નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઇ છે. આ માહિતી ખૂબ પીએમ મોદીએ એક્સ પર શેર કરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની વાતચીત ફળદાયી
પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની વાતચીત ફળદાયી રહી. તેમણે વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની સમીક્ષા કરી.
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, બે દેશો 'વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી'ને વધુ આગળ વધારવા માટે ગાઢ સંપર્ક જાળવી રાખવા પર સહમત થયા. તેમણે વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ચાલુ પ્રયાસો સહિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ભારતીય જહાજો પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો
પીએમ મોદીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર પર તેની નોંધપાત્ર અસરને જોતાં, આ દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવો સમગ્ર વિશ્વ માટે આવશ્યક છે. વડાપ્રધાને ભારતીય જહાજો અને તેના પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે લાખો ભારતીય નાવિકો વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરે છે અને વૈશ્વિક વેપારમાં યોગદાન આપે છે.તેથી, તેમની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે.
નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા માટે સતત કામ
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે વોશિંગ્ટનમાં યોજાયેલી બેઠક બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ગતિ અને ઊર્જા મળી છે. આ બંને દેશો પોતપોતાના નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.
વિવિધ ક્ષેત્રોમાં સહયોગ આગળ
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની ખૂબ સારી વાતચીત થઈ હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ આગળ વધી રહ્યો છે.