ભારતીય બૅટિંગ-લેજન્ડ મેદાન પરની ટૅલન્ટ ઉપરાંત ફિટનેસ માટે પણ દુનિયાભરના લોકોમાં પ્રિય છે
- સાશા
વિરાટ કોહલીના નામે કુલ 86 આંતરરાષ્ટ્રીય સેન્ચુરી છે. એમાંથી વન-ડેની પંચાવન સદી વર્લ્ડ રેકૉર્ડ છે.
અનેક ક્રિકેટપ્રેમીઓ અનેરી ફિટનેસ બદલ પણ વિરાટના દીવાના છે.
-------
રમતગમતની દુનિયામાં પ્રશંસક હોવા એ કોઈ અજાયબી નથી. દરેક દેશમાં એવા ખેલાડી હોય છે જ જેમને જોઈને બાળકો તેમના જ જેવા બનવા માગતા હોય છે. જેમના નામની જર્સી પહેરીને તેઓ સ્ટેડિયમ પર પહોંચી જાય છે અને જેમની એક ઇનિંગ્સથી આખો દેશ ન્યાલ થઈ જાય છે. જોકે ક્યારેક કોઈક ખેલાડી પોતાના દેશની સીમા પાર કરીને ખૂબ દૂર નીકળીને બીજા દેશોના દર્શકોની કલ્પનાઓ અને ભાવનાઓમાં પણ એવું જ આત્મીય સ્થાન બનાવી લેતો હોય છે.
વિરાટ કોહલી એ જ દુર્લભ શ્રેણીનો ખેલાડી છે. આ કોઈ ભાવનાત્મક ટિપ્પણી નથી. આવું કહેવા પાછળ સંગીન આધાર અને સંકેત છે. માર્ચ, 2026માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડસે એના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 27.5 કરોડ ફૉલોઅર્સનો ઉલ્લેખ કર્યો. એ રીતે વિરાટ દુનિયામાં સૌથી વધુ ફૉલો થતો ક્રિકેટર છે. અન્ય પ્રોફેશનલ ખેલાડીઓની વચ્ચે પણ વિરાટની ડિજિટલ પહોંચ અસાધારણ છે. વિરાટની લોકપ્રિયતાની ખરી ઊંચાઈ એ છે જેમાં તે એવા ક્ષેત્રે તેમ જ એવા દેશોમાં પણ પ્રચલિત છે જ્યાં ક્રિકેટનું સ્થાન ખૂબ ઓછું છે અને જ્યાં ભારત પ્રત્યે ક્રિકેટ સંબંધિત ભાવના હંમેશાં અનુકૂળ નથી હોતી.
એ તો સુવિદિત છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પરની કટ્ટરતા ખેલની દુનિયામાં સૌથી વધુ છે. એવામાં પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓના દિલમાં કોઈ ભારતીય ખેલાડીની લોકપ્રિયતા ઊડીને આંખે વળગે એવી વાત કહેવાય. આ જ છે, વિશ્વ સ્તરે કોહલીની વિરાટ લોકપ્રિયતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ. 2023ની સાલમાં અલ જઝીરાએ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ વચ્ચે વિરાટની લોકપ્રિયતા બાબતમાં એક વિસ્તૃત રિપોર્ટ બનાવ્યો હતો. એમાં પ્રશંસકોએ વિરાટની બૅટિંગની સાથે તેની ફિટનેસ, ક્રિકેટની રમત પ્રત્યેના ઝનૂન તથા વિપક્ષી ખેલાડીઓ પ્રત્યેની સન્માનની ભાવનાની કદર કરી હતી અને આ બધાં કારણોસર તેમને વિરાટ પ્રિય છે એવું કહ્યું હતું.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે પાકિસ્તાનમાં ભારત સામેની મૅચ દરમ્યાન પ્રેક્ષકોએ વિરાટ-તરફી સૂત્રો પોકાર્યા હતા. 2025માં ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન પણ પાકિસ્તાનમાં એક મૅચના ખાસ સ્ક્રીનિંગ વખતે વિરાટની સેન્ચુરી પર પાકિસ્તાની લોકોએ તેની તરફેણમાં સૂત્રો પોકાર્યાં હતાં. એટલું જ નહીં, પાકિસ્તાનના ટીવી-દર્શકોએ વિરાટની સેન્ચુરી પર જશન મનાવ્યો એની તસવીરો પણ વાઇરલ થઈ હતી. અહીં મહત્ત્વપૂર્ણ વાત સમજવાની જરૂર છે કે વિરાટની આ લોકપ્રિયતાનો અર્થ એ નથી કે કોઈ અન્ય દેશના પ્રશંસકો પોતાની રાષ્ટ્રીય ટીમને પ્રેમ નથી કરતા અથવા ઓછો કરે છે. આનો અર્થ એ છે કે વિરાટ પ્રત્યેનો તેમનો પ્રેમ અને સન્માન બતાવે છે કે રમતગમતના મેદાન પરની હરીફાઈ અને કોઈ અસાધારણ ખેલાડી પ્રત્યેની ભાવના કે તેની પ્રશંસા એક સાથે જોવા મળી શકે છે.
કોહલીની જે વિરાટ પ્રતિભા છે એ જ તેની લોકપ્રિયતાનો સૌથી મોટો આધાર છે. તેના આંકડા અને તેની ફિટનેસ એટલા બધા મજબૂત છે કે તેની લોકપ્રિયતા અને તેના પર્ફોર્મન્સને અલગ-અલગ દૃષ્ટિકોણથી જોઈ જ ન શકાય. ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરે જ્યારે 463 વન-ડે મૅચમાં 18,426 રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલીએ તેનાથી 100 મૅચ ઓછી રમીને (માત્ર 315 મૅચમાં) 15,080 રન બનાવ્યા છે. આ બાબતમાં શ્રીલંકાના કુમાર સંગકારાએ તેનાથી વધુ 89 મૅચ રમીને તેનાથી ઓછા (14,234) રન બનાવ્યા હતા. રિકી પૉન્ટિંગ તેનાથી વધુ 60 વન-ડે રમ્યો હતો અને કુલ 13,704 રન બનાવ્યા હતા. શ્રીલંકાનો સનથ જયસૂર્યા તો તેનાથી 130 વન-ડે વધુ રમ્યો હતો અને તેના કરતાં ઓછા એટલે કે 13,430 રન બનાવ્યા હતા.
કોઈ બે મહાન ક્રિકેટર વચ્ચેની સરખામણી આમ તો ઠીક ન કહેવાય, કારણકે દરેક પ્લેયર અન્ય કરતાં અલગ ખેલાડીઓ સામે, ભિન્ન પરિસ્થિતિમાં અને અલગ ફિટનેસ તથા ટૅલન્ટને આધારે રમ્યો હોય છે. જોકે એક વાત સ્પષ્ટ થાય જ છે કે વન-ડે ક્રિકેટના જીવંત તમામ મહાન ખેલાડીઓમાં વિરાટ કોહલી જેવો કોઈ નથી. તેના કરતાં ચડિયાતી બૅટિંગ-સરેરાશ કોઈની નથી. માત્ર રનની બાબતમાં જ નહીં, લિસ્ટ-એ ક્રિકેટમાં પણ વિરાટ ક્રિકેટના ભગવાન સચિનની બરાબરીમાં છે. બન્નેએ આ ફૉર્મેટમાં 60-60 સેન્ચુરી ફટકારી છે. સચિને લગભગ 13 વર્ષ પહેલાં નિવૃત્તિ લઈ લીધી હતી ત્યારે વિરાટ 2027ના ઑક્ટોબરમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ સુધી તો રમવા પ્રતિબદ્ધ છે જ. ત્યાં સુધી તે પોતાની શાનદાર બૅટિંગનો નઝારો બતાવતો જ રહેશે.
વિરાટ કોહલીએ ઘણા દિગ્ગજોને સેન્ચુરી અને રનની બાબતમાં પાછળ મૂકી દીધા છે. માત્ર ઇંગ્લૅન્ડનો જૉ રૂટ એવો ખેલાડી છે જે આંકડાની દૃષ્ટિએ વિરાટ માટે પડકારરૂપ છે. બીજી ખાસ વાત એ છે કે ઘણા રેકૉર્ડમાં વિરાટ પહેલા બે-ત્રણ સ્થાનમાં જોવા મળે જ છે. રનચેઝની રેકૉર્ડ-બુકમાં જે ખેલાડી જીતમાં સૌથી વધુ વખત સામેલ છે એમાં તે સચિન અને ધોની પછી ત્રીજા નંબરે છે. સચિન 127 વખત રનચેઝ કરીને મેળવેલી જીતમાં સામેલ છે, જ્યારે ધોની આવી 116 જીતમાં સામેલ છે. વિરાટ અત્યાર સુધીમાં 112 વખત રનચેઝમાં વિજય માણી ચૂક્યો છે. એ રીતે, ધોનીથી વિરાટ ફક્ત ચાર ડગલાં અને સચિનથી 15 ડગલાં પાછળ છે.
કોઈ એક દેશ વિરુદ્ધ સૌથી વધુ સેન્ચુરી ફટકારવાની વાત હોય કે કોઈ એક મૅચની ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકૉર્ડ હોય, વિરાટના આંકડા દરેક જગ્યાએ ચમકતા જોવા મળ્યા છે. એના પરથી કોઈને પણ અંદાજ થાય કે વિરાટ માત્ર વ્યક્તિત્વની દૃષ્ટિએ નહીં, ખેલની પ્રતિભાની બાબતમાં પણ અપ્રતિમ છે અને આખી દુનિયા એટલે જ તેની પાછળ ગાંડી છે. વિરાટ માત્ર ટૅલન્ટેડ પ્લેયર જ નથી, તે આક્રમક ખેલાડી પણ છે અને ભલભલા બોલરની ખબર લઈ શકે છે. તેની વિશેષતા એ છે કે તે મેદાન પર જેટલો અગ્રેસિવ છે એટલો જ મેદાનની બહાર સહજ સ્વભાવવાળો અને આત્મીય છે. ચાહકો વચ્ચે કે પત્રકારો સાથેના ઇન્ટરવ્યૂમાં તે અનુક્રમે ડાઉન ટૂ અર્થ અને વિનમ્ર જોવા મળ્યો છે. તે ખ્યાતનામ ધર્મગુરુઓ (નીમ કરોલી બાબા તથા પ્રેમાનંદ મહારાજ)નો ભક્ત પણ છે અને એટલે જ લગભગ દર વર્ષે પત્ની અનુષ્કા સાથે તેમના (પ્રેમાનંદ મહારાજના) આશ્રમમાં જતો હોય છે જેના વીડિયો ખૂબ વાઇરલ થઈ જતા હોય છે. તે માત્ર તેમને મળવા કે તેમના આશીર્વાદ લેવા નહીં, પણ તેમને સાષ્ટાંગ પ્રણામ પણ કરે છે જે તેની વિનમ્રતાનું સુંદર ઉદાહરણ છે.
વિરાટની આંખોમાં ક્રિકેટ પ્રત્યે ખૂબ ઝનૂન જોવા મળ્યું છે અને વિપક્ષી ખેલાડીઓ સાથે ભીડવાની તત્પરતા પણ જોવા મળી છે. જીત માટે તો તેની આંખોમાં જે જોશ-ઝનૂન ટપકતા જોવા મળે છે એ તેના શાંત વ્યક્તિત્વથી તદ્ન વિપરીત છે. જોકે તેની આ આક્રમકતા ખૂબ જ ન્યાયપ્રિય, પ્રામાણિક અને સહજ હોય છે. એટલે જ તો માત્ર ભારતીય પ્રશંસકો જ નહીં, પાકિસ્તાન સહિત અનેક દેશોના ક્રિકેટપ્રેમીઓ તેના ફૅન છે. સચિન અને ધોની પ્રત્યે પણ દુનિયાભરના લોકોમાં પ્રેમ હતો, પણ વિરાટ પ્રત્યેનો સ્નેહ કંઈક અલગ જ છે.
વિરાટની વાત કરીએ ત્યારે તેની ફિટનેસને અવગણીએ તો અન્યાય થયો કહેવાય. તે ફિટ રહેવા માટે જે શારીરિક તૈયારીઓ કરતો હોય છે એ અસાધારણ છે. તેણે ખાવા-પીવાની બાબતમાં પણ ઘણો ત્યાગ કર્યો છે અને તેનું ડાયટ અદ્દભુત છે. દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ તેની ક્રિકેટિંગ ટૅલન્ટ ઉપરાંત તેની ફિટનેસના પણ દીવાના છે. મેદાનની બહાર કોહલીનું વ્યક્તિત્વ અને વ્યાવસાયિક લોકપ્રિયતા પણ વિરાટ છે. તેની પાસે ક્રિકેટરોમાં સૌથી વધુ સંખ્યામાં અને સૌથી મોંઘાદાટ એન્ડોર્સમેન્ટ છે. ટૂંકમાં, કેટલાક ખેલાડીઓને તેમના દેશમાં મહાન ગણવામાં આવતા હોય છે તો કેટલાકને ખેલ જગતના યુગ પુરુષ કહેવામાં આવે છે. વિરાટ માત્ર પોતાના યુગમાં જ નહીં, પરંતુ ધીમે-ધીમે સર્વકાલીન મહાનાયક બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.