મુંબઈ: ટેલિવિઝન અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના 2016ના આત્મહત્યા કેસમાં તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને બોમ્બે હાઇ કોર્ટે ક્લીન ચિટ આપી દીધી છે. ન્યાયમૂર્તિ એસ. જી. ડિગેએ બુધવારે રાહુલ રાજ સિંહની અરજી મંજૂર કરી હતી. આ સાથે લગભગ એક દાયકાથી ચાલી રહેલી કાનૂની કાર્યવાહીનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે.
પ્રત્યુષા બેનર્જી 1 એપ્રિલ 2016ના રોજ ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા તેના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે મુંબઈ પોલીસે રાહુલ રાજ સિંહ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો, હુમલો કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવી ભારતીય દંડ સંહિતાની કલમ 306, 323 અને 506 હેઠળ કેસ નોંધ્યો હતો. જુલાઈ 2016માં બોમ્બે હાઈ કોર્ટે તેને આગોતરા જામીન આપ્યા હતા.
બાંગુર નગર પોલીસે 2018માં આ કેસમાં આરોપપત્ર દાખલ કર્યા બાદ રાહુલ રાજ સિંહે આરોપમાંથી મુક્ત કરવાની અરજી કરી હતી. જોકે, ડિંડોશી સેશન્સ કોર્ટે ઓગસ્ટ 2023માં તેની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલે આ નિર્ણયને બોમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે તે સમયે સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપને સિદ્ધ કરતી પ્રથમદર્શી સામગ્રી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
હાઇ કોર્ટમાં રાહુલ રાજ સિંહના વકીલોએ બંને વચ્ચેની છેલ્લી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. વકીલોની દલીલ હતી કે આ વાતચીતમાં રાહુલે પ્રત્યુષાને કોઈ પણ આત્યંતિક પગલું ન ભરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે તે તેને મળવા જઈ રહ્યો હતો. વકીલો દ્વારા આત્મહત્યા અંગે કોઈ નોંધ નહીં હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે આ દલીલોને ધ્યાનમાં લીધી હતી.
રાહુલ રાજ સિંહ તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે તે પ્રત્યુષાને બચાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ હતો. વકીલોએ કહ્યું હતું કે તેણે મોઢેથી શ્વાસ આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બીજી તરફ, અગાઉ સેશન્સ કોર્ટમાં પ્રત્યુષાના પરિવાર તરફથી રાહુલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કેસની સુનાવણી દરમિયાન આ મુદ્દાઓ પર દલીલો થઈ હતી.
હવે બોમ્બે હાઇ કોર્ટે ઉપલબ્ધ સામગ્રીના આધારે રાહુલ રાજ સિંહને પ્રત્યુષા બેનર્જીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. હાઈ કોર્ટનો વિગતવાર આદેશ બાદમાં ઉપલબ્ધ થશે. આ નિર્ણય સાથે 2016માં શરૂ થયેલા આ કેસમાં રાહુલ રાજ સિંહ વિરુદ્ધ ચાલી રહેલી કાનૂની કાર્યવાહી ઉપર હવે પૂર્ણવિરામ મુકાયું છે.