Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં પહેલીવાર બનશે ભૂગર્ભ રોડ ટનલ! ટ્રાફિક હળવો કરવા માટે માટે હવે જમીનની નીચે 6 કિમી સુધીનો રસ્તો

2026-09-10 08:35:00
Author: Mumbai Samachar Team
અમદાવાદમાં પહેલીવાર બનશે ભૂગર્ભ રોડ ટનલ! ટ્રાફિક હળવો કરવા માટે માટે હવે જમીનની નીચે 6 કિમી સુધીનો રસ્તો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે હવે એક નવો પ્રયોગ શરૂ થવાનો છે. આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા વધે નહીં એને ધ્યાનમાં રાખીને ટનલ પ્રોજેક્ટ શરૂ થશે. અમદાવાદમાં પ્રથમવાર ભૂગર્ભ રોડ ટનલના નિર્માણ માટે ફિઝિબિલિટી સ્ટડી અને ડિટેઈડલ્ડ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. જેનો એક રિપોર્ટ તૈયાર થશે અને પછી કામ માટે નિર્ણય લેવામાં આવશે.આ માટે અમદાવાદ કોર્પોરેશને એક ગ્લોબલ એજન્સીની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં જો રોડ છે એમાં ટનલ માટેનો ફિઝિબિલિટી ટેસ્ટ થશે જેમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ કોરિડોરને જોડતા રોડ નેટવર્કને પ્રાથમિકતા આપવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં આ વિસ્તારને પ્રાથમિકતા
પ્રથમ તબક્કામાં કાલુપુર, રેલવે સ્ટેશન અને જૂના અમદાવાદને જોડતા હેરિટેજ સાઈટને ક્નેક્ટ કરતા રસ્તાનો સર્વે કરવામાં આવશે. એ પછી એરપોર્ટ, બુલેટ ટ્રેનના સ્ટેશન પરના રોડનો સર્વે કરાશે. ખાસ કરીને દરેક અવરજવર પર નજર રાખવામાં આવશે. એ પછી સાબરમતી નદી, રેલવે લાઈન તથા આઉટર રિંગરોડને લઈ સર્વે શરૂ કરાશે. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, અમદાવાદ શહેરની વસ્તી 80 લાખને વટાવી ગઈ છે. રોડ પર વાહનો વધી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર્સ અને રિક્ષાઓ વધી રહી છે.

ગ્રાઉન્ડ લેવલ પર રસ્તા પહોળા કરવાની પણ એક મર્યાદા હોય છે. આ પછી ટનલ પ્રોજેક્ટ ટ્રાફિકને ડાઈવર્ટ કરવા માટે જરૂરી છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે હેરિટેજ સાઈટની જાળવણી તથા જમીન પરના અન્ય અવરોધ મુખ્ય કારણ છે. પહેલા તબક્કામાં ઈસ્કોન ક્રોસિંગ, રાણીપ બકરા મંડી, મણિનગર રેલવે સ્ટેશન જેવા રેલવે ટ્રેક પર આવતા ક્રોસિંગ જ્યાં બ્રિજ બનાવવો શક્ય નથી ત્યાં ટનલ પ્રોજેક્ટ થઈ શકે છે. 

રોડમેપ આવો છે
આ સિવાય રૂટમાં આવતી અને કપાતમાં જતી કેટલીક સોસાયટીઓ પણ કપાઈ શકે છે. આ માટે સોસાયટીઓને પૈસા ચૂકવવા પડી શકે છે. આ ક્નેક્ટિંગ ટનલ હશે એટલે તેની લંબાઈ 1થી 3 કિમી સુધીની રહી શકે છે. ભારે ટ્રાફિક ધરાવતા 4થી 6 કોરિડોર પર ટનલ બને એવી શક્યતાઓ છે. આ માટે પહેલા સર્વે થયા બાદ કામ ચાલું થશે. હાલ વાહનો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની ગણતરી કરી, સોફ્ટવેર દ્વારા આગામી 30 વર્ષના ટ્રાફિક ભારણ અને ટનલની વાસ્તવિક જરૂરિયાતનું મૂલ્યાંકન કરાશે. LiDAR અને સેટેલાઇટ ટેક્નોલોજીથી થ્રીડી નકશો તૈયાર થશે.

ટનલમાં વાહનોના પ્રવેશવા અને બહાર નીકળવાના ચોક્કસ પોઇન્ટ્સ નક્કી કરાશે. ઊંડા બોર દ્વારા માટી-પથ્થરોના સેમ્પલ લઈને જમીનની વજન સહન કરવાની ક્ષમતા, પાણીનું સ્તર અને ખોદકામ વખતે ધસી પડવાના ભૌગોલિક જોખમો તપાસ કરાશે. ખોદકામમાં ગેસ, પાણી, ગટર, વીજળીની લાઇનો તૂટે નહીં તે માટે તેને શોધીને અન્યત્ર ખસેડવાનું આયોજન થશે.  આ કામગીરીથી ફેલાતો અવાજ, ધૂળ, ધ્રુજારી કે ઝાડ કાપવા પર નિયંત્રણ રાખવા જેવી બાબતોની તપાસ કરવામાં આવશે.