Tue Oct 06 2026

Logo

ફેશન પ્લસઃ ચોમાસામાં પરંપરા ને આધુનિકતાનો સંગમ બનીને પાછો આવ્યો છે હૅન્ડલૂમનો જલવો

2026-09-10 08:07:00
Author: Pratima Arora
ફેશન પ્લસઃ ચોમાસામાં પરંપરા ને આધુનિકતાનો સંગમ બનીને પાછો આવ્યો છે હૅન્ડલૂમનો જલવો

પ્રતિમા અરોરા

વરસાદનું પહેલું ટીપું પડતાં જ ફૅશનની દુનિયામાં ઘણા નવા રંગો અને રુઝાન જોવા મળે છે. આપણે ત્યાં મૌસમ પોતાની સાથે ઘણી નવી માગ લઈને આવે છે. ચોમાસાની સિઝન પણ એમાં અપવાદ નથી. આ વખતે ચોમાસામાં ફૅશનની દુનિયામાં ખૂબ જ દિલચસ્પ બદલાવ જોવા મળી રહ્યો છે. એ છે દરેક તરફ હૅન્ડલૂમની માગ. હૅન્ડલૂમ એટલે કે હાથથી બનાવવામાં આવેલાં કપડાંની ફૅશનની દુનિયામાં પાછી જોરદાર વાપસી થઈ રહી છે. જે ફક્ત પારંપરિક અને ઔપચારિક વસ્રો પૂરતા સીમિત માનવામાં આવતાં હૅન્ડલૂમ વસ્રો આજે યુવાઓના વોર્ડરોબમાં પ્રમુખ રીતે સજી રહ્યાં છે. 

ખાદી, લિનન, કૉટન અને વિવિધ ક્ષેત્રોમાં હાથથી ગૂંથેલાં કપડાં અને આધુનિક કટ્સ ડિઝાઇન રંગોની સાથે નવા અંદાજમાં સામે આવી રહ્યાં છે. ફૅશનના જાણકારોનું માનવું છે કે હૅન્ડલૂમની વાપસી ફક્ત ટ્રેન્ડ પૂરતી નથી, પરંતુ બદલાતી જીવનશૈલી અને ઉપભોકતા વિચારનું પરિણામ છે. હવે લોકો એવાં કપડાં પસંદ કરે છે જે આરામદાયક હોય, વાતાવરણને અનુકૂળ હોય અને પોતાની સંસ્કૃતિની ઓળખને પણ વ્યક્ત કરતાં હોય. 

કેમ વધી રહી છે માગ?

વરસાદમાં સિન્થેટિક કપડાં ચીપચીપાહટ અને અસહજતાનું કારણ બની જતાં હોય છે, જ્યારે કૉટન અને લિનન જેવાં હૅન્ડલૂમ આધારિત કપડાં ભેજને સારી રીતે શોષી લેતાં હોવાથી સુકૂન આપે છે. એ હલકાં હોય છે અને લાંબા સમય સુધી પહેરવામાં આવે તો પણ આરામ આપતાં હોય છે. આને કારણે જ ફૅશન ડિઝાઇનર આ સિઝનમાં ખાસ કરીને હૅન્ડલૂમ ફૅબ્રિકને પ્રાથમિકતા આપી રહ્યા છે. હવે આ કપડાંમાંથી ફક્ત સાડી કે કૂરતા જ નહીં જૅકેટ, કો-ઑર્ડ સેટ, ડ્રેસીસ, ટ્રાઉઝર, શર્ટ અને ઇન્ડો વેસ્ટર્ન પોશાક પણ બનાવવામાં આવે છે. 

પરિણામે યુવાનોમાં એના પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. એમાં સોશ્યલ મીડિયા અને ફૅશન ઇન્ફ્લ્યુઅન્સર્સની પણ મોટી ભૂમિકા છે. આજના યુવાનો એવાં કપડાં પસંદ કરે છે જેમાં ફૅશનની સાથે એક વાર્તા પણ હોય. તેમને એ જાણીને સારું લાગે છે કે તેમણે પહેરેલાં કપડાં કોઈ ગ્રામીણ વણકરની મહેનતથી બન્યાં છે. આમ ફૅશન એ ફક્ત દેખાડો જ કરવાનું માધ્યમ નથી, પરંતુ એ સામાજિક અને સાંસ્કૃતિક જોડાણનો એક હિસ્સો પણ બની જાય છે. એટલે આજના યુવાનો હૅન્ડલૂમ ખૂબ પસંદ કરી રહ્યા છે, કારણ કે તેમણે કપડાંની સાથે-સાથે એની સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ પણ પહેરવી છે. આ જ કારણ છે કે હૅન્ડલૂમ આજે સ્થિર ફૅશનની તરફ આગળ વધી રહ્યું છે.

ખાદી જે ક્યારેક સ્વતંત્રતા આંદોલનની સાદગી અને દેશી હોવાનું પ્રતીક હતી એ આજે ફૅશનનું પણ પ્રતીક બનતી જઈ રહી છે. આ જ કારણે આજે ખાદી રૅમ્પથી લઈને કૉર્પોરેટ ઑફિસ સુધી દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ડિઝાઇનરો ખાદીને આકર્ષક રંગો અને સમકાલીન ડિઝાઇનો સાથે પ્રસ્તુત કરી રહ્યા છે. પરિણામે ખાદી આજે ફક્ત કુરતા પૂરતી સીમિત નથી રહી પરંતુ એ હવે બ્લેઝર, ડ્રેસીસ, સ્કર્ટ અને ટ્રેન્ડી શર્ટમાં પણ જોવા મળી રહી છે. 

હૅન્ડલૂમની વધતી જતી લોકપ્રિયતા પાછળનું એક કારણ પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા પણ છે. દુનિયામાં ફૅશન ઉદ્યોગ પર પ્રદૂષણ વધારવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ હોય એવા વિકલ્પ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. હૅન્ડલૂમના ઉત્પાદનમાં ઓછી ઊર્જાની જરૂર પડતી હોવાથી એમાં વધારે મશીનોની જરૂરત નથી રહેતી. એનાથી કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય છે. આને કારણે જ ખાદીને સ્થિર ફૅશનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. એનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મદદ મળે છે. 

જો કોઈ વ્યક્તિ હૅન્ડલૂમનાં કપડાં ખરીદે તો એ ફક્ત કપડાં જ નથી ખરીદી રહી, પરંતુ દેશના લાખો વણકર પરિવારોના જીવનને પણ સમર્થન આપી રહી હોય છે. ભારતનો હૅન્ડલૂમ ઉદ્યોગ  ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો આધાર છે. એટલે બદલાતી ફૅશન પ્રાથમિકતાઓને કારણે વણકરોને નવો અવસર મળી રહ્યો છે અને હસ્તકલાને પણ સંરક્ષણ મળી રહ્યું છે.