Thu Oct 01 2026

Logo

રાજકોટની ધર્મેન્દ્ર કૉલેજના પ્રિન્સિપાલની હાકલપટ્ટી, યુદ્ધના ધોરણએ દૂર કરાયા જાણો કોને મળી મોટી જવાબદારી

2026-09-29 22:51:14
Author: Mumbai Samachar Team
રાજકોટની ધર્મેન્દ્ર કૉલેજના પ્રિન્સિપાલની હાકલપટ્ટી, યુદ્ધના ધોરણએ દૂર કરાયા જાણો કોને મળી મોટી જવાબદારી

રાજકોટ: રાજકોટની આઝાદી પૂર્વેની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ (Rajkot DH College Principal) સરકારી કોલેજના પ્રિન્સિપાલ પરેશકુમાર નવતમલાલ રાવલ સામે રાજ્ય શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી, એમની સામે કાયદેસરના પગલાં લીધા છે. સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિ સહિતના ગંભીર આક્ષેપોની લાંબી તપાસ બાદ આખરે એમની સામે પગલાં લેવામાં આવ્યા છે. સરકારી સેવામાંથી હાકલપટ્ટી કરવામાં આવી છે. 

શિક્ષણજગતમાં પડઘા પડ્યા
આ સમગ્ર કાર્યવાહીના રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના શિક્ષણજગતમાં ઊંડા પડધા પડ્યા છે.  આ કાર્યવાહીના પગલે પરેશ રાવલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રાજકોટની AMP લો કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કમલેશ બુદ્ધભટ્ટીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્યનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ માટે જરૂરી સૂચનો પણ એમને આપી દેવામાં આવ્યા છે જ્યારે પ્રિન્સિપાલ રાવલ સામે હજું પણ કેટલાક સવાલ શિક્ષણની લોબીમાં ચર્ચામાં છે. આ સમગ્ર કેસમાં મૂળ મુદ્દો રાવલની અગાઉની કેટલીક કામગીરીને લઈને છે. કાર્યવાહીનો સંબંધ પરેશ રાવલની અગાઉની ફરજ સાથે છે. તેઓ તા. 5 ઓગસ્ટ 2011થી 14 ડિસેમ્બર 2018 દરમિયાન કચ્છની રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા ભુજની આર.આર. લાલન કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. બીજી તરફ રાજકોટમાં આવેલી આ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે હતા. 

ગ્રાન્ટ ઉપયોગમાં નિયમનો ભંગ
આ સમયગાળા દરમિયાન સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં નિયમોના ભંગ, નાણાકીય પ્રક્રિયાઓનું પાલન ન કરવા અને સરકારી નાણાંના વ્યવહારમાં અનિયમિતતા સહિતના છ ગંભીર આરોપો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં એમનો હાથ હોવાની કેટલીક વિગત મળી  હતી જ્યારે તપાસમાં કેટલીક ખૂટતી કડી શિક્ષણ વિભાગમાંથી જ મળતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.  તપાસમાં સત્તાનો દુરુપયોગ અને નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોના ભંગ અંગેના મુદ્દાઓ સામે આવ્યા હોવાનું શિક્ષણ વિભાગના આદેશમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને ડંકા ગાંધીનગર સુધી પડ્યા છે. મુદ્દો એવો પણ છે કે વર્ષ 2016માં મળેલી RUSA (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની ₹50 લાખની ગ્રાન્ટ સાથે જોડાયેલો છે. શિક્ષણ વિભાગીય તપાસ મુજબ, ખર્ચ માટે જરૂરી પ્રક્રિયા અનુસર્યા વિના વિવિધ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેના આધારે ₹25,36,772નો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

દસ્તાવેજ ગુમ?
આ ઉપરાંત ભુજ ખાતેની ફરજ દરમિયાન સરકારી હિસાબોમાં અનિયમિતતા અને મહત્વના દસ્તાવેજોના સંચાલનમાં બેદરકારી અંગે પણ તપાસમાં નોંધ લેવાઈ હતી. ક્યા દસ્તાવેજ છે અને ક્યા વિષયને લઈને છે એ હજું સામે આવ્યું નથી પણ શિક્ષણ સંબંધિત મુદ્દાઓ હોવાનું નજીકના સૂત્રોનું કહેવું છે. વહીવટી અને નાણાકીય રેકોર્ડ જાળવવામાં પણ ગંભીર ખામીઓ સામે આવી હતી. આમાં ડેડસ્ટોક રજિસ્ટર અને કેશબુક ન લખવી, PLA વાઉચર્સ તથા અન્ય રેકોર્ડ ગુમ થવા અને પસ્તીના વેચાણમાંથી મળેલી રકમ સરકારી ચલણ મારફતે જમા ન કરાવવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખરીદી અને અન્ય કામગીરીમાં સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગની ખરીદ નીતિ તથા સમયાંતરે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન થયું હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાંથી આ વિગત જ્યારે સામે આવી એ સમયે તપાસ કમિટીએ ગાંધીનગર સુધી રિપોર્ટ કર્યો હતો.