Tue Oct 06 2026

Logo

ફિલ્મમેકર્સ માટે ગુજરાત સરકારની મોટી ભેટ, શૂટિંગની તમામ મંજૂરી હવે એક જ પોર્ટલ પર

2026-09-30 22:40:00
Author: Mumbai Samachar Team
ફિલ્મમેકર્સ માટે ગુજરાત સરકારની મોટી ભેટ, શૂટિંગની તમામ મંજૂરી હવે એક જ પોર્ટલ પર

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલી જુદી જુદી સાઈટ્સને દેશના અગ્રણી સિનેમેટિક ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવા માટે રાજ્યના ટુરિઝમ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ના હસ્તે ‘સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ’ (Gujarat Single Window Cinematic Portal)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલનો ઉદ્દેશ ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે જરૂરી પરમિશન પ્રક્રિયાને વધુ સરળ, સુવ્યવસ્થિત અને ફિલ્મમેકર્સ માટે સુવિધાજનક બનાવવાનો છે. જે ગુજરાત પ્રવાસન કમિશનરની વેબસાઇટ મારફત એક્સેસ કરી શકાશે.

મંજૂરી સંબંધિત મહત્ત્વનું પોર્ટલ
આ નવા પોર્ટલ મારફતે ડોક્યુમેન્ટરી, ફીચર ફિલ્મ, એડ ફિલ્મ, વેબ સિરીઝ વગેરેના શૂટિંગ માટે જરૂરી પરમિશન મેળવવાની પ્રક્રિયા એક જ પ્લેટફોર્મ પર પ્રાપ્ય છે. આ પહેલથી ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ કરવા ઇચ્છતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ, પ્રોડક્શન હાઉસ તથા લાઇન પ્રોડ્યુસર્સ માટે પરમિશન પ્રક્રિયા વધારે સરળ થશે અને એક જ પ્રક્રિયા દ્વારા મોટાભાગની મંજૂરીને તપાસ કર્યા બાદ ગ્રીન સિગ્નલ આપવામાં આવશે.  ‘ઇન્ડિયન સિને હબ’ સાથે બાય-ડિરેક્શનલ ઇન્ટિગ્રેશન ગુજરાતના સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલને ભારત સરકારના ‘ઇન્ડિયન સિને હબ’ પોર્ટલ સાથે બાય-ડિરેક્શનલ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આનાથી ગુજરાતમાં તૈયાર થયેલી પોલિસીને વેબસાઈટ મારફતે પણ એક્સેસ કરી શકાશે. ઇન્ડિયન સિને હબ’ સમગ્ર ભારતમાં સિનેમા અને એન્ટરટેઇનમેન્ટ સંબંધિત પરમિશન માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ એકીકરણના પરિણામે ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે પરમિશન મેળવવાની પ્રક્રિયાને રાષ્ટ્રીય સ્તરની સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. જિલ્લા સ્તરના અધિકારીઓ અને લાઇન પ્રોડ્યુસર્સને તાલીમ પોર્ટલના અમલીકરણ માટે ગુજરાતની જિલ્લા કલેક્ટર કચેરીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ અને લાઇન પ્રોડ્યુસર્સને પોર્ટલ અંગે તાલીમ આપવામાં આવી છે.

ગુજરાતના પ્રવાસનને મળશે વેગ
આ લોકેશન્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત ટુરિઝમનો ઉદ્દેશ રાજ્યને પ્રાધાન્યલક્ષી સિનેમેટિક ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો છે. ફિલ્મ શૂટિંગને પ્રોત્સાહન મળવાથી રાજ્યના પ્રવાસન સ્થળોની વૈશ્વિક પહોંચ વધવાની સાથે સ્થાનિક રોજગારી, હૉસ્પિટાલિટી, પરિવહન અને અન્ય સંબંધિત ક્ષેત્રોને પણ વેગ મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.