(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઑક્ટોબર મહિનાની શરૂઆત જ કાળઝાળ ગરમીથી થઈ છે. ઑક્ટોબર મહિનાના બીજા દિવસે જ મુંબઈગરાએ આકરી ગરમી અને વાતાવરણમાં ગરમ પવનોનો અનુભવ કર્યો હતો. દિવસ દરમ્યાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા ૫.૬ ડિગ્રી વધારે હતું. તેમ જ છેલ્લા એક દાયકામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન પણ રહ્યું હતું.
મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસાની વિદાય આગામી અઠવાડિયામાં થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે વરસાદની ગેરહાજરીમાં મુંબઈગરા છેલ્લા અનેક દિવસોથી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે તેમાં શુક્રવારે કોલાબામાં તાપમાનનો પારો ૩૭.૪ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે છેલ્લા એક દાયકાનું સૌથી ઊંચુ તાપમાન રહ્યું હતું. આ અગાઉ કોલાબામાં ૨૦૧૩ની સાલમાં ઑક્ટોબરમાં આટલું ઊંચું તાપમાન નોંધાયું હતું.
કોલાબા વેધશાળા ખાતે ઑક્ટોબર મહિના માટે શહેરનો સર્વકાલીન રેકોર્ડ ૩૯.૫ ડિગ્રીનો છે, જે ૨૨ ઑક્ટોબર, ૧૯૬૮ના રોજ નોંધાયો હતો. મુંબઈ શહેરની સાથે જ ઉપનગરોમાં દિવસ દરમ્યાન ભારે ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. ભારતીય હવામાન વિભાગના સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૪.૬ ડિગ્રી વધારે છે. આ આંકડો સાંતાક્રુઝમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની નજીક હતો, જ્યારે ૧૭ ઑક્ટોબરે તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. વર્ષ ૨૦૨૪માં વેધશાળાએ ૮ ઑક્ટોબરે મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી નોંધ્યું હતું.
આ તાપમાનમાં વધારો એવા સમયે થયો છે જ્યારે મુંબઈમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય હજુ બાકી છે. શહેરમાંથી ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ આઠ ઑક્ટોબર છે. જોકે, હવામાન વિભાગને આ વર્ષે વહેલી વિદાયની અપેક્ષા છે અને સંભવત આ સપ્તાહના અંતે તે થઈ શકે છે.
હવામાન વિભાગે બે અને ત્રણ ઑક્ટોબર માટે મુંબઈ, થાણે અને પાલઘર માટે ‘યલો અલર્ટ’ જાહેર કર્યું છે અને છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી આપી છે. થાણેમાં આ અલર્ટ ચાર ઑક્ટોબરે પણ ચાલુ રહેશે.
દક્ષિણ મુંબઈમાં રાતના પણ ખાસ રાહત મળી ન હતી. કોલાબામાં લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૨ ડિગ્રી વધારે હતું, જ્યારે સાંતાક્રુઝમાં ૨૫.૭ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્યથી નજીક હતું.
ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત હજુ બાકી હોવા છતાં દિવસના તાપમાનમાં થયેલા તીવ્ર વધારાને કારણે મુંબઈગરાએ ભારે અકળામણનો અનુભવ કર્યો હતો. નોંધનીય છે કે આ અઠવાડિયાથી શરૂઆતમાં જ ચોમાસાની વિદાય સૂચવતા વરસાદી ઝાપટાનો અનુભવ પણ મુંબઈગરાએ કર્યો હતો. આ દરમ્યાન કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળા દ્વારા નોંધાયેલી સાપેક્ષ ભેજની માત્રા અનુક્રમે ૮૦ ટકા અને ૭૮ ટકા હતી.
ટ્રાન્ઝીન્શન પિરિયડ
હવામાનના નિષ્ણાતના જણાવ્યા મુજબ મુંબઈ ચોમાસા પછીના સંક્રમણકાળમાં પ્રવેશ્યું છે અને પવનની બદલાતી દિશા તાપમાનમાં વધારો કરવામાં ભાગ ભજવી રહી છે. અપેક્ષા મુજબ અને અગાઉની આગાહી મુજબ મજબૂત બનતા એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ દિશાના પવનો (જમીન પરથી આવતા પવનો)ને પ્રેરિત કરી રહ્યું છે. આનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય રીતે રહેતા મધ્યમ તાપમાનની અસર દબાઈ જાય છે અને સમગ્ર કોંકણ વિસ્તારના તાપમાનમાં વધારો થાય છે. વાસ્તવિક તાપમાન ૩૬-૩૭ ડિગ્રીની આસપાસ હોવા છતાં રહેવાસીઓને ગરમીનો અનુભવ ઘણો વધારે કર્યો હતો.
બોકસ
કોલાબામાં નોંધાયેલું ઊંચું તાપમાન
૨૦૨૫: ૩૫.૮ ડિગ્રી સેલ્સિયસ (૧૬)
૨૦૨૪: ૩૪.૯ ડિગ્રી સેલ્સિયસ (૨૫)
૨૦૨૩: ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ (૨૯)
૨૦૨૨: ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ (૩૧)
૨૦૨૧: ૩૪.૪ ડિગ્રી સેલ્સિયસ (૧૬)
૨૦૨૦: ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ (૧૦)
૨૦૧૯: ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ (૧૬)
૨૦૧૮: ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ (૩૦)
૨૦૧૭: ૩૬.૩ ડિગ્રી સેલ્સિયસ (૨૭)
૨૦૧૬: ૩૫.૨ ડિગ્રી સેલ્સિયસ (૨૮)
૨૦૧૫: ૩૬.૨ ડિગ્રી સેલ્સિયસ (૨૨)
૨૦૧૪: ૩૭ ડિગ્રી સેલ્સિયસ (૧૭)
૨૦૧૩: ૩૬.૨ ડિગ્રી સેલ્સિયસ (૨૦)