Mon Oct 05 2026

Logo

ઈરાનનું ચલણ ઐતિહાસિક નીચલા સ્તરે, એક ડોલરની કિંમત 25 લાખ રિયાલ

Tehran   2026-09-29 20:14:04
Author: Chandrakant Kanoja
ઈરાનનું ચલણ ઐતિહાસિક નીચલા સ્તરે, એક ડોલરની કિંમત 25 લાખ રિયાલ

તહેરાન: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઇરાનના ચલણ રિયાલનું ડોલર સામે સતત અવમૂલ્યન થઇ રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ તહેરાનમાં એક અમેરિકન ડોલર સામે 25 લાખ રિયાલ ચૂકવવા પડ્યા હતા. જે સ્પષ્ટ કરે છે અમેરિકા અને ઈરાન વચ્ચેના  યુદ્ધના ઈરાનના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. 

ઈરાની ચલણમાં અવમૂલ્યન ગતિ અત્યંત ચિંતાજનક

ઈરાની ચલણમાં અવમૂલ્યન ગતિ અત્યંત ચિંતાજનક છે. આ અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ રિયાલનો ભાવ ઘટીને પ્રતિ ડોલર 22 લાખ રિયાલના સ્તરે પહોંચ્યો હતો.જે તે સમયે સૌથી નીચો આંકડો માનવામાં આવતો હતો. જોકે, માત્ર 27 દિવસમાં જ આ ચલણે વધુ એક ન્યૂનતમ સ્તરનો રેકોર્ડ બનાવ્યો છે.

ઈરાનની અર્થવ્યવસ્થા ભારે દબાણ હેઠળ 

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે  ઈરાની ચલણ સતત નવા નીચલા સ્તરે પહોંચી રહ્યું છે. આ ઐતિહાસિક ઘટાડો એવા સમયે થયો છે જ્યારે કઠોર પ્રતિબંધો, વેપાર અવરોધો અને સંઘર્ષને કારણે સર્જાયેલા પ્રાદેશિક તણાવને લીધે ઈરાનની અર્થવ્યવસ્થા ભારે દબાણ હેઠળ છે.

 અમેરિકા સાથેની પરોક્ષ વાતચીત અંતિમ તબક્કામાં 

ઇરાનમાં આર્થિક ઉથલપાથલ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું એક મહત્વપૂર્ણ નિવેદન  આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સાથેની પરોક્ષ વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ફરીથી ખોલવાનું છે.

કતાર ટૂંક સમયમાં  અમેરિકા સાથે  વાતચીત શરૂ કરશે

અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર કતાર મધ્યસ્થીઓ ટૂંક સમયમાં જ અમેરિકા સાથે આ મુદ્દે ફરીથી વાતચીત શરૂ કરશે. તેમણે કહ્યું કે ભવિષ્યની રણનીતિ અંગેનો નિર્ણય અમેરિકાનો પ્રતિસાદ મળ્યા બાદ જ  ઈરાન દ્વારા લેવામાં આવશે.

સંઘર્ષ હજુ સુધી ચાલુ

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના મુખ્ય સહયોગીઓ માને છે કે ઈરાનની અર્થવ્યવસ્થા યુદ્ધના આ ભારે દબાણને લાંબા સમય સુધી સહન કરી શકશે નહીં.  અમેરિકી રાષ્ટ્રપતિને અપેક્ષા હતી કે આ સંઘર્ષ થોડા અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે પરંતુ સંઘર્ષ હજુ સુધી ચાલુ છે.