ્યક્તિ વધારે પડતી મોટી મોટી વાતો કરતી હોય અથવા જોશમાં આવીને બરાડા પાડતી હોય, ત્યારે આપણે તરત કહીએ છીએ: `કેમ ભાઈ, લાઉડસ્પીકર ગળી ગયો છો કે શું?!'
લાઉડસ્પીકર ગળી જનાર માણસ પછી શ્વાસ લેવાનું ભૂલી જાય પણ બોલવાનું ક્યારેય બંધ ન કરે! પેલા શાકભાજી વેચવાવાળા કે કૂકર/ગેસ રિપેરિગની સેવાવાળા આવતા કે ભંગારવાળા આવતા તો મોટેમોટેથી તેમના તીણા સ્વરે તીવ્ર સપ્તકમાં `એ ડબ્બા, બાટલી, ભંગાર આપી દો' તેમ કહેતા અને થોડી વાર ગ્રાહક આવે તેની રાહ જોતા ઊભા રહેતા. આજે તમે મોબાઇલમાં તમારો સાદ રેકોર્ડ કરીને લૂપમાં મૂકીને સતત તેને સાંભળી શકો છો, સંભળાવી શકો છો, તેના કારણે આ રિપેરિગ સર્વિસવાળાનું ગળું હવે બેસતું નથી, પણ આજુબાજુ રહેતા લોકોના કાન જરૂર પાકી જાય છે.
આજે જમાનો બદલાયો છે. હવે વાયર્ડ સ્પીકરની જગ્યા બ્લૂટૂથ સ્પીકરે લીધી છે. પણ માનવીય સ્વભાવ તો એ જ છે. પેલા જમાનામાં `અવાજ' કંપનીના મોટા ભૂંગળા જેવા સ્પીકરમાંથી અવાજ આવતો, ત્યારે પક્ષીઓ ડરીને ઊડી જતા. આજે નાના સ્પીકરમાંથી એવો ડીજે બેઝ નીકળે કે ઘરની કાચની બારીઓ ધ્રૂજવા લાગે!
આજકાલ તો લગ્નની સિઝન આવે એટલે લાઉડસ્પીકરનું અસલી પરાક્રમ જોવા મળે છે. વરરાજાનાં લગ્ન ટકે કે ન ટકે, પણ ડીજેની કારકિર્દી ટકી જાય છે. બેઝ એટલો ભારે હોય કે બાજુવાળાના ઘરના કાચ તૂટી જાય અને છાતીના ધબકારા અનિયમિત થઈ જાય! વરરાજા કરતાં પાછળ નાચનારા મિત્રોના ચહેરા પર ભારે ઉત્સાહ હોય ત્યારે પ્રશ્ન થાય કે જે વરરાજા પરણીને આજીવન કારાવાસમાં જવાનો છે તેનો આટલો બધો ઉત્સાહ? સ્પીકરની સામે ઊભા રહીને નાચવું એ આજની યુવા પેઢીનું રાષ્ટ્રીય કર્તવ્ય બની ગયું છે. કાનના પડદા ફાટી જાય તો ભલે ફાટે, પણ સોશ્યલ મીડિયા પર રીલ સરસ બનવી જોઈએ! એવું લાગે છે કે ભગવાન શિવ દૂરદર્શી તો ગણાય જ કારણ કે તેમણે ગણેશજીનું માથું કાપી નાખ્યા પછી હાથીનું મોઢું પ્લાસ્ટિક સર્જરીથી લગાડી દીધું જેથી ભવિષ્યમાં તેમના કહેવાતા ભક્તો જ્યારે તેમને ટેમ્પો કી લારીમાં બેસાડીને કે કારમાં લાવતા કે વિસર્જન કરાવવા લઈ જતા હોય ત્યારે કાન ફાડી નાખે તેવી રીતે ડીજે જે વગાડે તો તેમના મોટા કાન તેને સહન કરી શકે !
અંગ્રેજીમાં કહેવત છે, Action speaks louder than words. તમારું કામ બોલવું જોઈએ પણ આપણે ત્યાં તો નેતાઓ પોતાનું ઓછું કામ વધુ સંભળાવવા લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે.
વિચારવા જેવી વાત એ છે કે જે લાઉડસ્પીકર પોતાની મેળે અવાજ પેદા નથી કરી શકતું, એ માનવીના હાથમાં આવ્યા પછી આખી દુનિયાને હચમચાવી નાખે છે. આજના જમાનામાં સ્પીકર સાથે હોય કે સ્પીકર વગર લોકો બોલતા હોય, વોલ્યુમ લાઉડ હોય તો જ પોતે સાચા સાબિત થઈ શકે તેવો નિયમ બની ગયો છે.