મુંબઈ: ટાટા સન્સના બોર્ડરૂમ વિવાદનો મામલો હવે ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો છે. ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસને 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટના કામકાજ અને નોએલ ટાટાની નિમણૂકો અંગે તપાસની માંગ કરી છે.
સર દોરાબજી ટાટા ટ્રસ્ટ ના સંચાલન અને વહીવટ અંગે રજૂઆત
ટાટા સન્સના ટ્રસ્ટી અને નોમિની ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર સમક્ષ 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' ના સંચાલન અને વહીવટ અંગે રજૂઆત કરી છે. આ ટ્રસ્ટ મુખ્ય ચેરિટેબલ સંસ્થા છે જે ટાટા સન્સ પર આશરે 66 ટકા નિયંત્રણ ધરાવે છે.
આંતરિક વિવાદો વધુ જટિલ બન્યા
શ્રીનિવાસને એક પત્ર લખીને ટ્રસ્ટના સંચાલન, નોએલ એન. ટાટાને આજીવન ટ્રસ્ટી તરીકે જાળવી રાખવા અને તેમના પુત્ર નેવિલ ટાટાની નિમણૂક અને ટાટા સન્સના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની તેમની પોતાની ભૂમિકાને મર્યાદિત કરવાના પ્રયાસો અંગે નિયમનકારી તપાસની માંગ કરી છે. આ પગલાને કારણે ટાટા સન્સના નેતૃત્વ, શેરબજારમાં સૂચિત લિસ્ટિંગ અને કંપની પર ટાટા ટ્રસ્ટ્સના નિયંત્રણને લગતા ચાલુ આંતરિક વિવાદો વધુ જટિલ બન્યા છે.
સર્ક્યુલરનો હેતુ મતદાન કરતા અટકાવવાનો હતો
વેણુ શ્રીનિવાસને તેમના પત્રમાં આક્ષેપ કર્યો છે કે 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ 'સર્ક્યુલર રિઝોલ્યુશન નંબર 107' બહાર પાડવામાં આવ્યું હતું. જેનો હેતુ તેમને 'ટાટા સન્સ'ના સૂચિત લિસ્ટિંગ અંગે ચર્ચા કરતા કે મતદાન કરતા અટકાવવાનો હતો.
શ્રીનિવાસનના મતે આ પગલું તેમના સ્વતંત્ર અભિપ્રાય અને મતદાનના અધિકારને દબાવવાનો તેમજ નિર્ણય લેવાની સત્તાને અમુક ટ્રસ્ટીઓના હાથમાં કેન્દ્રિત કરવાનો પ્રયાસ હતો.
નોએલ ટાટાએ બંને પ્રસ્તાવોનો સખત વિરોધ કર્યો
તેની બાદ 17 સપ્ટેમ્બરે યોજાયેલી ટાટા સન્સની બોર્ડ બેઠકમાં શ્રીનિવાસને ચેરમેન એન. ચંદ્રશેખરનની ત્રીજી પાંચ વર્ષની મુદત માટે પુનઃનિયુક્તિ અને લિસ્ટિંગ પ્રક્રિયાને આગળ વધારવાના પ્રસ્તાવોનું સમર્થન કર્યું હતું. જ્યારે નોએલ ટાટાએ આ બંને પ્રસ્તાવોનો સખત વિરોધ કર્યો હતો. આમ છતાં, 'કાસ્ટિંગ વોટ' દ્વારા બંને પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા. જેના પગલે ટાટા ટ્રસ્ટે બોર્ડના નિર્ણયોની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા હતા.