કાકામીગાહારા (જાપાન): ભારતની મેન્સ હૉકી ટીમે અહીં રવિવારે એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયાની ટીમને 13-1થી પરાજિત કરીને પૂલ-એમાં ધમાકેદાર આરંભ કર્યો છે. દિલપ્રીત સિંહ નામના સ્ટ્રાઇકરે ચાર ગોલ કરીને સૌના દિલ જીતી લીધા હતા. તેની ખાસિયત એ હતી કે તેનો એકેય ગોલ (Goal) કૉર્નરમાં નહોતો મળ્યો, પરંતુ ચારેય ગોલ ફીલ્ડ ગોલ હતા.
દિલપ્રીત (Dilpreet)એ 18, 19, 37 અને 39મી મિનિટમાં ગોલ કર્યા હતા. શિલાનંદ લાકરાએ બે ગોલ છઠ્ઠી તથા 35મી મિનિટમાં અને સુખજિત સિંહે બે ગોલ 38મી અને 48મી મિનિટમાં કર્યા હતા. અન્ય ગોલકર્તાઓમાં અભિષેક, રાજિન્દર, મનદીપ સિંહ, કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને જુગરાજ સિંહનો સમાવેશ હતો.
ઇન્ડોનેશિયા વતી એકમાત્ર ગોલ ઑઉલિયા અલ આર્ધે 33મી મિનિટમાં કર્યો હતો. જોકે એ સિવાય ઇન્ડોનેશિયાના ખેલાડીઓ ભારતનું મજબૂત ડિફેન્સ નહોતા તોડી શક્યા.
હવે ભારતીય મેન્સ ટીમનો મંગળવારે શ્રીલંકા સામે મુકાબલો છે. દિલપ્રીતે ઇન્ડોનેશિયા સામેની મૅચ પછી કહ્યું, `અમે જબરદસ્ત ટીમ-વર્કથી રમ્યા. મેદાન પર અમે એકબીજાને બહુ સારી મદદ કરી રહ્યા છીએ. આ રમતોત્સવની તમામ ટીમો સક્ષમ છે એટલે અમે કોઈ પણ હરીફને હળવાશથી નહીં લઈએ.'