અંકિત દેસાઈ
જિંદગીની ભાગદોડમાં જ્યારે ચાળીસી વટાવ્યા પછી પચાસીનો પડાવ નજીક આવવા લાગે છે ત્યારે મોટાભાગના પુરુષોના મનમાં એક અજાણ્યો ભય અને ખાલીપો જગ્યા કરવા લાગે છે. વાળમાં ચાંદી જેવી સફેદાઈ, આંખોના ખૂણે ઊભરેલી કરચલીઓ અને સવારે ઊઠતી વખતે શરીરમાં અનુભવાતો સામાન્ય દુખાવો માત્ર ઉંમર વધવાનો સંકેત નથી હોતા, પણ એ વાતની યાદ અપાવે છે કે સમય ઝડપથી સરકી રહ્યો છે.
દાયકાઓ સુધી પરિવારની જવાબદારીઓ, નાણાકીય સ્થિરતા, કારકિર્દીનાં લક્ષ્યો અને સામાજિક પ્રતિષ્ઠા પાછળ દોડતો પુરુષ અચાનક એક એવા મોડ પર આવીને ઊભો રહી જાય છે જ્યાં તેને લાગે છે કે તેનો મુખ્ય રોલ હવે પૂરો થવા આવ્યો છે. વાસ્તવમાં યોગ્ય દૃષ્ટિકોણ કેળવવામાં આવે તો 40 કે 50 પછીનો સમયગાળો એ જિંદગીનો અંત નથી, પણ પોતાની શરતો પર જીવવાની એક સુંદર સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત છે.
ઉંમરના આ તબક્કે પુરુષોમાં આવતાં પરિવર્તનો માત્ર શારીરિક નથી હોતાં, પરંતુ ઊંડાં માનસિક અને મનોવૈજ્ઞાનિક પણ હોય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘એન્ડ્રોપોઝ’ અથવા ‘મિડ-લાઇફ ક્રાઇસિસ’ કહેવામાં આવે છે, તે સમયગાળામાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું સ્તર ઘટવાને કારણે ઉત્સાહમાં કમી, થાક, સ્વભાવમાં ચીડચીડાપણું અને અકારણ એન્ઝાયટી જેવા ફેરફારો જોવા મળે છે.
જે પુરુષ અત્યાર સુધી પરિવારનો મજબૂત સ્તંભ રહ્યો હોય તે અચાનક પોતાની જ અંદર એક પ્રકારની અસુરક્ષા અનુભવવા લાગે છે. સંતાનો પોતાના ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યા હોય અને કૉર્પોરેટ કે વ્યાવસાયિક જગતમાં નવી પેઢી સ્થાન લઈ રહી હોય ત્યારે પુરુષને પોતાનું મહત્ત્વ ઓછું થઈ રહ્યું હોવાનો ભ્રમ થાય છે. આ માનસિક તણાવ ઘણીવાર તેને એકલતા તરફ ધકેલે છે.
આ સંવેદનશીલ તબક્કાને પાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે સ્વીકાર અને આત્મ-સંવાદ. ગ્રેસફુલ એજિંગ એટલે કે સન્માનપૂર્વક ઉંમરને સ્વીકારવી એ કોઈ હાર માનવાની પ્રક્રિયા નથી, પરંતુ પોતાના અનુભવોની પરિપક્વતાને માણવાનો ઉત્સવ છે. પુરુષોએ એ વાત સમજવી જરૂરી છે કે યુવાનીનો જોશ અને પચાસીનો હોશ - આ બંનેની પોતાની અલગ સુંદરતા છે. ઉંમર વધવાની સાથે શરીરની મર્યાદાઓ બદલાય છે અને તેને સ્વીકારીને પોતાની લાઇફસ્ટાઇલમાં સકારાત્મક ફેરફારો કરવા એ જ ખરી સમજદારી છે.
સેક્ધડ ઇનિંગ્સને સમૃદ્ધ બનાવવા માટે શારીરિક સ્વાસ્થ્ય પહેલી શરત છે. ચાળીસી કે પચાસી પછી કસરત એ માત્ર વજન ઘટાડવા કે મસલ્સ બનાવવા માટે નથી હોતી, પરંતુ હાડકાંની મજબૂતી, હૃદયની કાર્યક્ષમતા અને માનસિક તાજગી માટે અનિવાર્ય બની જાય છે. રોજિંદો વૉક, યોગ, પ્રાણાયામ અને સંતુલિત આહાર પુરુષને ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાની આદત કેળવવી જોઈએ જેથી વધતી ઉંમર સાથે આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓને સમયસર નિયંત્રિત કરી શકાય.
શરીરની સાથે મનનું સક્રિય રહેવું પણ એટલું જ જરૂરી છે. જીવનના પૂર્વાર્ધમાં જે સપનાંઓ, શોખ કે પેશન્સ કામ અને જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયાં હતાં તેમને પુનજીર્ર્વિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.વાંચન, લેખન, સંગીત, ફોટોગ્રાફી, બાગાયત કે પછી પ્રકૃતિના ખોળે મુસાફરી- આ બધું જ મનને એક નવો ઉત્સાહ પૂરો પાડે છે. સામાજિક કાર્યો કે કમ્યુનિટી સર્વિસમાં જોડાઈને પોતાના જ્ઞાન અને અનુભવનો સમાજ માટે ઉપયોગ કરવો એ પણ એક અદ્ભુત આત્મસંતોષ આપે છે. જ્યારે પુરુષ કોઈ નવા લક્ષ્ય સાથે જોડાય છે ત્યારે નિવૃત્તિનો ભય આપોઆપ ગાયબ થઈ જાય છે.
કૌટુંબિક અને સામાજિક સંબંધોના સંદર્ભમાં પણ આ તબક્કો પુન:મૂલ્યાંકનનો છે. વર્ષોની દોડધામમાં જે સંબંધોને પૂરતો સમય નહોતો આપી શકાયો, તેમને ફરીથી તાજા કરવાનો આ મોકો છે. જીવનસાથી સાથેનો સંબંધ હવે માત્ર જવાબદારીઓ નિભાવવાનો નથી રહેતો, પણ એકબીજાના સહારા અને સાચા મિત્ર બનવાનો બની જાય છે. સંતાનો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવો અને તેમના નિર્ણયોમાં માર્ગદર્શક બનવું, પણ તેમના પર પોતાના વિચારો ન થોપવા, એ આ ઉંમરની પરિપક્વતા દર્શાવે છે.પોતાના જૂના મિત્રો સાથે ફરી સંપર્ક સ્થાપવો અનેઅનૌપચારિક ગપશપ માટે સમય ફાળવવો એ માનસિક સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન સાબિત થાય છે.
છેવટે ગ્રેસફુલ એજિંગ એ બહારથી સુંદર દેખાવાની કળા નથી, પરંતુ અંદરથી શાંત અને સંતોષી રહેવાની માનસિકતા છે. ઉંમરનો દરેક આંકડો પોતાની સાથે અનુભવનું ભાથું લઈને આવે છે. પચાસી કે સાઠીનો પુરુષ જો પોતાના અનુભવને બોજ માનવાને બદલે સંપત્તિ માને તો તે પોતાના પરિવાર અને સમાજ માટે પ્રેરણાસ્રોત બની શકે છે. જિંદગીના આ બીજા અધ્યાયને ભય કે અસુરક્ષાથી નહીં પણ આત્મવિશ્વાસ, ગંભીરતા અને હળવાશથી જીવવો જોઈએ. જ્યારે તમે ઉંમરને એક સત્ય તરીકે સ્વીકારીને દરેક ક્ષણને માણવાનું શરૂ કરો છો ત્યારે વધતી ઉંમર તમને વૃદ્ધ નથી બનાવતી, પરંતુ વધુ સમૃદ્ધ બનાવે છે.