નીલા સંઘવી
જે માતા-પિતાએ સંતાનને જન્મ આપ્યો, ઉછેર્યાં, શિક્ષિત કર્યાં, સંતાન માટે ભારે જહેમત ઉઠાવી પોતે ભૂખ્યા રહીને પણ સંતાનને ખવડાવ્યું એ જ માતા-પિતા જયારે વૃદ્ધ થઈ જાય, અશક્ત થઈ જાય ત્યારે સાચવવાની સંતાનની જવાબદારી બને છે, સંતાન જ્યારે નાનું હોય ત્યારે માતા-પિતા તેની દરેક જરૂરિયાત પૂર્ણ કરે છે. એ જ રીતે માતા-પિતા અશક્ત થાય ત્યારે સંતાનોએ પણ તેમની દરેક જરૂરિયાત પૂર્ણ કરવાની ફરજ બને છે.
જોકે ઘણીવાર સંતાનો આ ફરજ ચૂકી જાય છે. સંતાનો ફરજ ચૂકે ત્યારે સરકારે કડક કાયદા બનાવવાની જરૂર પડે છે, જેથી કાયદાના ડરે પણ સંતાનો માતા-પિતાની દેખભાળ કરે. જોકે કાયદાના ડરથી મા-બાપને સાચવવાં પડે એ પરિસ્થિતિ પણ જરાય આવકારદાયક નથી, છતાં `ન મામા કરતાં કાણો મામો સારો' એમ સમજીને પરિસ્થિતિને સ્વીકારવી જ રહી. પોતાની જાતે જ પ્રેમથી, પોતાની ફરજ સમજીને જે રીતે મા-બાપે પોતાને ઉછર્યાં છે એ જ રીતે વૃદ્ધાવસ્થામાં મા-બાપને સાચવવામાં આવે આદર્શ સ્થિતિ છે, પણ જ્યારે આદર્શ અસ્તિત્વમાં ન હોય ત્યારે કાયદા દ્વારા ફરજિયાતપણે પણ માતા-પિતાને સાચવવાં પડે એવી સ્થિતિ ન છૂટકે પણ અપનાવવી પડે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ માતા-પિતાની સુરક્ષા માટે કૅબિનેટે એક નવો કાયદો બનાવ્યો, જે દરેક મા-બાપ અને ખાસ કરીને દરેક સંતાને જાણવા જેવો છે.
આ કાયદા અનુસાર જો સંતાનો માતા-પિતાની સંભાળ ન રાખે, તેમની જરૂરિયાતોનું ધ્યાન ન રાખે તો માતા-પિતા પોતાનાં સંતાનો પોતાની પ્રૉપર્ટીમાંથી બેદખલ કરી શકશે. જો સંતાનો હેરાન કરતાં હોય, સંભાળ રાખતાં ન હોય તો વરિષ્ઠ નાગરિકો આગામી થોડા સમયમાં સરકાર દ્વારા જાહેર થનારા ટોલ ફ્રી હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકશે.
કૅબિનેટ દ્વારા મંજૂર કરાવેલા સુધારાને કાયદા તરીકે અમલમાં મૂકવા માટે વિધાનસભામાં પસાર થયા પછી એને રાજ્યપાલની સંમતિની જરૂર પડશે એમ છતાં યોગી સરકારનો આ પ્રયાસ વરિષ્ઠ નાગરિક માટે વૃદ્ધાવસ્થાને સરળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
નવી જોગવાઈઓ અને આ કાયદા હેઠળ માતા-પિતા તેમનાં બાળકોને તેમની મિલકતમાંથી બેદખલ કરવાની પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે. જો કોઈ વરિષ્ઠ નાગરિકનાં સંતાનો અથવા અન્ય આશ્રિત સંબંધીઓ તેમનું ભરણપોષણ કરતાં નથી અથવા તેમની સાથે કોઈ પણ રીતે દુર્વ્યવહાર કરે છે તો પીડિત વરિષ્ઠ નાગરિક તેમને પોતાની મિલકતમાંથી બેદખલ કરી શકશે. આવા કાયદાને કારણે પરિવારના સભ્યો તેમનાં માતા-પિતાની સંભાળ રાખવા અને આદર-માન-સન્માન આપવા પ્રોત્સાહિત થશે.
વરિષ્ઠ નાગરિકો આ યોજનાના લાભ સરળતાથી મેળવી શકે એ માટે સંતાનોને પોતાની મિલકતમાં થી બેદખલ કરવાની પ્રક્રિયાને સ્પષ્ટ અને સમયબદ્ધ બનાવવા પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકોને સહાય કરવા માટે સરકાર ટૂંક સમયમાં જ ટોલ ફ્રી નંબર જાહેર કરશે.
નવી જોગવાઈઓ અનુસાર આવા કિસ્સાઓમાં ફરિયાદ જિલ્લા મૅજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવી શકાય છે. આ અધિકારીઓએ આવા તમામ કેસોનો માસિક અહેવાલ સરકારને સુપરત કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. ફરિયાદોની સુનાવણી 30 દિવસની અંદર કરવામાં આવશે. આના કારણે વરિષ્ઠ નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે.
આવા કાયદાઓની તાતી અને તાત્કાલિક જરૂર છે. જોકે આવા કાયદા અમલમાં મૂકવાની જરૂર પડે એ ખરેખર દુ:ખદ પરિસ્થિતિ છે, પણ શું થઈ શકે? જમાનો બદલાયો છે. વૃદ્ધ માતા-પિતાને `ડસ્ટબીન' કચરા ટોપલી ગણવામાં આવે છે ત્યારે આવા કડક કાયદા કરીને એ જુવાનિયાઓને પાઠ ભણાવવો જરૂરી છે. જે યુવાની અને પૈસાના મદમાં મા-બાપના ઉપકારને ભૂલી ગયા છે, જે એ સમજતાં નથી કે આજે જે જગ્યાએ જે સ્થિતિમાં મારાં મા-બાપ છે એ જગ્યાએ એ સ્થિતિમાં આવતી કાલે હું હોઈશ ત્યારે આજે જે એમની દશા છે તે આવતી કાલે મારી થશે.
`મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા' આ વાત તેઓ આજે સમજી શકતાં નથી. તેથી તેમની સામે કડક હાથે કામ કરવું-લેવું જરૂરી છે. `સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઝમઝમ' જેવી વાત છે. જ્યારે વૃદ્ધ માતા-પિતા દ્વારા તેમને મિલકતમાંથી રદબાતલ કરવાની વાત આવશે ત્યારે તે સીધાં દોર થઈ જશે. ત્યારે તેમને ખ્યાલ આવશે કે આ અશક્ત હાથોને પણ સરકારે મોટી શક્તિ આપી દીધી છે. વૃદ્ધ માતા-પિતાનો અનાદર કરનાર સંતાનોને પોતાની મિલકત આપવા કરતાં તો મિલકતનું ટ્રસ્ટ કરીને સમાજ સેવી સંસ્થાઓને મિલકત આપી દેવી સારી. આવાં કડક પગલાં માતા-પિતા અને સરકાર દ્વારા લેવામાં આવશે.
આપણે કેટલા બધા કિસ્સાઓમાં જોયું છે કે માતા-પિતાની મિલકત મીઠું મીઠું બોલીને સંતાનો પોતાને નામે કરાવી લે છે અને પછી વૃદ્ધ મા-બાપને ધક્કો મારી દે. ભૂલેચૂકે સંતાનોએ માતા-પિતાની મિલકત કાવાદાવાથી એ પોતાને નામ કરાવી લીધા હોય તો એને રિવર્સ કરી શકવાની જોગવાઈ કાયદામાં હોવી જોઈએ. જો એવી જોગવાઈ કદાચ હોય તો મારી જાણમાં નથી, પણ જો ન હોય તો આવી બળજોગવાઈ સરકારે સત્વરે કરવી જોઈએ.