(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્સોવામાં મ્હાડા કોલીનીમાંં ફાયર-સ્ટેશન માટે રિઝર્વ રહેલા પ્લોટનું રિઝર્વેશન રદ કરીને તેને રહેણાંક વિસ્તારમાં રૂપાંતરિત કરવા સામે સ્થાનિક વિધાનસભ્ય અને મુંબઈ ભાજપ અધ્યક્ષે વિરોધ દર્શાવ્યો છે અને તેને લઈને મુંબઈના મેયર સહિત પાલિકા કમિશનરને તેમણે પત્ર લખ્યો છે. આ પ્લોટ પર ફાયર સ્ટેશનની આવશ્યકતા ન હોવાની ભલામણ કરનારા ફાયર વિભાગના અધિકારીની તપાસ કરવાની માગણી પણ તેમણે કરી છે.
ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૪માં વર્સોવાનો ૧,૧૪૩ સ્કવેર મીટરનો પ્લોટ ફાયર સ્ટેશન માટે તો ૨,૨૯૬ ચોરસ મીટરનો પ્લોટ પાલિકાની ચોકી માટે અનામત રાખવામાં આવી છે ત્યારે આ અનામત રદ કરીને પ્લોટનો ઉપયોગ રહેણાંક માટે કરવાનો પ્રસ્તાવ પાલિકા પ્રશાસન સુધાર સમિતિમાં લાવી હતી. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયમાં થયેલી સુધાર સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવને ફેરવિચારણા માટે પ્રશાસન પાસે પાછો મોકલવામાં આવ્યો હતો.
વર્સોવામાં અલગથી ફાયર સ્ટેશનની આવશ્યકતા છે ત્યારે પ્લોટનું આરક્ષણ રદ કરવાનો નિર્ણય કોની માગણીને આધારે કરવામાં આવ્યો હોવાનો સવાલ ભાજપના મુંબઈ પ્રમુખે અમિત સાટમે કર્યો છે. અંબિવલી અને વર્સોવામાં ફાયર બિગ્રેડને પહોંચવામાં અડધો કલાકથી પણ વધુ સમય લાગે છે તેથી આ વિસ્તારમાં ફાયરબિગ્રેડની આવશ્યકતા હોવાનું ભાજપના નગરસેવકો અગાઉ કહી ચૂકયા છે ત્યારે મુંબઈ ભાજપ અધ્યક્ષ મેયર રિતુ તાવડે અને પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે વર્સોવા, લોખંડવાલા, ઓશિવરા અને સાત બંગલામાં મોટા પ્રમાણમાં રિડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે. હાઈરાઈઝ ઈમારતનું પ્રમાણ વધી રહ્યું છે છતાં આ પરિસરમાં કે તેની નજીક ફાયરબિગ્રેડનું સ્ટેશન નથી.
નોંધનીય છે કે ફાયરસ્ટેશનનું આરક્ષણ રદ કરવામાં આવ્યું તો ઈમર્જન્સીમાં આ પરિસરની સુરક્ષા જોખમમાં આવી શકે છે. અહીં નજીકમાં નજીક ફાયર સ્ટેશન ગોરેગામ અને અંધેરીના ઈર્લા પુલ પાસે છે. ચિત્રકૂટ મેદાનમાં ફાયર સ્ટેશન ઊભું કરવા માટે છેલ્લાં અનેક વર્ષોથી સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે તેવામાં પાલિકા અહીં ફાયર સ્ટેશન ઊભું કરવામાં સતત નિષ્ફળ ગઈ છે ત્યારે આવી પરિસ્થિતિમાં વર્સોવામાં ફાયર સ્ટેશનના આરક્ષણને રદ કરવાનો નિર્ણય જોખમી બની શકે છે એવો દાવો પણ મુંબઈ ભાજપ અધ્યક્ષે કર્યો હતો.
ફાયર સ્ટેશન માટેનું આરક્ષણ રદ કરવાની ભલામણ કરનારા ફાયર બિગ્રેડના અધિકારીની તપાસની માગણી પણ મુંબઈ ભાજપ અધ્યક્ષે કરી છે. તેમ જ અધિકારી કોના પ્રભાવ હેઠળ આ પ્રસ્તાવ લાવ્યા છે અને તેમ જ તેના પ્રસ્તાવને સમર્થન આપવા માટે કયા આંકડા ઉપલબ્ધ છે તેની તપાસ કરવાની પણ માગણી કરવામાં આવી છે.