દુબઈઃ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે (આઈઆરજીસી)એ તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકાના દાવાઓને ફગાવ્યા હતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જૂઠા ગણાવ્યા હતા.
મીડિયાના અહેવાલ અનુસાર, આઈઆરજીસીના પ્રવક્તા હોસૈન મોહેબ્બીએ કહ્યું હતું કે "દુશ્મન જાણે છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માંગતું નથી. ઈરાન સાથેનો તેમનો મુદ્દો તેનો પરમાણુ કાર્યક્રમ નથી પરંતુ તેની શક્તિ અને વિસ્તાર છે જેને તે સમાપ્ત કરવા માંગે છે."
ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહીના કારણોમાંથી એક વિશે જણાવ્યું હતું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર બનાવી શકશે નહીં તેની ખાતરી કરવાની જરૂરિયાત હતી. મોહેબ્બીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની નવી યોજના પર વોશિંગ્ટન તરફથી ઔપચારિક જવાબની રાહ જોઈ રહ્યું છે.
મોહબ્બીએ અમેરિકાના એ દાવાઓને પડકાર્યા હતા જેમાં હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો દબદબો ઓછો થઈ ગયો છે. આઈઆરજીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે "હકીકત એ છે કે અમેરિકા વધુ ખર્ચ, ખૂબ મુશ્કેલીઓ અને ભારે જોખમ ઉઠાવીને અંધારામાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ નાનું જહાજ કાઢીને 100 અથવા 200 બેરલ તેલની નિકાસ કરવામાં સફળ થાય છે તો તેનો અર્થ એ નથી કે સ્ટ્રેટ ખુલ્લું છે."
કેપ્લરના આંકડાઓ અનુસાર, આ રસ્તા પરથી તેલના નિકાસમાં સુધારો થયો છે જે જલદી દરરોજ લગભગ 1 કરોડ બેરલ સુધી પહોંચવાની તૈયારીમાં છે.