Tue Oct 06 2026

Logo

પુત્રનો જન્મદિન ઉજવવા હોટેલમાં ગયેલા શિક્ષકના ઘરમાંથી ઘરેણાં-રૂપિયા ચોરાયાં

2026-10-03 19:09:42
Author: Yogesh D. Patel
પુત્રનો જન્મદિન ઉજવવા હોટેલમાં ગયેલા શિક્ષકના ઘરમાંથી ઘરેણાં-રૂપિયા ચોરાયાં

થાણે: થાણે જિલ્લામાં પુત્રનો જન્મદિન ઉજવવા માટે પરિવાર સાથે હોટેલમાં ગયેલા શિક્ષકના ઘરમાંથી 8.97 લાખનાં સોનાનાં ઘરેણાં અને રોકડ ચોરાયાં હતાં. ડોંબિવલીમાં 29 સપ્ટેમ્બરે ચોરીની આ ઘટના બની હતી, જેને પગલે શિક્ષકે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ડોંબિવલી વિસ્તારમાં રહેતા શિક્ષક યોગેશ રમેશ ઘારેના પુત્રનો 29 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. આથી પુત્રનો જન્મદિવસ ઉજવવા માટે યોગેશ ઘારે તેના પરિવાર સાથે નજીકની હોટેલમાં ગયો હતો.

જોકે એ સમયગાળામાં બેડરૂમની બારીની ગ્રીલ કાપીને ચોર અંદર ઘૂસ્યો હતો અને ચાર કબાટમાંનો સામાન અસ્તવ્યસ્ત કરીને સોનાનાં ઘરેણાં તથા રોકડ ચોરીને તે ફરાર થયો હતો.દરમિયાન શિક્ષક તેના પરિવાર સાથે ઘરે પાછો ફર્યો ત્યારે બેડરૂમમાં સામાન અસ્તવ્યસ્ત હતો અને કબાટમાંથી ઘરેણાં-રોકડ ગાયબ હતાં. ઘરમાં ચોરી થઇ હોવાની ખાતરી થતાં તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી હતી.