Mon Oct 05 2026

Logo

કરિયર - ડ્રોન ટ્રાફિક મેનેજર: આભમાં નવી કારકિર્દીની ઉડાન

2026-10-03 09:19:00
Author: Kirti Shekhar
કરિયર - ડ્રોન ટ્રાફિક મેનેજર: આભમાં નવી કારકિર્દીની ઉડાન

કીર્તિશેખર

કલ્પના કરો કે થોડાં વર્ષો પછી એક મહાનગર ઉપર આકાશમાં એક સાથે સેંકડો ડ્રોન ઉડી રહ્યા છે. કોઇ ક્યાંક દવા લઇને જઇ રહ્યું છે, કોઇ ઇ-કોમર્સ પેકેટ પહોંચાડી રહ્યું છે, કોઇ ખેતરની ચોકીદારી કરી રહ્યું છે, કોઇ વીજ લાઇનનું નિરીક્ષણ કરી રહ્યું છે, તો વળી કોઇ અસરગ્રસ્ત વિસ્તારના ફોટા ખેંચી રહ્યું છે. આ જોઇને મનમાં પ્રશ્ન એ નહીં થાય કે ડ્રોન કોણ ઉડાવી રહ્યું છે પરંતુ એ થશે કે એક સાથે આટલા બધા ડ્રોન આકાશમાં ફરી રહ્યા છે તો ક્યાંક એકબીજા સાથે અથડાઇ ન જાય અને તે જે કામ કરી રહ્યા છે તે અટકી ન પડે.

આખરે નવા નિયમો અનુસાર આકાશમાં ડ્રોન કેવી રીતે ઊડશે? આ સમસ્યાનો આગામી સમયમાં ઉકેલ લાવવા માટે ડ્રોન ટ્રાફિક મેનેજરની એક નવી રસપ્રદ કારકિર્દી ઊભરી રહી છે. આ સાંભળવામાં ભલે એર ટ્રાફિક ક્નટ્રોલર સમાન લાગતું હોય પરંતુ બંને તદ્દન અલગ-અલગ છે. પરંપરાગત એર ટ્રાફિક ક્નટ્રોલર મુખ્યત્વે માનવરહિત વિમાનોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરે છે. જ્યારે ડ્રોન ટ્રાફિક મેનેજમેન્ટનું કામ એક જ સમયે હવામાં રહેલા ઘણા બધા માનવરહિત વિમાનો કે ડ્રોનની ઓળખ કરવી, તેની ઉડાનની યોજના, માર્ગ અથડામણ ટાળવી, ડિજિટલ દેખરેખ અને એરસ્પેસના સલામત ઉપયોગ સાથે જોડાયેલું છે.

શા માટે ડ્રોન ટ્રાફિક મેનેજરની જરૂર પડશે ?

ભારતમાં ડ્રોનનો ઉપયોગ હવે માત્ર વીડિયો શૂટિગ કે લગ્ન સમારંભોની ફોટોગ્રાફી સુધી મર્યાદિત રહ્યો નથી. ડ્રોનનો ઉપયોગ ખેતી, જમીન સર્વેક્ષણ, મેપિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિરીક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, ખનન, લોજિસ્ટિક્સ અને સુરક્ષા જેવાં ક્ષેત્રોમાં ઝડપથી વધી રહ્યો છે. તેથી સરકારે ડ્રોન માટે નિયમનકારી માળખું તૈયાર કર્યું છે અને ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા ડ્રોન તથા એરસ્પેસ સંબંધિત ઘણી પ્રક્રિયાઓને ડિજિટલ બનાવી છે. મતલબ કે ડ્રોન અર્થતંત્ર હવે માત્ર પાઇલટો સુધી મર્યાદિત નહીં રહે. તેની પાછળ ડેટા, એરસ્પેસ, સુરક્ષા અને સંચાલનની એક નવી સિસ્ટમ વિકસિત થશે. આ સિસ્ટમ જ આ નવી કારકિર્દી માટેનો માર્ગ મોકળો કરે છે.

એ શું કામ કરે છે?

સરળ શબ્દોમાં કહીએ તો ડ્રોન ટ્રાફિક મેનેજરનું કામ ડ્રોનને સાચી જગ્યાએ, સાચા સમયે અને સુરક્ષિત રીતે ઉડાવવામાં મદદ કરવાનું છે. તેની જવાબદારીઓ, સંસ્થા અને ભૂમિકા અનુસાર અલગ-અલગ હોઇ શકે છે, પરંતુ તેમાં મુખ્ય રીતે નીચે મુજબનાં કામોનો સમાવેશ થઇ શકે છે.

- ડ્રોનની ઉડાન યોજનાઓનું સંચાલન કરવું.

- ડ્રોન માટે નિર્ધારિત હવાઇ ક્ષેત્ર અને પ્રતિબંધિત ક્ષેત્રોની માહિતી રાખવી.

- સંભવિત રૂટ અથડામણની ઓળખ કરવી.

- હવામાન અને અન્ય કામગીરીનાં જોખમોને સમજવા.

- ડ્રોનનું લોકેશન અને ઉડાનની સ્થિતિની દેખરેખ રાખવી.

- ઇમર્જન્સીમાં વૈકલ્પિક માર્ગ શોધવા અથવા પગલાં લેવામાં મદદ કરવી.

- ડ્રોન ઓપરેટરો અને સંબંધિત ડિજિટલ સિસ્ટમો વચ્ચે સંકલન સાધવું.

- ઉડાન સંબંધિત ડિજિટલ રેકોર્ડ્સ અને ડેટાનું સંચાલન કરવું.

- નિયમો તથા સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવું.

ભવિષ્યમાં જ્યારે વધુ સંખ્યામાં ડ્રોન હશે ત્યારે આ કામ માત્ર માનવ દેખરેખ સુધી મર્યાદિત નહીં રહે. તેમાં સ્વચાલિત સિસ્ટમ, સેન્સર, નેટવર્ક અને સોફ્ટવેર પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેથી આ કારકિર્દીમાં ટેક્નોલોજીની સમજ મહત્ત્વપૂર્ણ રહેશે.
કોણ બની શકે છે?

આ ક્ષેત્રમાં પ્રવેશવાનો કોઇ એક જ રસ્તો નથી. વિવિધ ભૂમિકાઓ માટે વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ઉપયોગી થઇ શકે છે. વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી ડ્રોન એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક્લ, મિકેનિકલ, કોમ્પ્યુટર, જીઓગ્રાફિક ઇર્ન્ફોમેશન સિસ્ટમ અથવા સંબંધિત ટેક્નિકલ અભ્યાસ કરી શકે છે. એન્જિનિયરિગની પૃષ્ઠભૂમિ ધરાવતા યુવાનો માટે એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, સાયન્સ, મિકેનિકલ અથવા સંબંધિત ક્ષેત્રોનું જ્ઞાન ઉપયોગી સાબિત થઇ શકે છે. તેમજ જીઆઇએસ, રિમોટ સેંસિંગ અને જિયો સ્પેશિયલ ટેક્નોલોજીનું જ્ઞાન ધરાવતા યુવાનોને પણ આ ક્ષેત્રમાં તક મળી શકે છે. કારણ કે ડ્રોન સંચાલનમાં લોકેશન અને હવાઇ નક્શા મહત્ત્વપૂર્ણ હોય છે.

માત્ર ડ્રોન ઉડાવવું પૂરતું નથી

આ કારકિર્દીનું સૌથી અગત્યનું પાસું છે. પરંતુ ડ્રોન પાઇલટ અને ડ્રોન ટ્રાફિક મેનેજર બંનેની ભૂમિકાઓ સંપૂર્ણ રીતે અલગ-અલગ છે. ડ્રોન પાઇલટનું મુખ્ય કામ ડ્રોન ઉડાવવાનું છે, જ્યારે ટ્રાફિક મેનેજમેન્ટ પ્રોફેશનલનું કામ સમગ્ર હવાઇ સંચાલનને સુરક્ષિત અને વ્યવસ્થિત રાખવાનું છે. તેથી ઉમેદવાર પાસે કેટલીક અલગ પ્રકારની કુશળતાઓ હોવી જોઇએ. જેમ કે એરસ્પેસની જાણકારી, વિવિધ ક્ષેત્રોમાં ડ્રોન ઉડાવવા માટેના પ્રતિબંધોની માહિતી હોવી ખૂબ જરૂરી છે. એ જ રીતે નક્શા અને લોકેશનની જાણકારી પણ બહુ જરૂરી છે. તેથી ડ્રોન મેનેજર માટે ડિજિટલ મેપ, જીઆઇએસ અને જિયો સ્પેશિયલ ડેટા વાંચવા અને સમજવાની ક્ષમતા હોવી જોઇએ. ઉપરાંત ડ્રોન કોમ્યુનિકેશન સિસ્ટમ, સેન્સર અને ઉડાન સંબંધિત સોફ્ટવેરની પણ પાયાની માહિતી હોવી જોઇએ. તેમજ ડેટા વિશ્લેષણની માહિતી પણ જરૂરી છે કારણ કે ઉડાન દરમિયાન મોટી માત્રામાં ડિજિટલ ડેટાનો ઉપયોગ થાય છે તથા જોખમ વ્યવસ્થાપનની સમજ પણ જરૂરી છે. કારણ કે કોઇપણ સંભવિત અથડામણ અથવા ઇમર્જન્સીમાં તાત્કાલિક નિર્ણય લેવા પડે છે. આ બધા ઉપરાંત કોમ્યુનિકેશન સ્કીલ અને નિયમોની જાણકારી હોવી પણ બહુ જરૂરી છે. ડ્રોન ઓપરેટર, ટેક્નિકલ ટીમ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે સ્પષ્ટ રીતે સંવાદ કરવા માટે કોમ્યુનિકેશન સ્કીલ જરૂરી છે. જ્યારે નિયમોની જાણકારી હોવી એટલા માટે જરૂરી છે કે ભારતમાં ડ્રોન નિયમો અને સંબંધિત નાગરિક ઉડ્ડયન પ્રક્રિયાની સમજણ વિના ડ્રોન ઉડાવવા શક્ય નથી.

નોકરી ક્યાં મળી શકે છે ?

ડ્રોન ટ્રાફિક મેનેજમેન્ટનું ભવિષ્ય માત્ર એક કંપની પૂરતું મર્યાદિત નથી. ડ્રોનનો કમર્શિયલ ઉપયોગ વધવાની સાથે વિવિધ સંસ્થાઓ આવા નિષ્ણાતોને રોજગારી આપી શકે છે.

- કંપનીઓએ દવાઓ, જરૂરી સામાનને તાત્કાલિક પહોંચાડવા માટે અને અન્ય ઉત્પાદનોની હવાઇ ડિલિવરીના સંદર્ભમાં ડ્રોન ડિલિવરી શરૂ કરી દીધી છે અને આગામી વર્ષોમાં તેમાં તીવ્ર વધારો થશે.

-  એગ્રી ટેક કંપનીઓ ખેતરોનું નિરીક્ષણ કરવા અને ખેતીની કામગીરીના સંચાલન માટે ડ્રોન મેનેજરની નિમણૂક કરશે.

- જમીન અને માળખાગત સુવિધાઓના મોટા પાયે સર્વેક્ષણ માટે સર્વે અને મેપિંગ કંપનીઓ આગામી દિવસોમાં મોટા પાયે તેમની સેવાઓનો લાભ લેશે.

- તેવી જ રીતે ભવિષ્યમાં ડ્રોન આધારિત પરિવહન નેટવર્કમાં લોજિસ્ટિક્સ કંપનીઓ ડ્રોન ટ્રાફિક મેનેજરની નિમણૂક કરશે.

- વીજ લાઇનો, પાઇપ લાઇનો, રસ્તા અને બાંધકામ પ્રોજેક્ટ્સ ઉપર નજર રાખવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ ડ્રોન મેનેજરની ભરતી કરશે.

- વિવિધ ગ્રાહકો માટે ડ્રોન કાફલાનું સંચાલન કરતાં ડ્રોન સેવા પ્રદાતાઓ પણ ડ્રોન ટ્રાફિક મેનેજરોને રોજગારી પૂરી પાડશે.

- તદુપરાંત ડ્રોન સંબંધિત નિયમો, સંશોધન, તાલીમ અને તક્નીકી સહાય વિકસાવતા સંગઠનોમાં પણ સંબંધિત ભૂમિકાઓનું સર્જન થઇ શકે છે.

શરૂઆત કઇ રીતે કરવી?

જે યુવાનો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે તેમણે શરૂઆતમાં માત્ર ડ્રોન શીખવાને બદલે સમગ્ર ઇકો સિસ્ટમ સમજવી જોઇએ. જેનું પ્રથમ પગથિયું ડ્રોન તક્નીકનું પાયાનું જ્ઞાન મેળવવું છે. ત્યારબાદ ડીજીસીએ સંબંધિત હાલના ડ્રોન નિયમો, પ્રમાણપત્ર અને તાલીમ આવશ્યકતાઓને સમજવી જરૂરી છે. પછી જીઆઇએસ ડિજિટલ મેપિંગ, રિમોટ સેન્સિંગ, મૂળભૂત હવામાન માહિતી અને ડેટા વિશ્લેષણ જેવી કુશળતા પણ સાથે સાંકળી શકાય છે. આ ઉપરાંત ડ્રોન સિમ્યુલેટર અને વાસ્તવિક તાલીમ દ્વારા ઉડાન સંચાલનની સમજ વિકસાવવી ઉપયોગી સાબિત થશે.