(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈથી થાણે વચ્ચેનો પ્રવાસ ફક્ત ૨૫થી ૩૦ મિનિટમાં પૂરો કરી શકાય તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મુંબઈના ૧૩.૯ કિલોમીટર લાંબા અને છ-લેનના એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રીવે એક્સટેન્શનનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે, જેમાં સોમવારે વ્યસ્ત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર નીચે વાહનવ્યવહાર ચાલુ હતો અને ત્યારે ઉપર પ્રીકાસ્ટ સેગમેન્ટ્સનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
ભાંડુપ પમ્પિંગ સ્ટેશન નજીક ૯૦ ટનથી વધુ વજનનો પહેલો સેગમેન્ટ પી-૭૮ પિયર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ માટે ૧૧૫ મીટર લાંબી મિકેનિકલ લોન્ચિંગ ગૅન્ટ્રી-૦૧ (એલજી-૦૧) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તબક્કાના કામ સાથે પ્રોજેક્ટના સુપરસ્ટ્રક્ચરનું બાંધકામ શરૂ થયું છે.એમએમઆરડીએના જણાવ્યા મુજબ મિકેનિકલ ગૅન્ટ્રીને કારણે ભારે પ્રિકાસ્ટ સેગમેન્ટને ઓછામાં ઓછા ગ્રાઉન્ડ સપોર્ટ સાથે ઉપાડવા, ખસેડવા અને બેસાડવું શકય બનેે છે, જેનાથી ટ્રાફિકમાં વિક્ષેપ ઓછો થાય છે. ગૅન્ટ્રીનું બાંધકામ પહેલાં સ્વતંત્ર થર્ડ પાર્ટી પક્ષ દ્વારા જરૂરી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પહેલી ગૅન્ટ્રી એલજી-૦૧ મુંબઈની દિશામાં તબક્કાવાર ૧,૬૩૨ પ્રીકાસ્ટ સેગમેન્ટ ઊભા કરશે, જે સંપૂર્ણ બ્રિજ સ્પાન બનાવવા માટે રેખાંશમાં પોસ્ટ-ટેન્શન હશે. બીજી ગૅન્ટ્રી એલજી-૦૨ વિક્રોલીથી મુંબઈ તરફ આગળ વધશેે, જ્યારે ગ્રાઉન્ડ સપોર્ટ સિસ્ટમ થાણે તરફ ભાંડુપ અને કાંજુરમાર્ગ વચ્ચે કામ કરશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૮૧ ટકા મોનોપાઇલ્સ, ૧૯ ટકા ગ્રુપ પાઇલ્સ, ૫૧ ટકા પિયર્સ, ૩૩ ટકા પિયર કેપ્સનું કામ પૂર્ણ, ૩,૭૩૨ પ્રીકાસ્ટ સેગમેન્ટમાંથી ૧૩૫નું કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે.
ઈસ્ટર્ન ફ્રી વેના આ એક્સેટન્શન રોડને પગલે થાણેના આનંદ નગરથી ઘાટકોપરના છેડા નગર વચ્ચેનો પ્રવાસ ઝડપી બનશે, જેમાં મુલુંડ, ઐરોલી, ભાંડુપ, વિક્રોલી, કાંજુરમાર્ગ, માનખુર્દ અને ઘાટકોપરનો પણ સમાવેશ થશે. એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા પછી, દક્ષિણ મુંબઈ અને થાણે વચ્ચેની મુસાફરી ફક્ત ૨૫-૩૦ મિનિટમાં પૂર્ણ થશે. આનાથી ઇસ્ટર્ન એક્સપ્રેસવે પર ટ્રાફિકની ભીડ ઓછી થશે, મુસાફરી ઝડપી બનશે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે. ઇસ્ટર્ન એક્સપ્રેસવે મુંબઈના સૌથી વ્યસ્ત રૂટમાંનો એક છે. મુંબઈનો નવો હાઇ-સ્પીડ કોરિડોર તેની ઉપર આકાર લઈ રહ્યો છે, જેનાથી આ રૂટ પર ટ્રાફિક ચાલુ રહેશે.