પ્રજ્ઞા વશી
.અમે ખૂબ ખુશ હતાં, કારણ કે અમે નિવૃત્ત થયા પછી કયા કયા પ્રકારના આનંદ લૂંટવા, ક્યાં ક્યાં ફરવા જવું, અનેકવિધ ગ્રુપોમાં મેમ્બરશિપ લઈને જીવનભર જોયેલાં બધાં જ સ્વપ્નાં પૂરાં કરવાં એનું લિસ્ટ બનાવીને એક કૉપી અમારા બેડરૂમમાં લગાવી હતી. એક ઝેરોક્ષ પતિદેવને અને એક ઝેરોક્ષ ઘરના સભ્યોને પણ આપી હતી.
આ લિસ્ટ વાંચીને કોઈએ કોઈ પણ પ્રકારનાં મંતવ્યો આપ્યાં નહીં. અમને થયું, ક્યાં તો બધાને જલન થાય છે, ક્યાં તો બધા ખુશ થાય છે કે ‘હાશ... આખો દિવસ એક પછી એક ક્લબમાં જતાં રહેશે એટલે અમારે પણ નિરાંત!’
અમારો વિદાય સમારોહ શાળામાં રાખવામાં આવ્યો હતો, પણ ત્યારે અમે અનુભવ્યું કે શાળાનાં શિક્ષકો અને બાળકો કોઈ અગમ્ય કારણોસર મૌન ધારણ કરીને સભામાં બેઠાં હતાં. પછી વિચાર્યું, હવે તો આપણે નિવૃત્ત થયાં. બસ, હવે આપણે છીએ અને આપણાં સપનાં!
અમારી નિવૃત્તિ બાદ બંને વહુ-દીકરા વારાફરતી આવીને પૂછી જતાં, ‘મમ્મી, તમે પેલી મહિલા પરિષદની મેમ્બરશિપ લેવાનાં હતાં અને અંધજન શાળામાં બાળકોને વાર્તા કરવા જવાનાં હતાં. એનું કંઈ થયું કે નહીં? આ તો પેલાં મીતાબહેન નિવૃત્તિ પછી ઘરમાં બેઠાં બેઠાં કેટલા બધા રોગોના ભોગ બન્યાં! હાથ-પગ સુધ્ધાં કામ નથી કરતા અને બેઠાં બેઠાં ખાધેલું પણ પચતું નથી. સુગર અને બી.પી. બંને એકસાથે આવી ગયાં છે.’
અમારે અકારાં થવું નહોતું, એટલે અમે જવાબ આપતાં કહ્યું, ‘વહુબેટા, શિક્ષકના હાથ-પગથી લઈને બધી જ ઇન્દ્રિયો જીવનભર સતેજ રહે છે. એટલે મારા હાથ-પગ કે તન-મનને કંઈ થવાનું નથી.’
નિવૃત્તિ પછી મજા કરવાનું લિસ્ટ અમારે તો ફૉલો કરવું હતું, પણ નિવૃત્ત પતિદેવને એ મંજૂર નહોતું, કારણ કે એમનું દૃઢપણે માનવું હતું કે ગાડી પાર્કિંગમાંથી બને એટલી ઓછી બહાર કાઢવી, જેથી ગાડી ટનાટન જ રહે!
અમારુંં લિસ્ટ એમણે બાજુ પર મૂકી દીધું અને એક નવું લિસ્ટ બનાવી આપ્યું. એમણે દરરોજ ચાર ટાઇમ શું શું ખાવાનું બનાવવું એનું લિસ્ટ-પૂરા એક મહિનાનું-ટાઇપ કરીને આપી દીધું.
આજ સુધી અમે સ્કૂલે સમયસર પહોંચવું પડશે એવાં બહાનાં હેઠળ ભલભલા રસિક માણસને પણ વૈરાગ્ય લેવાનું મન થાય એવી રસોઈ જ બનાવી હતી. એટલે નિવૃત્ત થયા બાદ અમે રસોઈમાં વેઠ ઉતારીએ તો રોજ મહાભારત થવાની સંભાવના પૂરેપૂરી રહે!
ભીંત ઉપરથી સ્વપ્નોેનું લિસ્ટ ભારે હૃદયે ઉતારી, તરડાતા અવાજે ગાઈ નાખ્યું, ‘જિંદગી કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ જાના નહીં, કોઈ સમઝા નહીં...’
અમારી પાછળ દરવાજે આવીને ઊભેલા અમારા પતિદેવ કદાચ અમારા તૂટતા સ્વપ્નની કચ્ચરઘાણ સમેટતા હોય એમ દિલાસો આપતાં ગાવાનું શરૂ કરે છે, ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા...’
જોકે આખરે અમે કંઈ જીવનથી હારી જનારાં થોડાં છીએ! અમે સ્વપ્નનું લિસ્ટ ઉતારીને નીચે લખ્યું, ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં.’ અને તરત એક મોટા કોરા કાગળ ઉપર પતિદેવે આપેલું લિસ્ટ ચોંટાડી તેની નીચે લખ્યું:
‘બંને વહુઓએ ઉપરોક્ત વાનગીઓ જે ઘરના મોભીએ લખી છે, એ મુજબ વારાફરતી સમય-સંજોગો જોઈને બનાવતાં રહેવું. રસોઈની ખાદ્ય સામગ્રીઓનું લિસ્ટ ઘરના મોભીને આપવું. એટલે તેઓશ્રી પોતાની ફરમાઈશ મુજબની ઉત્તમ સામગ્રી બંને વહુઓને બજારમાંથી લાવી આપશે.
ઘરના તમામ ભાઈઓ સવાર-સાંજ વારાફરતી રસોઈ ચાખીને તેમાં વધઘટ કે મસાલો નાખવા કહેશે. કોઈ નવી વાનગી બનાવતાં ન આવડતી હોય તો યુ-ટ્યૂબ પર એ વાનગીનું નામ લખશો, એટલે ઢગલાબંધ શિક્ષકો (રસોઇયાઓ) તમને વાનગી કેવી રીતે બનાવવી તેની હજારો રીતો શીખવશે. ઘરનું ગાડું મેં એકલે હાથે આજ સુધી ખેંચ્યું છે. હવે એને ખેંચવાની જવાબદારી બંને વહુઓને વારસામાં આપું છું. ઑલ ધ બેસ્ટ ફોર યૉર ફ્યુચર લાઇફ!’
એમ પણ અમને ખબર હતી કે સાચો શિક્ષક એને જ કહેવાય કે જે કરે નહીં, પણ કરાવી જાણે અને અમને જીવનભરનો જે મહાવરો હતો એનો અમે ઉપયોગ કર્યો અને ઘરના દરેકને કામે લગાડી દીધા. બે વહુ સવાર-સાંજની રસોઈ કરે, એમના જ પતિ પરમશ્ર્વરો એ ચાખે અને ભૂલચૂક હોય તો સુધરાવે અને અમારા પતિ ઘર આખાની વિવિધ સામગ્રી લેવા જાય.
એટલે એમને પણ કેટલા વીસે સો થાય એ ખબર પડે. આપણી કિંમત પણ એ લોકોને ક્યારે ખબર પડવાની? એ તો એ લોકો જાતે બધાં કામ કરે તો જ ખબર પડે ને? વહુઓએ સસુરજીને બજારના એટલા આંટા મરાવ્યા કે એક દિવસ આવીને એમણે મને કહ્યું, ‘હું મારું ચાર ટાઇમ સરસ ખાવાનું લિસ્ટ પાછું ખેંચી લઉં છું. હવે તું તારું સપનાનું લિસ્ટ ફૉલો કરી શકે છે ’
જોયું? અમે વાંકી આંગળીએ ઘી કાઢી બતાવ્યું ને?