કઠુઆઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં બસૌલીમાં CISF કેમ્પમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વર્ષ 2009ની બેચના એક હેડ કોન્સ્ટેબલ HC આવદેશ કુમારે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ચાર જવાનના મોત નીપજ્યા હતા. આ ફાયરિંગ પાછળનું કારણ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ સમગ્ર કેસની તપાસ ચાલુ છે. CISF હેડક્વાર્ટરમાંથી કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. ડીજી સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોનિટરિંગ કરી રહ્યા છે.
આ ઘટના સામે આવતા સમગ્ર CISF કેમ્પમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં સમગ્ર ઘટનાને અંદરોઅંદરના ડખા તરીકે જોવામાં આવતી હતી. કઠુઆ પોલીસે સમગ્ર પરિસરમાં તપાસ શરૂ કરી દીધી હતી. કઠુઆ પોલીસે આ કેસમાં જે તે વિભાગને વિગતવાર જાણ કરીને કાયદેસરના પગલાં લેવાની વાત કહી છે.
ચાર મૃતકોમાં CISF આસિસ્ટંટ કમાન્ડન્ટ રેંક અધિકારીનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, ડ્યૂટી ચેન્જ કરતી વખતે થયેલી બોલાચાલીના કારણે જવાન એકબીજાની સામસામે આવી ગયા હતા. મામલો એટલો વણસ્યો હતો કે, સામસામે ફાયરિંગ કરી દીધું હતું.

આ સમગ્ર વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની છે એ હિમાચલ પ્રદેશની બોર્ડરથી નજીક છે. આ બોર્ડર હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં ક્નેક્ટ થાય છે. મૃતકની ઓળખ આસિસ્ટન્ટ અંકિતકુમાર પાંડે તરીકે થઈ છે. આ સિવાય સબ ઈન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ, કોન્સ્ટેબલ સંજીવ કુમાર તથા મોહમ્મદ રફીકનું પણ મૃત્યુ નીપજ્યું છે.
HC અવદેશ કુમારે પોતાના સાથી ચાર વ્યક્તિઓ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં આ લોકોનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. એક પછી એક એમ ચાર ફાયરિંગ થયા છે. મશકા સેવા પ્રોજેક્ટમાં ડ્યૂટી પર રહેલા જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. સાથી જવાનો પર ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ અભિદેશ સિંહ તરીકે પણ થઈ છે.