Tue Oct 06 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સાચો વારસો કયો... પૈસા કે પ્રેમભરી યાદ?

2026-09-24 07:50:00
Author: Shweta Joshi Antani
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સાચો વારસો કયો... પૈસા કે પ્રેમભરી યાદ?

 

શ્વેતા જોષી અંતાણી

સોળ વર્ષની તારા માટે નાનીનું ઘર માત્ર એક ઘર નહોતું. એનું બાળપણ હતું, એની ગુપ્ત વાતોનું સ્થળ હતું અને કદાચ એ એકમાત્ર જગ્યા હતી જ્યાં એને કોઈ પ્રશ્ર્ન પૂછવામાં આવતો નહોતો એટલે જ્યારે શાળાના પ્રિન્સિપાલે એને પોતાના રૂમમાં બોલાવીને કહ્યું કે ‘નાની અવસાન પામ્યાં  છે’ ત્યારે તારાને પહેલાં તો કંઈ સમજાયું જ નહીં. પ્રિન્સિપાલ બોલતાં રહ્યાં : ’બેટા, તું હિંમત રાખજે.’ તારાએ માથું હલાવ્યું અને ‘ઓકે, મેમ.’ એટલું કહીને એ રૂમની બહાર નીકળી ગઈ. 

હોસ્ટેલના રૂમમાં પાછી આવી ત્યારે રૂમમેટ્સ એને ઘેરી વળી. ‘તારા, અમને બહુ દુ:ખ થયું.’ તારાએ એમની સામે જોયું. બંન્નેના ચહેરા પર સહાનુભૂતિ હતી, પણ એ સામે કોઈ પ્રતિસાદ આપી શકી નહી. એ બૅગ લઈને સીધી લાઇબ્રેરીમાં જતી રહી. પુસ્તક ખોલ્યું. એક પાનું. બીજું, ત્રીજું એમ એક પછી એક પાનાં ફરતાં રહ્યાં. આંખો શબ્દો વાંચતી રહી, પણ મનમાં માત્ર એક જ વાક્ય ઘુમેડાય રહેલું. ‘નાની નથી.’ 

બીજા દિવસે પપ્પા એને લેવા આવ્યા. ‘તારા, શાંતાબેન ઊંઘમાં જતાં રહ્યાં. બહુ તકલીફ થઈ નથી.’ તારા બારી બહાર જોતી રહી. શાંતાબહેનની ઉંમર બોંતેર વર્ષ હતી, પરંતુ તારાને ક્યારેય લાગ્યું નહોતું કે નાની વૃદ્ધ છે. નાની એટલે સવારની ચા. નાની એટલે રવિવારના આલુ-પરાઠા. નાની એટલે આંબાનું અથાણું. નાની એટલે એની દરેક વાત સાંભળનાર વ્યક્તિ. સાંજે ઘેર પહોંચેલી તારા સામે નાનીનું ઘર એ જ હતું. સફેદ બારીઓ. લાલ છત. આંગણામાં તુલસી અને પાછળ વિશાળ આંબાનું ઝાડ. તારા ગાડીમાંથી ઊતરી ત્યારે થોડા સમય માટે એને ખરેખર લાગ્યું કે હમણાં દરવાજો ખૂલશે અને નાની હાથમાં ચાનો કપ લઈને બહાર આવશે, પણ દરવાજો ખૂલ્યો ત્યારે સામે એનો નાનો ભાઈ વિહાન હતો. પાછળ મમ્મી ઊભેલી.

એ પહેલી વાર હતું જ્યારે ઘરમાં પ્રવેશતાં તારાનું મન ખુશ નહોતું થયું. આગળના થોડા દિવસો સગાં-વ્હાલાં આવતાં રહ્યાં. દીવાલ પર નાનીનો મોટો ફોટો મૂકવામાં આવ્યો હતો. તારાને ફોટો જોઈને ગુસ્સો આવ્યો. આ એની નાની નહોતી. એની નાની તો હસતી વખતે આંખો ઝીણી કરી દેતી હતી. એ આંખોમાં ચમક હતી. એની નાની ફોટામાં બંધ થઈ શકે નહીં. તારા ઘરની પાછળ ગઈ. આંબાના ઝાડ નીચે બેસી ગઈ. આ ઝાડ નાનીએ જ વાવ્યું હતું. તારાને યાદ આવ્યું કે નાની કહેતાં, ’આ ઝાડ મારાથી પણ જૂનું લાગશે એક દિવસ.’ તારા હસતી. ’એવું કેવી રીતે બને?’ નાની કહેતાં, ‘લોકો જતા રહે છે, વૃક્ષો વાર્તાઓ સાચવી રાખે છે.’ 

આ વખતે ઝાડ ખરેખર ત્યાં હતું. નાની નહોતી.

થોડા દિવસ પછી પપ્પાએ તારાને કહ્યું કે નાનીએ ઘર એના નામે કર્યું છે. ‘આ ઘર હવે તારું છે.’ તારા ચોંકી ગઈ. ‘મારું?’ ‘હા. શાંતાબેને લખ્યું છે કે આ ઘર એમની દીકરીની દીકરીને મળે.’

તારાને એક જ વાત સમજાતી નહોતી. નાનીએ આવું કેમ કર્યું? એની મમ્મી નિશા ખૂબ સફળ સ્ત્રી હતી. પોતાની કંપની ચલાવતી. એ હંમેશાં તારાને કહેતી, ‘તારે જીવનમાં કંઈક મોટું કરવું છે. સારી કારકિર્દી, સારી યુનિવર્સિટી, વિદેશમાં ભણતર.., તું જે ઇચ્છે તે બની શકે છે.’ પણ તારાને ખબર નહોતી કે એને શું બનવું હતું. એ નાનીને ઘણી વાર કહેતી, ‘મમ્મી અને હું બહુ અલગ છીએ. એમને મારી વાત સમજાતી જ નથી.’ 

નાની હસીને કહેતાં, ‘લોકો અલગ હોઈ શકે, પણ પ્રેમની ભાષા એક જ હોય છે.’

એક અઠવાડિયા પછી મમ્મીએ કહ્યું, ‘આ ઘર વેચી દઈએ. પૈસા તારા ભણતર માટે કામ આવશે. તું વિદેશ જઈ શકીશ.’ 

તારા ચૂપ રહી. એ કહેવા માગતી હતી કે પૈસા નહીં એને આ ઘર જોઈએ. આંગણું જોઈએ. નાનીની સુગંધવાળું રસોડું જોઈએ, પણ એણે કંઈ કહ્યું નહીં. એની પાસે શબ્દો નહોતા. ઘર વેચાઈ જવાનું હતું. છેલ્લા રવિવારે સવારે તારા ઊઠી ત્યારે રસોડામાંથી આલુ પરાઠાની સુગંધ આવી. એ આશ્ર્ચર્યથી રસોડામાં ગઈ. મમ્મી તવા પાસે ઊભી હતી. માથા પર પરસેવો હતો. હાથમાં લોટ લાગેલો હતો. તારા દરવાજા પાસે જ ઊભી રહી ગઈ.

‘મમ્મી, તમે આલુ પરાઠા બનાવો છો?’ નિશા હસી. ‘હા. કેમ? પહેલાં તારી નાની બનાવતાં હતાં. હવે હું બનાવી રહી છું.’            

થોડી વાર પછી મમ્મીએ ટેબલ પર કાચની બરણી મૂકી. આંબાનું અથાણું. તારાનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું. નાનીના હાથનું છેલ્લું અથાણું. એણે થોડું અથાણું પરાઠા સાથે લીધું. એક ટુકડો મોઢામાં મૂક્યો. આંખો તરત ભીની થઈ ગઈ. એ જ સ્વાદ. એ જ સુગંધ. એ જ ખટાશ. એ જ મીઠાશ. 

તારાએ માથું ઊંચું કર્યું. મમ્મી એને જોઈ રહી હતી.ત્યારે પહેલી વાર તારાને મમ્મીના ચહેરામાં કંઈક ઓળખાયું. એ જ હળવી આંખો. હસતી વખતે આંખોની આસપાસ પડતી આછી કરચલી. નાનીની આંખો. મમ્મીની આંખો અને પોતાની આંખો.     
 
તારાને અચાનક સમજાયું. નાની ગઈ નહોતી. માત્ર  એમનું શરીર નહોતું, અવાજ નહોતો, પરંતુ એ મમ્મીમાં હતાં. મમ્મીની આંખોમાં. તારાના સ્વભાવમાં. એમના બનાવેલા અથાણાના સ્વાદમાં. આંગણાના આંબાના ઝાડમાં. અને એ બંન્ને વચ્ચેના એવા સંબંધમાં, જેને સમજવામાં પોતે નિષ્ફળ જતી હતી.

તારા ધીમેથી નિશા પાસે જઈને એમને ભેટી પડી. નિશા કંઈ બોલી નહીં. દીકરીને હૂંફમાં લઈ લીધી. બંન્નેમાંથી કોઈએ માફી માગી નહીં. કોઈએ જૂની ફરિયાદોની વાત કરી નહીં. ક્યારેક સંબંધોને સુધારવા માટે શબ્દોની જરૂર નથી પડતી. એક યાદ પૂરતી હોય છે. એક સુગંધ. એક સ્વાદ. અથવા આંબાના ઝાડ નીચે બેઠેલી કોઈ જૂની બપોર. તારાએ બારીની બહાર જોયું. એને નાનીનો અવાજ સંભળાયો :

‘લોકો જતા રહે છે, વૃક્ષો વાર્તાઓ સાચવી રાખે છે,.. ’ 

તારા હસીને મનમાં બોલી, ‘નાની, તમારી વાર્તા હવે હું સાચવીશ.’ વારસો એટલે માત્ર ઘર કે પૈસા નહીં, પ્રેમભરી યાદો પણ એક અમૂલ્ય વારસો જ હોય છે.