મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આઈઆઈટી બોમ્બે (IIT Bombay)ના દ્વિતીય વર્ષના બી.ટેક વિદ્યાર્થી સાહિલ વાકોડેના શંકાસ્પદ મૃત્યુ કેસની તપાસ વધુ તેજ કરી દીધી છે. તપાસના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પવઈ કેમ્પસમાં પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલાનું વિસ્તૃત નિવેદન નોંધ્યું હતું. આશરે 8 થી 10 કલાક સુધી ચાલેલી આ પૂછપરછમાં પ્રોફેસર ડૂલાએ પોતાના પર લાગેલા જ્ઞાતિ આધારિત ઉત્પીડન અને ભેદભાવના તમામ આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે.
પૂછપરછ દરમિયાન પ્રોફેસરે કેવો દાવો કર્યો?
પૂછપરછ દરમિયાન પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલાએ જણાવ્યું કે, તેમણે માત્ર આઈઆઈટી બોમ્બેના નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ કામ કર્યું હતું. તેમણે સાહિલ સામે કોઈ પણ પ્રકારની જ્ઞાતિલક્ષી ટિપ્પણી કરી હોવાનો કે તેને માનસિક રીતે પરેશાન કર્યો હોવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિવાદ બાદ આઈઆઈટી તંત્ર દ્વારા પ્રોફેસર ડૂલાને તેમના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
સાહિતના મોત બાદ પરિવારે કેવા આરોપ લગાવ્યાં?
18 સપ્ટેમ્બર 2026ના રોજ સાહિલ વાકોડેનો મૃતદેહ તેના હોસ્ટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ઘટનાના દિવસે જ મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન સાહિલ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયો હતો. તે સમયે પરીક્ષા ખંડમાં પ્રોફેસર ડૂલા સુપરવાઈઝર તરીકે હાજર હતા. સાહિલના મોત બાદ તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા હતા કે સાહિલે અગાઉ તેમને જાણ કરી હતી કે તેની સાથે સંસ્થામાં જાતિના આધારે પૂર્વગ્રહ રાખવામાં આવતો હતો અને તેની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી.
આ કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી થઈ?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં સાહિલના માતા-પિતા, સહપાઠીઓ, સંસ્થાના પ્રોફેસરો અને હોસ્ટેલ સ્ટાફ સહિત 40 જેટલા લોકોની પૂછપરછ કરી છે. સાહિલના બે મોબાઈલ ફોન, લેપટોપ અને ટેબ્લેટને જપ્ત કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આઈઆઈટી બોમ્બે દ્વારા પરિસ્થિતિની સમીક્ષા માટે 10 સભ્યોની ખાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સાથે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)ની ટીમે પણ 24 સપ્ટેમ્બરે કેમ્પસની મુલાકાત લઈને જાતિગત ભેદભાવના આરોપો અંગે સમીક્ષા કરી હતી અને તમામ ડિજિટલ તથા ભૌતિક પુરાવા સુરક્ષિત રાખવા સૂચના આપી હતી.