Tue Oct 06 2026

Logo

કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરનાર ઓમાની કો-પાયલટની ઓળખ જાહેર, જાણો તેનો ચોંકાવનારો ઇતિહાસ

Tel aviv   2026-10-03 07:56:00
Author: Vimal Prajapati
કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરનાર ઓમાની કો-પાયલટની ઓળખ જાહેર, જાણો તેનો ચોંકાવનારો ઇતિહાસ

તેલ અવીવ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર પર જીવલેણ હુમલો કરનાર સહ-ચાલક (કો-પાયલટ) અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, આ શંકાસ્પદ કો-પાયલટની ઓળખ ઓમાનના નાગરિક હમામ અલ-હમામી તરીકે થઈ છે. તે અગાઉ ઓમાનની રાષ્ટ્રીય વિમાન કંપની 'ઓમાન એર'માં પણ કામ કરી ચૂક્યો છે. 

કટ્ટરપંથી વિચારધારા અને ઓમાન એરમાંથી સસ્પેન્શન

મીડિયા રિપોર્ટ અનુસાર, ઓમાન એરમાં ફરજ દરમિયાન જ હમામ અલ-હમામીની વિવાદિત પ્રવૃત્તિઓ સામે આવી હતી. તે અગાઉ સીરિયામાં રહ્યો હતો, જ્યાં તે કટ્ટરપંથી વિચારસરણીના પ્રભાવ હેઠળ આવ્યો હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2024માં તે ઓમાન એરમાં કો-પાયલટ ટ્રેની તરીકે કામ કરી રહ્યો હતો, તે સમયે તેની પાસેથી કટ્ટરપંથી સામગ્રી મળી આવી હતી. આ બાબતને ગંભીર સુરક્ષા જોખમ ગણીને ઓમાન એરલાઇન્સે તેને વિમાન ઉડાવવાથી રોકી દીધો હતો અને માત્ર વહીવટી (ઓફિશિયલ) કામગીરી સોંપી દીધી હતી.

ઓમાનમાં ફ્લાઇટ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયા બાદ અલ-હમામી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જતો રહ્યો હતો. તેનો જન્મ યુએઈમાં જ થયો હતો; તેના પિતા ઓમાનના નાગરિક છે જ્યારે માતા સીરિયાઈ મૂળની છે. તેણે પોતાના જીવનનો મોટો ભાગ યુએઈમાં વિતાવ્યો હતો. યુએઈમાં આવ્યાં બાદ તે ફ્લાયદુબઈમાં કો-પાયલટ તરીકે નોકરી મેળવવામાં સફળ રહ્યો હતો. જોકે, રિપોર્ટ પ્રમાણે ફ્લાયદુબઈ દ્વારા તેને નોકરી આપતા પહેલાં યોગ્ય બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું નહોતું. આ સાથે ઓમાને અલ-હમામી વિશેની પોતાની સુરક્ષા ચિંતાઓ અન્ય દેશો કે એરલાઇન્સ સાથે શેર કરી હતી કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.   

વિમાન ક્રેશ કરાવવાનું ચિંતાજનક ષડયંત્ર

તપાસકર્તાઓ સમક્ષ સામે આવેલા દાવા પ્રમાણે, આરોપી કો-પાયલટે કબૂલાત કરી હતી કે તે વિમાનને ઇઝરાયેલમાં ક્રેશ કરાવવા માંગતો હતો. જો આ દાવો સત્તાવાર તપાસમાં સાચો સાબિત થાય છે, તો આ ઘટના માત્ર કૉકપિટમાં થયેલા હુમલા પૂરતી સીમિત ન રહેતા, વિમાનને સશસ્ત્ર રીતે નષ્ટ કરવાના એક મોટા આતંકી ષડયંત્ર તરફ ઇશારો કરે છે. હાલમાં તમામ આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.