(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, નવી મુંબઈ, થાણે સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મંગળવારે મોડી સાંજે ઝરમર વરસાદ વરસી પડયો હતો, તેને પગલે ઑફિસેથી ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરા ભીંજાઈ ગયા હતા. અચાનક આવી પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી જતા ગરમી અને ઉકળાટથી થોડી રાહત મળી હતી. મુંબઈના અમુક વિસ્તારમાં અચાનક આવી પડેલા વરસાદના ઝાપટાને પગલે પાણી ભરાઈ ગયા હતા. વરસાદની સાથે જ ભારે પવન ફૂંકાવાને પગલે સાંજના સમયે મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ શકય ન બનતા આઠેક જેટલી ફ્લાઈટને સુરત ડાઈવર્ટ કરવામાં આવી હોવાના પણ અહેવાલ આવ્યા હતા.
મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં એકાદ-બે દિવસને બાદ કરતા લગભગ આખો મહિનો કોરો ગયો છે. ગણેશોત્સવના આગલા દિવસે મુંબઈ સહિતના મેટ્રોપોલિટન રિજનમાં ભારે વરસાદ પડી ગયા બાદ વરસાદ ગાયબ થઈ ગયો હતો. આ દરમ્યાન ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રમાંથી પાંચમી ઑક્ટોબરના ચોમાસું વિદાય લેશે એવી શકયતા વ્યક્ત કરી છે, તો મુંબઈમાંથી ઑક્ટોબરના પહેલા અઠવાડિયા એટલે કે લગભગ આઠ ઑક્ટોબરની આસપાસ ચોમાસું વિદાય લે એવી શકયતા છે.
સામાન્ય રીતે ચોમાસાની વિદાય પહેલા વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી જતો હોય છે. જોકે, આ વર્ષે અલ નિનોની અસર હેઠળ ચોમાસું નબળું રહ્યું હોવાથી ચોમાસાની વિદાય પહેલાનો વીજળીના ગડગડાટ સાથેના વરસાદ પડવાની શકયતા ઓછી જણાઈ રહી છે, છતાં ઝરમર વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. તે મુજબ મંગળવારે સાંજે મુંબઈમાં કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, અંધેરી, બોરીવલી સહિત દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં સાંજના સાત વાગ્યા બાદ વરસાદ પડવાનું શરૂ થયું હતું. એ સિવાય થાણે, નવી મુંબઈ, પનવેલ સહિતના અનેક વિસ્તારોમાં સાંજ બાદ પવન ફૂંકાવાની સાથે જ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે મંગળવારથી ચાર દિવસ સુધી મુંબઈમાં ઝરમર વરસાદ પડવાની શકયતા -વ્યક્ત કરી છે.
મુંબઈમાં આખો દિવસ ગરમી અને ઉકળાટ સાથે તડકો રહ્યો હતો. જોકે હવામાન વિભાગે સાંજના અચાનક સાત વાગે મુંબઈમાં ત્રણ કલાક માટે વીજળીના ચમકારા સાથે વરસાદના ઝાપટાં અને કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી હતી. તે મુજબ સાત વાગ્યા બાદ અચાનક વરસાદના ઝાપટાં વરસી ગયા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ સાંજના અચાનક આવી પડેલા વરસાદને પગલે મુંબઈના અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ આવી હતી, જેમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતા થોડા સમય માટે તેને બંધ કરવો પડયો હતો. જોકે, થોડા સમયમાં જ પાણી ઓસરી જતા તેને ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
AI