Tue Oct 06 2026

Logo

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું મોંધુ થયું, EB-5 પ્રોગ્રામ ફીમાં વધારો, ભારતીયોને અસર

Wasington   2026-09-30 16:36:00
Author: Chandrakant Kanoja
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું મોંધુ થયું, EB-5 પ્રોગ્રામ ફીમાં વધારો, ભારતીયોને અસર

વોશિંગ્ટન: અમેરિકાએ રોકાણ મારફતે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયોને આંચકો આપ્યો છે. જેમાં અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ' માટે ફીમાં નોંધપાત્ર વધારાને મંજૂરી આપી છે. આ નવા નિયમો 30 નવેમ્બરથી અમલી થશે. આ  રોકાણ દ્વારા અમેરિકામાં કાયમી નિવાસનો દરજ્જો મેળવવા ઈચ્છતા ભારતીય ઉદ્યોગસાહસિકો અને પરિવારો માટે ખર્ચમાં વધારો થશે.

ત્રણ વર્ષમાં 12,900 ભારતીયોએ EB-5 વિઝા માટે અરજી કરી

અમેરિકામાં EB-5 વિઝા માટે અરજી કરનારા ભારતીયોની સંખ્યા ચીનના અરજદારોની સંખ્યા કરતાં વધી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં 12,900 ભારતીયોએ EB-5 વિઝા માટે અરજી કરી હતી. જ્યારે ચીન તરફથી 9,875 અરજીઓ મળી હતી.

ફોર્મ I-526ની ફી 3,675 ડોલર થી વધારીને  7,615 ડોલર  કરાઇ 

EB-5 પ્રોગ્રામ હેઠળ, વ્યક્તિગત રોકાણકારો(Standalone) માટે ફોર્મ I-526ની ફી 3,675 ડોલર થી વધીને 7,615 ડોલર કરવામાં આવી છે.  જ્યારે પ્રાદેશિક કેન્દ્રો(Regional Center)દ્વારા રોકાણ કરનારાઓ માટે ફોર્મ I-526Eની ફી 3,675 ડોલરથી વધીને 7,850 ડોલર  થશે. આ પ્રારંભિક અરજીઓ પર 75 ડોલરની ટેક્નોલોજી ફી પણ લાગુ થશે. તેમજ  ગ્રીન કાર્ડ પરની શરતો દૂર કરવા માટે દાખલ કરવામાં આવતા ફોર્મ I-829ની ફી 3,750 ડોલરથી વધીને 5,000 ડોલર થશે.

પ્રાદેશિક કેન્દ્રનો દરજ્જો મેળવવા માટેની ફીમાં પણ વધારો 

આ નવા નિયમો હેઠળ પ્રાદેશિક કેન્દ્રો (regional centers) સંબંધિત ફીમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. ફોર્મ I-956 દ્વારા પ્રાદેશિક કેન્દ્રનો દરજ્જો મેળવવા માટેની ફી 17,795 ડોલર થી વધારીને  44,115 ડોલર કરવામાં આવી છે.  જ્યારે ફોર્મ I-956F માટેની ફી વધીને 42,675 ડોલર થશે. USCIS ના જણાવ્યા અનુસાર, એજન્સી તેની કામગીરીનો મોટો હિસ્સો અરજી ફીમાંથી થતી આવક દ્વારા ભંડોળ પૂરું પાડીને ચલાવે છે. 

જાણો શું છે EB-5 પ્રોગ્રામ ? 

EB-5 પ્રોગ્રામ દ્વારા વિદેશી રોકાણકારો યુ.એસ.માં પાત્રતા ધરાવતા વ્યવસાયિક પ્રોજેક્ટમાં રોકાણ કરીને અને ઓછામાં ઓછી 10 પૂર્ણ-સમયની નોકરીઓનું સર્જન કરીને કાયમી નિવાસ માટે પાત્ર બની શકે છે. વર્તમાન નિયમો હેઠળ, રોકાણની લઘુત્તમ રકમ 1.05 મિલિયન ડોલર છે, જ્યારે લક્ષિત રોજગાર વિસ્તારો અથવા માળખાગત સુવિધાના પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે તે 800,000 ડોલર  છે. આ પ્રોગ્રામ હેઠળ  રોકાણકારના જીવનસાથી અને પાત્રતા ધરાવતા બાળકો પણ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.